Gir Lion Deaths 2026: ગુજરાતની અસ્મિતા અને વિશ્વભરમાં ગૌરવસમા એશિયાટિક સિંહોના સંરક્ષણ તથા લાયન હેલ્થકેર અંગે વન વિભાગના દાવાઓ વચ્ચે ચોંકાવનારી વિગતો સામે આવી છે. વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં વન વિભાગે જણાવ્યું છે કે 31 જુલાઈ 2026ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં ગીર વિસ્તારમાં વિવિધ ગંભીર અને જીવલેણ બીમારીઓના કારણે 62 સિંહોના મોત થયા છે. મૃતક સિંહોમાં 17 નર, 17 માદા અને 28 સિંહબાળનો સમાવેશ થાય છે.
સિંહોમાં અનેક ગંભીર બીમારીઓ જોવા મળી
વન વિભાગના જવાબ મુજબ સિંહોમાં સેપ્ટિસેમિયા, ન્યુમોનિયા અને હેમોરેજિક ન્યુમોનિયા જેવા ગંભીર ફેફસાંના ચેપ ઉપરાંત હેપેટો-રીનલ ડિસફંક્શન, કિડની ફેલ્યોર અને મલ્ટી-ઓર્ગન ફેલ્યોર જેવા રોગો જોવા મળ્યા હતા. આ ઉપરાંત માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન એટલે કે હાર્ટ એટેક, પેરાલિસિસ, એન્સેફાલાઇટિસ, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ડિસઓર્ડર, ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ, રાઉન્ડ વોર્મ ઇન્ફેક્શન અને એક્યુટ ઇલનેસ તથા સેપ્ટિક શોક પણ સિંહોના મોત માટે જવાબદાર હોવાનું જણાવાયું છે.
ડી-વોમિંગથી રેપિડ એક્શન ટીમ સુધીની વ્યવસ્થા છતાં સવાલો
સરકારે પોતાના જવાબમાં જણાવ્યું છે કે સિંહોના આરોગ્ય માટે ડી-વોમિંગ, માલઢોરનું રસીકરણ, બ્લડ કલેક્શન, લાયન એમ્બ્યુલન્સ, રેપિડ એક્શન ટીમ અને વન્યપ્રાણી મિત્રોની મદદથી સતત મોનિટરિંગ કરવામાં આવે છે. જોકે, આટલી વ્યવસ્થા હોવા છતાં એક જ વર્ષમાં 62 સિંહોના રોગથી મોત કેમ થયા તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. સિંહપ્રેમીઓનું કહેવું છે કે ગીરમાં ફેલાયેલા વાયરલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન અંગે આંતરરાષ્ટ્રીય સ્તરના વાયરોલોજિસ્ટ તથા પશુચિકિત્સકોની સ્વતંત્ર તપાસ થવી જરૂરી છે.
ગંદા પાણી અને દૂષિત ખોરાકથી થતા ચેપ અંગે પણ ચિંતા
ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ અને રાઉન્ડ વોર્મ જેવા રોગો દૂષિત ખોરાક, માંસ અથવા ગંદા પાણીના કારણે ફેલાઈ શકે છે. ગીરના નેસ અને માલઢોરમાં રસીકરણના દાવાઓ વચ્ચે આવા ચેપ સિંહો સુધી કેવી રીતે પહોંચ્યા તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. સાસણ, જામવાળા, જસધાર, સાતવીરડા, ક્રાંકચ, બાબરકોટ અને ઝાંઝરવા સહિતના વિસ્તારોમાં વન્યપ્રાણી સારવાર કેન્દ્રો તથા લાયન એમ્બ્યુલન્સની સુવિધા હોવા છતાં 62 સિંહોના મોત થતાં આ વ્યવસ્થાની અસરકારકતા અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.
પાણીનું લેબોરેટરી ટેસ્ટિંગ અને રિયલ-ટાઇમ હેલ્થ ટ્રેકિંગની માંગ
સિંહપ્રેમીઓએ માત્ર મર્યાદિત સ્ટાફ પર નિર્ભર રહેવાને બદલે સિંહ પરિવાર અને સિંહબાળનું રિયલ-ટાઇમ હેલ્થ ટ્રેકિંગ કરવાની માંગ કરી છે. ગીર જંગલ તેમજ બોર્ડર વિસ્તારોમાં આવેલા પાણીના હોજ અને કુદરતી જળસ્ત્રોતોનું નિયમિત લેબોરેટરી પરીક્ષણ કરાવવા પણ માગ કરવામાં આવી છે. રોગચાળાના સંકેતો હોવા છતાં સમયસર સારવાર ન આપનાર અથવા લાયન હેલ્થકેરમાં બેદરકારી દાખવનારા જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરવાની માંગ પણ ઉઠી છે.








