Amreli farmers aid of Rs 680 crores: અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ અને કુદરતી આફતોના કારણે થયેલા વ્યાપક પાક નુકસાન બાદ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા 'ખુશી રાહત પેકેજ 2025' હેઠળ ખેડૂતોને મોટી રાહત મળી છે. આ પેકેજ અંતર્ગત જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 680 કરોડ રૂપિયાની સહાય રકમ ચૂકવવામાં આવી છે, જેના કારણે 2.04 લાખ જેટલા ખેડૂતોને સીધી આર્થિક મદદ મળી છે.
2,23,723 અરજીઓ મંજૂર કરવામાં આવી
જિલ્લા ખેતીવાડી અધિકારી જીગ્નેશ કાનાણીએ આ અંગે વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં પાક નુકસાનને લઈને કુલ 2,24,613 અરજીઓ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. આ તમામ અરજીઓની મેદાની તપાસ અને સ્ક્રુટીની બાદ 2,23,723 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. મંજૂર થયેલી અરજીઓમાંથી અત્યાર સુધીમાં 2,04,000 જેટલા ખેડૂતોના ખાતામાં DBT (ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર) મારફતે સહાય રકમ જમા કરાવવામાં આવી છે.
નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બાકી રહેલી અંદાજે 15,000 જેટલી અરજીઓમાં ખેડૂતોના DBT એકાઉન્ટ સક્રિય ન હોવાના કારણે ચુકવણી અટકી છે. આવા ખેડૂતોનો તાલુકા સ્તરે સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને તેમને DBT પ્રક્રિયા પૂર્ણ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, જેથી ટૂંક સમયમાં બાકી રહેલી સહાય પણ તેમના ખાતામાં જમા થઈ શકે. ખુશી રાહત પેકેજ અંતર્ગત અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવી છે. ખાસ કરીને મગફળી, કપાસ, તલ સહિતના ખરીફ પાકોને ભારે નુકસાન થયું હતું. કમોસમી વરસાદ અને પવનના કારણે પાક પલળી જવાથી ઉત્પાદન ઘટ્યું હતું, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું.
સરકાર દ્વારા વળતર જાહેર
સરકાર દ્વારા મળેલી સહાયથી ખેડૂતોમાં રાહત અને સંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. સાવરકુંડલા તાલુકાના ભમોદરા ગામના ખેડૂત હરેશભાઈ વિરાણીએ પોતાની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, 'કમોસમી વરસાદના કારણે મારી મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન થયું હતું. સરકાર દ્વારા વળતર જાહેર થયા બાદ અમે અરજી કરી હતી. હવે એક હેક્ટર માટે 22 હજાર રૂપિયા અને બે હેક્ટર માટે કુલ 44 હજાર રૂપિયા સીધા મારા ખાતામાં જમા થયા છે. આ સહાયથી ફરી ખેતી શરૂ કરવાની હિંમત મળી છે.'
ભારમાંથી બહાર આવવામાં મદદરૂપ બની છે
અન્ય ખેડૂતોનું પણ કહેવું છે કે, સમયસર મળેલી આ સહાયથી બીજ, ખાતર, દવાઓ અને આગામી વાવેતરની તૈયારી કરવા માટે જરૂરી નાણાં ઉપલબ્ધ થયા છે. ખાસ કરીને નાના અને સીમિત ખેડૂતો માટે આ રકમ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે અને તેમને દેવાના ભારમાંથી બહાર આવવામાં મદદરૂપ બની છે. જિલ્લા પ્રશાસને ખાતરી આપી છે કે, બાકી રહેલા તમામ પેમેન્ટ પણ DBT પ્રક્રિયા પૂર્ણ થતાં જ ઝડપથી ચૂકવી આપવામાં આવશે. 'ખુશી રાહત પેકેજ 2025' અમરેલી જિલ્લાના ખેડૂતો માટે સંજીવનીરૂપ સાબિત થયું છે અને રાજ્ય સરકારની ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલતા તથા પ્રતિબદ્ધતા ફરી એકવાર સ્પષ્ટ થઈ છે.








