Gandhinagar News: પાટનગર ગાંધીનગરને પર્યાવરણને અનુકૂળ અને આધુનિક પરિવહન સુવિધા પૂરી પાડવા માટે ગાંધીનગર મહાનગરપાલિકાએ કમર કસી છે. વડાપ્રધાનની અત્યંત મહત્વકાંક્ષી 'પીએમ ઈ-બસ સેવા' યોજના હેઠળ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મેસર્સ JBM ઇકોલાઇફ પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે 100 ઇલેક્ટ્રિક બસો માટેના સત્તાવાર કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર બાદ હવે શહેરના માર્ગો પર અવાજ અને ધુમાડો ફેલાવતી જૂની બસોના સ્થાને અત્યાધુનિક ઈ-બસો દોડતી જોવા મળશે, જે ગાંધીનગરને સાચા અર્થમાં 'ગ્રીન સિટી' બનાવવામાં મદદરૂપ થશે.
કમિશનર અને મેયરની હાજરીમાં કરાર પર મહોર
ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર જે.એન. વાઘેલા અને ડેપ્યુટી કમિશનર ભગીરથ આહીરે JBM ગ્રુપના અધિકારીઓ સાથે મળીને આ પ્રક્રિયાને આખરી ઓપ આપ્યો હતો. આ પ્રસંગે મેયર મીરાબેન પટેલ અને સ્ટેન્ડિંગ ચેરમેન ગૌરાંગ વ્યાસ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કરાર મુજબ, કંપની માત્ર બસો પૂરી પાડવા પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ તેના લાંબા ગાળાના સંચાલન અને જાળવણીની સંપૂર્ણ જવાબદારી પણ નિભાવશે.
17 રૂટ્સ પર દોડશે ‘ગ્રીન રથ’
મહાનગરપાલિકાના આયોજન મુજબ, આ 100 ઇલેક્ટ્રિક બસો શહેરના અંદાજીત 17 જેટલા વિવિધ રૂટ્સ પર દોડાવવામાં આવશે. આ રૂટ્સ શહેરના તમામ મુખ્ય રહેણાંક વિસ્તારો, મેટ્રો સ્ટેશનો, એસટી ડેપો અને રેલવે સ્ટેશનને આવરી લેશે. આ બસોના ચાર્જિંગ માટે જરૂરી માળખાગત સુવિધાઓ અને સ્પેશિયલ ચાર્જિંગ ડેપો તૈયાર કરવાની કામગીરી અત્યારે યુદ્ધના ધોરણે અંતિમ તબક્કામાં છે. ટૂંક સમયમાં જ ગાંધીનગરવાસીઓને ધૂળ અને અવાજના પ્રદૂષણ વગરની એક શાંત અને આરામદાયક મુસાફરીનો લહાવો મળશે.
વિદ્યાર્થીઓ માટે ઇશ્યૂ કરાશે ખાસ સ્માર્ટ કાર્ડ
આ બસ સેવાની સૌથી મોટી વિશેષતા તેની 'ઓટો ફેર કલેક્શન સિસ્ટમ' હશે. મેટ્રો ટ્રેનની જેમ આ બસોમાં પણ મુસાફરોએ કંડક્ટરની રાહ જોવાને બદલે ડિજિટલ માધ્યમથી જાતે જ ટિકિટ લેવાની રહેશે. સામાન્ય નાગરિકો માટે સ્માર્ટ કાર્ડ અમલી બનાવાશે, જ્યારે વિદ્યાર્થીઓ માટે અલગથી ખાસ સ્માર્ટ કાર્ડ ઇશ્યૂ કરવામાં આવશે. આ પેપરલેસ સિસ્ટમથી મુસાફરી વધુ સરળ અને ઝડપી બનશે. મધ્યમ વર્ગના મુસાફરો માટે આ સેવા સસ્તી અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ હશે.
જીપીએસ સિસ્ટમથી બસનું લાઇવ લોકેશન ટ્રેક થશે
દરેક ઈ-બસ અત્યાધુનિક જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ હશે, જે સીધી મહાનગરપાલિકાના 'સ્માર્ટ સિટી કંટ્રોલ રૂમ' સાથે કનેક્ટ રહેશે. જો કોઈ ડ્રાઈવર નક્કી કરેલા સ્ટોપ પર બસ ઊભી નહીં રાખે અથવા બસ તેના નિર્ધારિત રૂટથી ભટકશે, તો કંટ્રોલ રૂમમાંથી તુરંત તેની જાણ થઈ જશે અને તાત્કાલિક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. મુસાફરો પણ મોબાઈલ એપ દ્વારા જાણી શકશે કે તેમની બસ કયા સ્ટોપ પર પહોંચી છે અને કેટલી મિનિટમાં આવશે.
કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાનું મોટું લક્ષ્ય
મહાનગરપાલિકાએ બસોના પ્રોફેશનલ સંચાલન માટે ખાસ ‘સ્પેશિયલ પર્પઝ વ્હીકલ’ (SPV) ની રચના કરી છે. આ સિસ્ટમ દ્વારા કયા રૂટ પર કેટલા પેસેન્જર છે અને કેટલી આવક થઈ રહી છે તેનો તમામ ડેટા રિયલ ટાઈમમાં ઉપલબ્ધ રહેશે. આ પહેલથી શહેરમાં કાર્બન ફૂટપ્રિન્ટમાં નોંધપાત્ર ઘટાડો થશે. ગાંધીનગર મહાનગરપાલિકાની આ સ્માર્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અન્ય શહેરો માટે પણ એક મોડેલ સાબિત થશે, જ્યાં ટેકનોલોજી અને પર્યાવરણનો સુમેળ જોવા મળશે.








