Gandhinagar Metro Train Derailment: ગાંધીનગરમાં GIFT સિટી નજીક મેટ્રો ટ્રેનને લગતી દુર્ઘટનાના અહેવાલથી અફરાતફરીનો માહોલ સર્જાયો છે. મેટ્રો ટ્રેન પાટા પરથી ઉતરી ગયાની માહિતી સામે આવી છે. જોકે, પ્રાથમિક માહિતી મુજબ કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાને પગલે ટ્રેન રોકી દેવામાં આવી હતી અને મુસાફરોને આગામી સ્ટેશને ઉતારવામાં આવ્યા હોવાના અહેવાલ છે.
મેટ્રો સેવા અટકાવાતાં મુસાફરો અટવાયા
ઘટના બાદ મેટ્રો ટ્રેનની કામગીરી અટકાવી દેવામાં આવી હતી. તેના કારણે GIFT સિટી તરફ જતાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કામકાજ માટે ગાંધીનગર આવનારા કર્મચારીઓ અને અન્ય મુસાફરોની અવરજવર પર પણ અસર પડી હતી.
ટેક્નિકલ ખામીની આશંકા, તપાસ બાદ કારણ સ્પષ્ટ થશે
પ્રાથમિક માહિતી અનુસાર, ટેક્નિકલ કારણોસર મેટ્રો સેવા બંધ કરવામાં આવી હતી. જોકે, ટ્રેન ખરેખર કયા કારણોસર પાટા પરથી ઉતરી અને ઘટનાની ચોક્કસ પરિસ્થિતિ શું હતી તે અંગે સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે. હાલ ઘટનાસ્થળે અવરજવર પર નિયંત્રણ મૂકવામાં આવ્યું હોવાની માહિતી છે.
કોઈ જાનહાનિના અહેવાલ નહીં
આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી, જે રાહતની બાબત છે. મેટ્રો સેવા ક્યારે ફરી શરૂ થશે અને મુસાફરોની અવરજવર ક્યારે સામાન્ય બનશે તે અંગે સત્તાવાર જાહેરાત બાદ વધુ સ્પષ્ટતા થશે.








