Gandhinagar TAT-HS Candidates Detained: રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે આજે શિક્ષણ વિભાગની ભરતી પ્રક્રિયા અને પરિણામને લઈને ઉમેદવારોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ઉચ્ચતર માધ્યમિક શિક્ષક યોગ્યતા કસોટી (TAT-HS) ના પરિણામમાં ગંભીર અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં ઉમેદવારો સત્યાગ્રહ છાવણી ખાતે એકત્રિત થયા હતા. પરિણામના મૂલ્યાંકનમાં ખામી રહી હોવાનો અને સખત મહેનત છતાં અત્યંત ઓછા ગુણ આપવામાં આવ્યા હોવાનો આરોપ લગાવી ઉમેદવારોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા પોલીસે અટકાયતકરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ અને ઉમેદવારોની અટકાયત
સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ કરી રહેલા ઉમેદવારોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને સમગ્ર પરિણામનું નિષ્પક્ષ તેમજ પારદર્શક રીતે પુનઃમૂલ્યાંકન કરવાની મુખ્ય માંગ ઉઠાવી હતી. ઉમેદવારો પોતાની વ્યથા અને માંગણીઓ સરકાર સુધી પહોંચાડવાના હેતુથી સ્થાનિક ધારાસભ્યને રૂબરૂ રજૂઆત કરવા પણ પહોંચ્યા હતા. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન જોખમાય તે માટે સ્થળ પર પહેલાંથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. વિરોધ દરમિયાન પોલીસે કડક વલણ અપનાવીને આંદોલનકારી ઉમેદવારોની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા અટકાયત બાદ ઉમેદવારોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી.
પેપર મૂલ્યાંકનમાં ભૂલનો આક્ષેપ
નોંધનીય છે કે, લોકશાહી ઢબે રજૂઆત કરવા પહોંચેલા ભાવિ શિક્ષકો સાથે જે કાર્યવાહી કરવામાં આવી તેને લઈને ઉમેદવારોએ નારાજગી વ્યક્ત કરી હતી. વિરોધ કરવા પહોંચેલા ઉમેદવારોનું માનવું છે કે, તેઓ શાંતિપૂર્ણ પોતાનો હક માંગવા આવે છે, પરંતુ તેમને સાંભળવાના બદલે અટકાયત કરવામાં આવે છે.
આગામી સમયમાં ઉગ્ર બનશે આંદોલન
ઉમેદવારોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી તેમની માંગણી સંતોષવામાં નહીં આવે અને પરિણામનું યોગ્ય પુનઃમૂલ્યાંકન કરીને ન્યાય આપવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ પીછેહઠ કરશે નહીં અને આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવશે.








