Girnar Lili Parikrama 2026: ગિરનાર લીલી પરિક્રમા 2026 માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. તા. 20 નવેમ્બરની મધ્યરાત્રિથી શરૂ થનારી પરિક્રમાને લઈને જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાવિકોને કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ આપી હતી. ખાસ કરીને તેમણે ભાવિકોને નિર્ધારિત સમય કરતાં વહેલા ન પહોંચવા અપીલ કરી છે, જેથી પ્રવેશદ્વારો પર ભીડ ન થાય અને અન્ય શ્રદ્ધાળુઓને કોઈ અગવડતા ન પડે.
20 નવેમ્બરની મધ્યરાત્રિથી શરૂ થશે પરિક્રમા
જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે ગિરનાર લીલી પરિક્રમાનો સમગ્ર માર્ગ વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં આવે છે. વન વિભાગ દ્વારા પરિક્રમા માર્ગનું નિરીક્ષણ કરીને જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત સાધુ-સંતો સાથે બેઠક યોજીને તેમના સૂચનો મેળવ્યા બાદ પરિક્રમાના આયોજન અંગે જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા છે. કલેક્ટરે ભાવિકોને ખાસ અપીલ કરતાં જણાવ્યું કે નિર્ધારિત સમય કરતાં વહેલા પરિક્રમા સ્થળે પહોંચવું નહીં. વહેલા પહોંચવાથી પ્રવેશદ્વારો પર ભીડ થવાની અને અન્ય શ્રદ્ધાળુઓને મુશ્કેલી પડવાની શક્યતા છે. તેથી ભાવિકોએ નિર્ધારિત સમયે જ પહોંચીને વહીવટી તંત્રને સહયોગ આપવો. પરિક્રમાના છેલ્લા દિવસે સવારે 7 વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવશે. આ સમયમર્યાદામાં પ્રવેશ મેળવનારા ભાવિકોએ તે જ દિવસે સાંજ સુધીમાં પરિક્રમા પૂર્ણ કરીને બહાર આવી જવાનું રહેશે.
પરિક્રમા માર્ગ પર પાણીની પૂરતી વ્યવસ્થા
આ વર્ષે ઓછા વરસાદના કારણે ખાસ કરીને ગિરનાર વિસ્તારમાં પાણીની અછત જોવા મળી રહી છે. તેમ છતાં ભાવિકોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે પૂરતા પ્રમાણમાં બોરની વ્યવસ્થા કરવામાં આવી છે. કલેક્ટરે જણાવ્યું કે ગત વર્ષે 5,000 લીટર ક્ષમતાના 29 ટેન્ક વિવિધ સ્થળોએ મૂકવામાં આવ્યા હતા. જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં 51 ટેન્ક મૂકવામાં આવ્યા છે અને આગામી બે દિવસમાં તેમાં વધુ વધારો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દરેક ટેન્ક સાથે 8થી 10 નળની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત માળવેલા અને નળપાણીની ઘોડી પર પણ પાણી પહોંચાડવામાં આવ્યું છે, જેથી પરિક્રમા માર્ગના ઉપરના વિસ્તારોમાં પણ ભાવિકોને પીવાનું પાણી મળી રહે.
જંગલમાં પ્લાસ્ટિક લઈ જવા પર પ્રતિબંધ
ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આથી કલેક્ટરે ભાવિકોને પ્લાસ્ટિકની કોઈપણ વસ્તુ સાથે જંગલ વિસ્તારમાં પ્રવેશ ન કરવા અપીલ કરી છે. પ્રવેશદ્વારો પર ચકાસણી કરવામાં આવશે. આ ઉપરાંત પોલીસ અને વન વિભાગ દ્વારા અલગ-અલગ સ્થળોએ પણ તપાસ હાથ ધરવામાં આવશે. પ્લાસ્ટિકના ઉપયોગને રોકવા માટે આશરે 10 એન્ટી પ્લાસ્ટિક સ્ક્વોડ બનાવવામાં આવી છે. ગિરનારના કુદરતી સૌંદર્ય અને વન્યજીવોના સંરક્ષણ માટે ભાવિકોનો સહયોગ જરૂરી હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું.
સૂકાં પાંદડાઓના કારણે આગ લાગવાનું જોખમ
ઓછા વરસાદને કારણે ગિરનાર વિસ્તારમાં સૂકાં પાંદડાઓનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે આગ લાગવાનું જોખમ પણ રહેલું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા પાંચ દવ ટુકડીઓ વિવિધ ઘોડીઓ પર તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત આશરે 30 રાવટીઓ પર ફાયર બ્લોઅરની વ્યવસ્થા કરવામાં આવી છે. કલેક્ટરે ભાવિકોને ધૂમ્રપાન સહિતની પ્રવૃત્તિઓ દરમિયાન વિશેષ સાવચેતી રાખવા અને જંગલ વિસ્તારમાં આગ ન લાગે તેની તકેદારી રાખવા અપીલ કરી છે.
સુરક્ષા માટે 2,500 કર્મચારીઓ તૈનાત રહેશે
ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા પોલીસ તથા વન વિભાગના અંદાજે 2,500 કર્મચારીઓ ભવનાથ અને પરિક્રમા માર્ગ પર તૈનાત રહેશે. આ ઉપરાંત એસડીઆરએફની બે વધારાની ટુકડીઓ ફાળવવામાં આવી છે. જેમાંથી એક ટુકડી પહોંચી ચૂકી છે, જ્યારે બીજી ટુકડી આગામી બે દિવસમાં પહોંચશે. વન વિભાગ અને પોલીસ દ્વારા વિસ્તારમાં આશરે 17 સ્ટેટિક લોકેશન પણ તૈયાર કરવામાં આવ્યાં છે, જ્યાં સુરક્ષા કર્મચારીઓ તૈનાત રહેશે. દર વર્ષે અંદાજે 8થી 15 લાખ ભાવિકો ગિરનાર લીલી પરિક્રમામાં જોડાય છે. ત્યારે પરિક્રમા દરમિયાન કોઈ અવ્યવસ્થા ન સર્જાય અને તમામ શ્રદ્ધાળુઓને સુવિધા મળી રહે તે માટે કલેક્ટરે ભાવિકોને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અને સંપૂર્ણ સહયોગ આપવા અપીલ કરી છે.








