Girnar Lili Parikrama 2026: ગરવા ગિરનારની ગોદમાં યોજાતી પરંપરાગત લીલી પરિક્રમા આ વર્ષે કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે 20 નવેમ્બરથી શરૂ થવાની છે. પરિક્રમાને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગત વર્ષે પરિક્રમા બંધ રહેવાના કારણે આ વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને યાત્રિકોની સુવિધા અને સુરક્ષા માટે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે.
36 કિલોમીટરના રૂટ પર સુવિધાઓ ઊભી કરાશે
ગિરનારની લીલી પરિક્રમા આશરે 36 કિલોમીટરના જંગલ માર્ગ પર યોજાય છે. લાખો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જોડાયેલી આ પરિક્રમામાં પાણી, આરોગ્ય, લાઇટિંગ, રસ્તાઓની મરામત અને સુરક્ષા જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેક્ટર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓએ ભવનાથથી પરિક્રમાના પ્રવેશદ્વાર ઈટવા ગેટ સુધીના માર્ગનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન પોલીસ, વન વિભાગ, મહાનગરપાલિકા, આરોગ્ય વિભાગ અને એસટી વિભાગ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ સંબંધિત વિભાગોને સમયસર તૈયારીઓ પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.
પાણીની વ્યવસ્થા માટે 30થી 32 સ્ત્રોત ઊભા કરાશે
આ વર્ષે ગિરનારના જંગલ વિસ્તારમાં ઓછા વરસાદને કારણે કુદરતી પાણીના સ્ત્રોતો ઘટ્યા છે. આથી પરિક્રમા દરમિયાન યાત્રિકોને પાણીની મુશ્કેલી ન પડે તે માટે વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અગાઉ દર વર્ષે અંદાજે 19 બોર કરવામાં આવતા હતા, જ્યારે આ વર્ષે વધુ 10થી 12 નવા બોર બનાવવાનું આયોજન છે. આમ, કુલ 30થી 32 પાણીના સ્ત્રોત ઊભા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરી 15 નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જંગલના બે-ત્રણ ઊંચાઈવાળા વિસ્તારોમાં પાણી પહોંચાડવું પડકારરૂપ બની શકે છે. તેથી યાત્રિકોને પૂરતું પાણી મળી રહે તે માટે તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે.
વન્યજીવોની સુરક્ષા માટે પણ ખાસ વ્યવસ્થા
ગિરનારના જંગલ વિસ્તારમાં સિંહ સહિતનાં વન્યજીવોની અવરજવર રહેતી હોવાથી યાત્રિકોની સુરક્ષા સાથે વન્યજીવોનું સંરક્ષણ પણ મહત્ત્વનું છે. આ માટે વન વિભાગ દ્વારા પૂરતો સ્ટાફ અને ટ્રેકર્સ તૈનાત કરવાની તૈયારી કરવામાં આવશે. પરિક્રમા દરમિયાન યાત્રિકો, વરિષ્ઠ નાગરિકો અને બાળકો સાથે આવતા વાલીઓને નિર્ધારિત માર્ગ પર જ ચાલવા તથા જંગલના અંદરના ભાગમાં ન જવા અપીલ કરવામાં આવી છે. તંત્રની સૂચનાઓનું પાલન કરીને પરિક્રમા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે પૂર્ણ કરવા સહયોગ આપવા પણ જણાવાયું છે.
25 દિવસ અગાઉથી તૈયારીઓ શરૂ કરવાની દિશામાં કામગીરી
આ વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાની સંભાવના અને પાણીની અછત જેવા પડકારોને ધ્યાનમાં રાખીને પરિક્રમાની તૈયારીઓ વહેલી શરૂ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. રસ્તાઓની મરામત, સફાઈ, લાઇટિંગ, આરોગ્ય સેવાઓ અને અન્ય પાયાની સુવિધાઓ ઊભી કરવાની કામગીરી પર ધ્યાન આપવામાં આવશે. હવે શ્રદ્ધાળુઓની નજર પરિક્રમાની તૈયારીઓ અને યાત્રા દરમિયાન ઉપલબ્ધ થનારી સુવિધાઓ પર છે.








