Girnar Lili Parikrama 2026: જૂનાગઢમાં ગિરનારની ગોદમાં યોજાતી ઐતિહાસિક 36 કિલોમીટરની લીલી પરિક્રમામાં આ વર્ષે શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. દેવઉઠી અગિયારસ નિમિત્તે 20 નવેમ્બરની મોડી રાત્રે સાધુ-સંતોની ઉપસ્થિતિમાં પરિક્રમાનો વિધિવત પ્રારંભ થવાનો છે. જોકે, નિર્ધારિત સમય પહેલાં જ ભવનાથ વિસ્તારમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં ભારે ભીડને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને વન વિભાગે વહેલી સવારે 6 વાગ્યે ઈટવા ગેટ ખોલી દીધો હતો. ગેટ ખુલતાં જ 'જય ગિરનારી'ના નાદ સાથે ભાવિકોએ પરિક્રમાની શરૂઆત કરી હતી.
બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ ભવનાથમાં ઉમટ્યા
જૂનાગઢના મામલતદાર એ.કે. બારૈયાના જણાવ્યા અનુસાર, શ્રદ્ધાળુઓની વધતી ભીડને કારણે ટ્રાફિક વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વહેલી સવારે 6 વાગ્યે ઈટવા ગેટ ચોકી પરથી પરિક્રમા શરૂ કરાવવામાં આવી હતી. અત્યાર સુધીમાં ભવનાથ પરિસરથી ઈટવા ગેટ સુધીના વિસ્તારમાં અંદાજે બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ એકત્ર થયા હોવાનો અંદાજ છે. હજુ પણ ભાવિકોની આવક સતત ચાલુ છે. ગેટ ખોલવામાં આવતાં જ હજારો શ્રદ્ધાળુઓ પરિક્રમાના પ્રથમ ચરણ તરફ આગળ વધ્યા હતા.
રાત્રે સાધુ-સંતોની ઉપસ્થિતિમાં થશે વિધિવત પ્રારંભ
પરિક્રમાનો પરંપરાગત અને વિધિવત પ્રારંભ આજે 20 નવેમ્બરની રાત્રે દેવઉઠી અગિયારસ નિમિત્તે સાધુ-સંતોની ઉપસ્થિતિમાં થશે. જોકે, ભીડને કારણે ભાવિકોને વહેલી તકે જંગલમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. પરિક્રમા દરમિયાન કોઈ અગવડતા ન સર્જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત, વન કર્મચારીઓની ટીમો અને મેડિકલ સુવિધાઓ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
વન વિભાગ દ્વારા પ્લાસ્ટિક ચેકિંગ
ગિરનારના જંગલ વિસ્તારને સ્વચ્છ રાખવા માટે વન વિભાગ દ્વારા પરિક્રમા રૂટ પર પ્લાસ્ટિક ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓને પ્લાસ્ટિકની વસ્તુઓ જંગલમાં ન લઈ જવા અને પર્યાવરણની સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી રહી છે.
રહેવા-સૂવાની મુશ્કેલી વચ્ચે વહેલો ગેટ ખોલવાની અપીલ
ગુજરાત ઉપરાંત દેશના અલગ-અલગ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભવનાથ પહોંચ્યા છે. ભક્તોની ભારે ભીડને કારણે હોટલો અને ધર્મશાળાઓ હાઉસફુલ થઈ ગઈ છે. પરિણામે અનેક યાત્રાળુઓને રહેવા અને સૂવાની સુવિધા મેળવવામાં મુશ્કેલી પડી હતી. વડીલો સહિતના શ્રદ્ધાળુઓ કલાકોથી રાહ જોઈ રહ્યા હોવાથી યાત્રાળુઓએ તંત્રને વહેલો ગેટ ખોલવાની અપીલ કરી હતી. જંગલમાં તબક્કાવાર પ્રવેશ આપવામાં આવે તો ભીડનું સંચાલન સરળ બને તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી.
'જય ગિરનારી'ના નાદ સાથે શ્રદ્ધાળુઓ આગળ વધ્યા
વડોદરાથી પરિક્રમા કરવા આવેલા શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે પરિક્રમા વાસ્તવમાં 19 નવેમ્બરની રાત્રે શરૂ થવાની હતી, પરંતુ ભારે ભીડને કારણે વહેલી શરૂ કરવામાં આવી છે. ગેટ ખુલતાં જ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. 'જય ગિરનારી'ના નાદ સાથે શ્રદ્ધાળુઓ પરિક્રમાના માર્ગે આગળ વધી રહ્યા છે.








