Gandhinagar News: ગુજરાત જમીન વિકાસ નિગમના વય નિવૃત્ત થયેલા સિનિયર સિટીઝન કર્મચારીઓએ પોતાના બાકી નીકળતા નાણાકીય લાભો મેળવવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્વાર ખખડાવ્યા છે. વર્ષો સુધી નિગમમાં નિષ્ઠાપૂર્વક સેવા આપ્યા બાદ નિવૃત્તિના પાંચ-પાંચ વર્ષ વીતી ગયા હોવા છતાં આ કર્મચારીઓને તેમના હક્કના સી.પી.એફ., ગ્રેજ્યુઈટી અને સાતમા પગાર પંચના લાભોથી વંચિત રાખવામાં આવ્યા છે. આ અન્યાયને કારણે સેંકડો પરિવારો અત્યારે ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે, જેને પગલે કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
2019થી CPF અને વ્યાજ અટવાયું
મુખ્યમંત્રીને પાઠવેલા આવેદનપત્રમાં નિવૃત્ત કર્મચારીઓએ હૈયા વરાળ ઠાલવતા જણાવ્યું છે કે, વર્ષ 2019થી નિવૃત્ત થયેલા કર્મચારીઓના સી.પી.એફ. (CPF) ની વણચૂકવાયેલ રકમ અને તેના પર મળવાપાત્ર વ્યાજની ચૂકવણી લાંબા સમયથી વહીવટી પ્રક્રિયાના નામે અટકાવી દેવામાં આવી છે. પોતાની જમાપુંજી મેળવવા માટે આ સિનિયર સિટીઝનોએ અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ નિગમના અધિકારીઓના બહેરા કાન સુધી તેમની વાત પહોંચતી નથી, જેના કારણે નિવૃત્તિ બાદનું જીવન જીવવું તેમના માટે દુષ્કર બની ગયું છે.
મંજૂરી છતાં નાણાં ફાળવણીમાં ઠાગાઠૈયા
ગ્રેજ્યુઈટીના મામલે પણ નિગમની ગંભીર બેદરકારી સામે આવી છે. કેન્દ્ર સરકારના નિયમ મુજબ ગ્રેજ્યુઈટીની મર્યાદા 20 લાખ રૂપિયા હોવા છતાં, નિગમ દ્વારા હજુ પણ જૂની 10 લાખની મર્યાદા મુજબ જ ચૂકવણું કરવામાં આવ્યું છે. નવાઈની વાત તો એ છે કે, કૃષિ વિભાગ દ્વારા 20 લાખની મર્યાદા મુજબ બાકી રકમ ચૂકવવાની લીલી ઝંડી આપી દેવામાં આવી છે, તેમ છતાં વહીવટી તંત્રના અધિકારીઓ ફાઈલો દબાવીને બેઠા છે અને નાણાં ફાળવવામાં વિલંબ કરી રહ્યા છે.
EPFO ડેટામાં વિલંબ, 174 કર્મચારીઓનું હાયર પેન્શન જોખમમાં
આર્થિક ભીંસ અનુભવી રહેલા આ કર્મચારીઓએ 2018 બાદના સાતમા પગાર પંચના બાકી લાભો અને 2015થી મંજૂર થયેલા ઉચ્ચતર પગાર ધોરણના નાણાંની પણ માંગ કરી છે. સૌથી મોટો અવરોધ હાયર પેન્શનના મુદ્દે જોવા મળી રહ્યો છે. આશરે 174 જેટલા કર્મચારીઓના ડેટા ઇ.પી.એફ.ઓ. (EPFO) કચેરીમાં અપલોડ કરવામાં નિગમના અધિકારીઓ દ્વારા જાણીજોઈને વિલંબ કરવામાં આવતો હોવાનો આક્ષેપ છે. આ ટેકનિકલ બેદરકારીને કારણે નિવૃત્ત કર્મચારીઓના પેન્શનના લાભો પણ અટવાઈ પડ્યા છે.
કચેરીઓના ધક્કા ખાઈને સિનિયર સિટીઝન્સ થાક્યા
કર્મચારીઓની રજૂઆત છે કે, આ મામલે સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશો અને રાજ્ય સરકારના ઠરાવો હોવા છતાં વહીવટી તંત્રનું વલણ અત્યંત ઢીલું અને નકારાત્મક છે. જીવનના સંધ્યાકાળે શાંતિથી રહેવાને બદલે આ સિનિયર સિટીઝનોને કાળઝાળ ગરમી અને બીમારીની હાલતમાં સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવતા ઠાલા આશ્વાસનોથી કંટાળીને હવે કર્મચારીઓએ ન્યાય મેળવવા માટે આરપારની લડાઈ લડવાનો નિર્ધાર કર્યો છે.
ઉગ્ર આંદોલનની ચીમકી: જો ઉકેલ નહીં આવે તો ગાંધીનગર ગજવશે
આવેદનપત્રના અંતે કર્મચારીઓએ રાજ્ય સરકારને કડક ચેતવણી આપી છે. જો આગામી દિવસોમાં તેમના નાણાકીય પ્રશ્નોનું કાયમી નિવારણ નહીં આવે, તો તમામ નિવૃત્ત કર્મચારીઓ એકઠા થઈને ગાંધીનગર ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન અને આંદોલન કરશે. પોતાની જિંદગીની મહેનતની કમાણી મેળવવા માટે પણ જ્યારે વૃદ્ધોને આંદોલનનો રસ્તો અપનાવવો પડે, ત્યારે તે સરકારની 'સંવેદનશીલતા' સામે મોટા પ્રશ્નો ઉભા કરે છે. હવે જોવાનું એ રહે છે કે મુખ્યમંત્રી આ મામલે સીધો હસ્તક્ષેપ કરીને નિવૃત્ત કર્મચારીઓને ન્યાય અપાવે છે કે કેમ?








