Gandhinagar News: ગાંધીનગરના ઇન્દ્રોડા કટ પાસે પૂરપાટ ઝડપે આવતા એક બુલેટના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતા બે પિતરાઈ ભાઈઓએ જીવ ગુમાવ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા
સેક્ટર-8 માં રહેતા નિવૃત્ત જશપાલસિંહ ડાભીનો 40 વર્ષીય પુત્ર જગદીશસિંહ ડાભી અને તેમનો ભાણો ઘનશ્યામસિંહ ચાવડા ગત સાંજે ઇન્દ્રોડા ગામમાં અંગત કામ અર્થે ગયા હતા. સાંજે આશરે પોણા સાત વાગ્યાના સુમારે જ્યારે તેઓ પોતાનું બાઈક લઈને રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે કાળ બનીને આવેલા બુલેટના ચાલકે તેમને અડફેટે લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બંને યુવાનો રોડ પર પટકાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઘનશ્યામસિંહનું ઘટનાસ્થળે જ મોત: જગદીશસિંહે ICUમાં જિંદગીની જંગ હારી
અકસ્માત બાદ સ્થાનિકોએ તાત્કાલિક 108 ને જાણ કરી બંનેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ તબીબોએ ઘનશ્યામસિંહ ચાવડાને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ, જગદીશસિંહ ડાભીને ગંભીર હાલતમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારજનો પ્રાર્થના કરી રહ્યા હતા કે જગદીશ બચી જાય, પરંતુ વિધાતાને કંઈક અલગ જ મંજૂર હતું. મોડી રાત્રે સારવાર દરમિયાન જગદીશસિંહે પણ અંતિમ શ્વાસ લેતા બે પિતરાઈ ભાઈઓના મોત થયા છે.
પિતાએ સેક્ટર-7 પોલીસ મથકે નોંધાવી ફરિયાદ
પુત્રના મોતના આઘાતમાં ડૂબેલા પિતા જશપાલસિંહ ડાભીએ હિંમત ભેગી કરી પોલીસનો સંપર્ક કર્યો છે. તેમણે સેક્ટર-7 પોલીસ મથકે બુલેટ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, બુલેટ ચાલક ઇન્દ્રોડા સર્કલ તરફથી પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારી રહ્યો હતો, જેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો છે. પોલીસે વાહન નંબરના આધારે આરોપી ચાલકની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે.
વારંવાર સર્જાતા અકસ્માતો છતાં તંત્ર ઘોર નિદ્રામાં
સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, ઇન્દ્રોડા કટ પાસે ટ્રાફિકનું નિયમન યોગ્ય રીતે થતું નથી અને વાહનો પૂરપાટ ઝડપે નીકળે છે. આ અગાઉ પણ અહીં નાના-મોટા અકસ્માતો સર્જાયા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. આ ગમખ્વાર અકસ્માત બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોની માંગ છે કે આ વિસ્તારમાં સ્પીડ બ્રેકર અથવા ટ્રાફિક સિગ્નલની વ્યવસ્થા કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષનો જીવ ન જાય.
પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
સેક્ટર-7 પોલીસે અકસ્માત સ્થળનું પંચનામું કરી સીસીટીવી ફૂટેજ ખંગાળવાની શરૂઆત કરી છે. અકસ્માત સમયે બુલેટની ઝડપ કેટલી હતી અને ચાલકની ભૂલ કયા સ્તરે હતી, તે જાણવા માટે એફએસએલ (FSL) ની મદદ પણ લેવાઈ શકે છે. હાલમાં બંને મૃતકોના પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે. ગાંધીનગરમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતોએ ટ્રાફિક પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા કર્યા છે.








