Gaurang Vyas Death News: ગુજરાતી ફિલ્મ સંગીત, લોકસંગીત અને સુગમ સંગીતના દિગ્ગજ સંગીતકાર, સ્વરનિયોજક અને ગાયક ગૌરાંગ વ્યાસનું અમદાવાદમાં 87 વર્ષની વયે મોડી રાત્રે નિધન થયું છે. 24 નવેમ્બર, 1938ના રોજ મુંબઈમાં જન્મેલા ગૌરાંગ વ્યાસ જાણીતા સંગીતકાર અને પદ્મશ્રી અવિનાશ વ્યાસના પુત્ર હતા. પોતાની આગવી અને પ્રયોગશીલ સંગીતશૈલીથી તેમણે ગુજરાતી સંગીતજગતમાં અમૂલ્ય પ્રદાન કર્યું હતું. તેમના અવસાનથી કલા, સાહિત્ય અને સાંસ્કૃતિક ક્ષેત્રે શોકની લાગણી ફેલાઈ છે.
5 વર્ષની ઉંમરે શરૂ કરી હતી સંગીત સાધના
ગૌરાંગ વ્યાસને બાળપણથી જ સંગીતનો માહોલ મળ્યો હતો. તેમણે માત્ર 5 વર્ષની ઉંમરે હાર્મોનિયમ પર ‘વૈષ્ણવજન’ વગાડવાનું શરૂ કર્યું હતું. જો, કે તેમણે અભ્યાસ ક્ષેત્રે ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું હતું અને મુંબઈની જાણીતી એન્જિનિયરિંગ કંપનીમાં નોકરી પણ શરૂ કરી હતી. પરંતુ સંગીત પ્રત્યેના ઊંડા લગાવને કારણે તેમણે નોકરી છોડી દીધી અને પોતાનું સમગ્ર જીવન સંગીત સાધનાને સમર્પિત કર્યું.
પિતા અવિનાશ વ્યાસના સહાયકથી સ્વતંત્ર સંગીતકાર સુધી
ગૌરાંગ વ્યાસે પિતા અવિનાશ વ્યાસ સાથે ‘જેસલ તોરલ’ ફિલ્મમાં સહાયક તરીકે કામ કરીને પોતાની ફિલ્મી સંગીતયાત્રાની શરૂઆત કરી હતી. ત્યારબાદ ‘લાખો ફૂલાણી’ ફિલ્મથી તેમણે સ્વતંત્ર સંગીતકાર તરીકે પોતાની ઓળખ બનાવી. આગળ જતાં તેમણે કેતન મહેતાની જાણીતી ફિલ્મ ‘ભવની ભવાઈ’ સહિત ‘મણિયારો’, ‘નસીબની બલિહારી’, ‘પારકી થાપણ’, ‘લીલુડી ધરતી’ અને ‘મૈયરમાં મનડું નથી લાગતું’ સહિત 100થી વધુ ફિલ્મો માટે સંગીત આપ્યું હતું.
‘દીકરી તો પારકી થાપણ’થી લોકોના હૃદયમાં વસ્યા
ગુજરાતી સંગીતમાં ગૌરાંગ વ્યાસની સૌથી યાદગાર રચનાઓમાં ‘દીકરી તો પારકી થાપણ કહેવાય’નું નામ આજે પણ અગ્રેસર છે. લતા મંગેશકરના અવાજમાં સ્વરબદ્ધ થયેલું આ ગીત દીકરીની વિદાય સાથે જોડાયેલી લાગણીઓનું જાણીતું પ્રતીક બની ગયું છે. આ ઉપરાંત તેમણે આશા ભોંસલે, કિશોર કુમાર, મન્ના ડે, મહેન્દ્ર કપૂર, સુમન કલ્યાણપુર, ભુપિન્દર સિંહ અને પ્રફુલ્લ દવે જેવા દિગ્ગજ ગાયકો સાથે અનેક યાદગાર ગીતો આપ્યાં હતાં. ‘મણિયારો તે હળુ હળુ થઈ રે વિયો’ અને ‘હું તુ તુ તુ, જામી રમતની ઋતુ’ જેવી રચનાઓએ પણ શ્રોતાઓમાં લોકપ્રિયતા મેળવી હતી.
સુગમ સંગીત અને ગરબામાં પણ મોટું યોગદાન
ગૌરાંગ વ્યાસનું યોગદાન માત્ર ફિલ્મ સંગીત પૂરતું સીમિત નહોતું. ગુજરાતી વિશ્વકોશ અનુસાર તેમણે 500થી વધુ સુગમ સંગીતની રચનાઓનું સ્વરાંકન કર્યું હતું. ‘લાખ લાખ દિવડા’, ‘ઘોર અંધારી રે રાતલડીમાં’ જેવા ગરબા અને ‘તું રંગાઈ જાને રંગમાં’ જેવા ભજનો તેમની સંગીતસાધનાની યાદગાર રચનાઓ છે. તેમણે ‘જલારામની ઝુંપડી’, ‘ભજન અનમોલ’, ‘ગંગા સતીનાં ભજનો’, ‘કહત કબીર’, ‘જલારામ બાપાનું હાલરડું’, ‘પ્રાચીન પ્રભાતિયાં’ અને ‘નોન સ્ટોપ ડાંડીયા-રાસ’ જેવા અનેક યાદગાર આલ્બમો પણ આપ્યા હતા.
11 રાજ્યકક્ષાના પુરસ્કારોથી સન્માનિત
ગુજરાતી ફિલ્મોમાં શ્રેષ્ઠ સંગીત નિર્દેશન બદલ ગૌરાંગ વ્યાસને 11 જેટલા રાજ્યકક્ષાના પુરસ્કારો મળ્યા હતા. આ ઉપરાંત GIFA તરફથી ગોલ્ડન એવોર્ડથી પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2022માં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેમને પ્રતિષ્ઠિત લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 2024માં ગુજરાત રાજ્ય સંગીત અકાદમી અને ગુજરાત ટુરિઝમ દ્વારા પણ તેમના સંગીતક્ષેત્રેના અમૂલ્ય પ્રદાન બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ગૌરાંગ વ્યાસનું નિધન ગુજરાતી સંગીતજગત માટે મોટી ખોટ છે. તેમની ફિલ્મો, ગરબા, ભજનો અને સુગમ સંગીતની રચનાઓ આવનારી પેઢીઓ સુધી ગુજરાતી સંગીતપ્રેમીઓની યાદોમાં જીવંત રહેશે.








