Gandhinagar Vaghosana accident: ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા વાઘોસણા ગામ નજીક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલા પીકઅપ ડાલાએ એક્ટિવાને ટક્કર મારતાં 41 વર્ષીય હિમ્મતભાઈ વાઘેલાનું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા હિમ્મતભાઈને સારવાર માટે માણસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત બાદ પીકઅપ ડાલાનો ચાલક વાહન ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો. આ મામલે કલોલ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
વાઘોસણા ગામ નજીક એક્ટિવાને મારી જોરદાર ટક્કર
મળતી માહિતી મુજબ, નાસ્મેદ ગામના રહેવાસી 41 વર્ષીય હિમ્મતભાઈ વાઘેલા એક્ટિવા લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન કલોલ તાલુકાના વાઘોસણા ગામ નજીક પૂરપાટ ઝડપે આવી રહેલા પીકઅપ ડાલાએ તેમની એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે હિમ્મતભાઈ એક્ટિવા પરથી રસ્તા પર પટકાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન તબીબોએ મૃત જાહેર કર્યા
અકસમાત બાદ ઈજાગ્રસ્ત હિમ્મતભાઈને તાત્કાલિક માણસા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, ત્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. 41 વર્ષીય યુવકના અચાનક મોતથી તેમના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે.
પીકઅપ ડાલાનો ચાલક વાહન મૂકીને ફરાર
અહેવાલ મુજબ, અકસ્માત સર્જાયા બાદ પીકઅપ ડાલાનો ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ મૂકીને નાસી ગયો હતો. મૃતકના નાના ભાઈએ આ મામલે કલોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા પીકઅપ ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો અને ચાલકની બેદરકારીની ભૂમિકા કેટલી હતી તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.








