Godhra Train Burning Case: ગોધરા ટ્રેન સળગાવવાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિત ઈરફાન સિરાજ પાડાને સુપ્રીમ કોર્ટે 23 નવેમ્બરે મોટી રાહત આપી છે. ગંભીર હૃદયરોગ અને લાંબા સમયથી જેલમાં હોવાના તબીબી કારણોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે તેની આજીવન કેદની સજા સસ્પેન્ડ કરીને જામીન મંજૂર કર્યા છે. જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પી.બી. વરાલેની ખંડપીઠે આ નિર્ણય લીધો હતો. સુનાવણી દરમિયાન ગુજરાત સરકારે પણ તબીબી કારણોસર રાહત આપવામાં આવે તો કોઈ વાંધો ન હોવાનું જણાવ્યું હતું.
ગુજરાત સરકારે તબીબી સ્થિતિ અંગે રજૂઆત સ્વીકારી
સુનાવણી દરમિયાન દોષિત ઈરફાન સિરાજ પાડાના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે તે ગંભીર હૃદયરોગથી પીડિત છે અને છેલ્લા 17થી 18 વર્ષથી જેલમાં બંધ છે. બીજી તરફ, રાજ્ય સરકાર તરફથી હાજર વકીલ સ્વાતિ ઘિલ્ડિયાલે દોષિતની તબીબી સ્થિતિ અંગેની હકીકતો સ્વીકારી હતી. તેમણે જણાવ્યું હતું કે જો સુપ્રીમ કોર્ટ તબીબી કારણોસર રાહત આપવા માગતી હોય તો સરકારને તેમાં કોઈ વાંધો નથી. જોકે, તેમણે આ રાહત માત્ર તબીબી કારણો પૂરતી જ મર્યાદિત રાખવાની વિનંતી કરી હતી. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું હતું કે અરજી મુખ્યત્વે તબીબી કારણોસર કરવામાં આવી છે અને રાજ્ય સરકારે પણ દોષિતની બીમારી અંગેની વિગતો સાચી હોવાનું સ્વીકાર્યું છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કોર્ટે ઈરફાનની આજીવન કેદની સજા સસ્પેન્ડ કરીને જામીન આપવાનો આદેશ કર્યો હતો.
અગાઉ પણ વહેલી મુક્તિની અરજી પર મળ્યા હતા પેરોલ
આ પહેલાં વર્ષ 2025માં પણ ઈરફાનને વહેલી મુક્તિ એટલે કે પ્રીમેચ્યોર રિલીઝની અરજી પર રાજ્ય સરકાર વિચારણા કરે તે માટે વચગાળાના પેરોલ આપવામાં આવ્યા હતા. હવે ગંભીર હૃદયરોગની સ્થિતિને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે તેની સજા સસ્પેન્ડ કરી છે.
27 ફેબ્રુઆરી 2002ના રોજ થયો હતો ગોધરા ટ્રેનકાંડ
27 ફેબ્રુઆરી, 2002ના રોજ અયોધ્યાથી પરત ફરી રહેલી સાબરમતી એક્સપ્રેસના S-6 કોચમાં આગ લાગતાં 58 કાર સેવકોનાં મોત થયાં હતાં. આ ઘટના બાદ ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. આ કેસમાં માર્ચ 2011માં ટ્રાયલ કોર્ટે 31 લોકોને દોષિત ઠેરવ્યા હતા. તેમાંથી 11 આરોપીઓને ફાંસીની સજા અને 20ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે 63 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
2017માં 11 દોષિતોની ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવાઈ
વર્ષ 2017માં ગુજરાત હાઈકોર્ટે 11 દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હતી. આ ચુકાદા સામે દોષિતોની અપીલ વર્ષ 2018થી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. આ પહેલાં પણ મે 2022, ડિસેમ્બર 2022 અને એપ્રિલ 2023માં સુપ્રીમ કોર્ટે આ કેસના અન્ય કેટલાક દોષિતોને અલગ-અલગ કારણોસર જામીન આપ્યા હતા. હવે 23 નવેમ્બરે ઈરફાન સિરાજ પાડાને પણ તબીબી કારણોસર રાહત મળતાં આ કેસ ફરી ચર્ચામાં આવ્યો છે.








