Gir Safari Booking Crisis 2026: ગુજરાત વન વિભાગ દ્વારા ચોમાસાનો ચાર મહિનાનો સત્તાવાર વિરામ પૂરો થાય તે પહેલાં જ ગીર અને ગિરનાર નેચર સફારીને 9 ઓક્ટોબરથી જ પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે 16 ઓક્ટોબરથી શરૂ થતી આ સફારીને આ વર્ષે એક સપ્તાહ વહેલી શરૂ કરવામાં આવી છે. સિંહોના સંવર્ધન કાળ (મેટીંગ પિરિયડ) તેમજ જંગલના કડક નિયમોને કારણે લેવાયેલા આ ઉતાવળિયા નિર્ણય સામે પર્યાવરણવિદો, વન્યજીવ પ્રેમીઓ અને સ્થાનિક નાગરિકોમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે.
નિયમિત તારીખનું બુકિંગ ફૂલ, પણ નવી તારીખોમાં પ્રવાસીઓ ગાયબ
દર વર્ષે નિયમ મુજબ 16 ઓક્ટોબરથી સફારી શરૂ થતી હોવાથી તે તારીખ પછીના એક અઠવાડિયા માટેનું ઓનલાઇન બુકિંગ અગાઉથી જ ફુલ થઇ ગયું હતું. પરંતુ વન વિભાગ દ્વારા અચાનક 9 ઓક્ટોબરથી જ સફારી ખુલ્લી મૂકી દેવામાં આવતાં પ્રવાસીઓ સુધી તેની પૂરતી માહિતી પહોંચી શકી નહોતી. શુક્રવારે પહેલા જ દિવસે સાસણ ગીર સફારીની દિવસભરની કૂલ 150 પરમિટમાંથી માત્ર 26 પરમિટ જ બુક થઈ શકી હતી, જ્યારે 124 પરમિટો સાવ ખાલી પડી રહી હતી.
વીકેન્ડમાં પણ પ્રતિસાદ નબળો
સામાન્ય રીતે શનિ-રવિની રજાઓમાં ગીરમાં સિંહોના દર્શન કરવા માટે પરમિટ મેળવવાની હોબાળો અને પડાપડી થતી હોય છે. પરંતુ આ વખતે સ્થિતિ તદ્દન ઊલટી જોવા મળી છે. આગામી શનિવાર અને રવિવાર માટે વધારાની પરમિટો સહિત કુલ 180 પરમિટ ઉપલબ્ધ કરાવાઈ હતી. જોકે, અત્યાર સુધીમાં માત્ર 7 થી 8 પરમિટોનું જ બુકિંગ થયું છે, જ્યારે 170થી વધુ પરમિટો ખાલી પડી છે. આ આંકડા દર્શાવે છે કે આયોજન વગર વહેલી સફારી શરૂ કરવાનો નિર્ણય સાવ નિષ્ફળ સાબિત થયો છે.
ગિરનાર નેચર સફારીની હાલત વધુ કફોડી
જૂનાગઢ નજીક આવેલી ગિરનાર નેચર સફારીની પરિસ્થિતિ ગીર કરતાં પણ વધુ ચિંતાજનક છે. ગિરનાર સફારી માટે રોજના બે સ્લોટમાં કૂલ 8 પરમિટ બહાર પાડવામાં આવે છે. સફારીના પ્રથમ દિવસે 8 માંથી માત્ર 1 જ પરમિટનું બુકિંગ થયું હતું, જ્યારે સવારની ટ્રીપ માટે એક પણ પ્રવાસી નોંધાયો નહોતો. વીકેન્ડ દરમિયાન પણ ગિરનાર સફારીમાં કોઈ નોંધપાત્ર બુકિંગ જોવા મળ્યું નથી.
વન્યજીવોની સુરક્ષા અને રસ્તાઓની સ્થિતિ સામે પ્રશ્નાર્થ
ચોમાસા દરમિયાન જંગલમાં રસ્તા ધોવાઈ ગયા હોય છે અને વનસ્પતિ અત્યંત ગીચ હોય છે. આવા સમયે ઉતાવળે સફારી શરૂ કરવાના વન વિભાગના નિર્ણય સામે સવાલો ઉભા થયા છે. ઓનલાઇન બુકિંગ સુવિધા ઉપલબ્ધ હોવા છતાં પ્રવાસીઓનો આવો નિરાશાજનક પ્રતિસાદ એ સ્પષ્ટ કરે છે કે નિયમો અને પ્રકૃતિની વિરુદ્ધ જઈને લેવાયેલા નિર્ણયોને લોકોનો સાથ મળતો નથી. હવે વન વિભાગ આ નિર્ણય પર પુનઃવિચારણા કરે તે અત્યંત જરૂરી બન્યું છે.








