Gandhinagar PSI Commits Suicide with Service Revolver: રાજ્યના પાટનગર ગાંધીનગરમાંથી પોલીસ બેડાને હચમચાવી નાખતી એક અત્યંત દુઃખભરી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગુજરાતના મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થા જેવી અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ જવાબદારી સંભાળતા એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) પી. જે. ઝાલાએ પોતાની જ સર્વિસ પિસ્તોલથી ગોળી મારીને આપઘાત કરી લીધો છે. ગાંધીનગરના સેક્ટર-27 પોલીસ લાઈનમાં બનેલી આ ઘટનાથી સમગ્ર પોલીસ વિભાગમાં ભારે અરેરાટી અને શોકનું મોજુ ફરી વળ્યું છે. બનાવની જાણ થતાં પોલીસ વિભાગમાં શોકની લાગણી ફેલાઈ હતી. જોકે, આ ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી અને સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.
સેક્ટર-27 પોલીસ લાઇનમાં બની ઘટના
પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક પીએસઆઈ લાંબા સમયથી ગાંધીનગર ખાતે પોતાની સેવાઓ આપી રહ્યા હતા અને હાલમાં તેઓ મુખ્યમંત્રીની સિક્યોરિટી ટીમમાં ફરજ બજાવતા હતા. અચાનક બનેલી આ કરૂણ દુર્ઘટના વખતે ઘરમાંથી અચાનક ગોળીનો ભડાકો થતા આસપાસના રહેવાસીઓ અને સાથી કર્મચારીઓ ચોંકી ઉઠ્યા હતા. લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું અને પીએસઆઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
FSLની ટીમે સ્થળ પરથી પુરાવા એકત્રિત કર્યા, તપાસનો ધમધમાટ શરૂ
ઘટનાની ગંભીરતા જોતાં પોલીસે તાત્કાલિક ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની મદદ લીધી છે. એફએસએલની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ટેક્નિકલ પુરાવાઓ, ફિંગરપ્રિન્ટ્સ અને અન્ય જરૂરી બાબતો એકત્રિત કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે. પ્રાથમિક તપાસ અને પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આ પગલું ભરવા પાછળ પારિવારિક વિવાદ અથવા અંગત કારણો હોઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
માનસિક તણાવ કે કૌટુંબિક કારણો જવાબદાર?
પોલીસની પ્રાથમિક તપાસમાં ભલે કૌટુંબિક કે અંગત કારણોની ચર્ચા થતી હોય, પરંતુ અધિકારીઓનું સ્પષ્ટ કહેવું છે કે આ માત્ર પ્રાથમિક અનુમાન છે. મૃતક પીએસઆઈ છેલ્લા કેટલાક દિવસોથી કોઈ માનસિક તણાવ કે પારિવારિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા કે કેમ, તે અંગે તેમના પરિવારજનો, નજીકના મિત્રો અને સાથી કર્મીઓની કઈ રીતે પૂછપરછ કરવામાં આવી રહી છે. આપઘાતનું ચોક્કસ અને સાચું કારણ તો ઊંડી તપાસ, જો કોઈ સુસાઈડ નોટ મળી આવે તો તે તથા ફોરેન્સિક અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સત્તાવાર રીતે બહાર આવશે.








