Gandhinagar News: ગાંધીનગરમાં કલેક્ટર તરીકે સેવા આપી ચૂકેલા નિવૃત્ત સનદી અધિકારી શંકરદાન કેશુભાઈ લાંગાને મોટો ફટકો પડ્યો છે. આવક કરતાં 203.40 ટકા વધુ સંપત્તિના કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપી એસ.કે. લાંગાને રેગ્યુલર જામીન આપવાનો સાફ ઈનકાર કરી દીધો છે. ગ્રામ્ય કોર્ટે જામીન અરજી ફગાવતા સ્પષ્ટપણે નોંધ્યું હતું કે, આરોપી આઇએએસ અધિકારી હતા અને તેમણે રાજય સેવક તરીકેની તેમની ફરજ અને હોદ્દાનો દૂરૂપયોગ કરીને ગેરકાયદે રીતે પોતાના તથા પોતાના પુત્રના નામે અપ્રમાણસર મિલકતો વસાવી છે.
કાયદેસર આવક સામે ખર્ચ 203% વધુ હોવાનું તારણ
કોર્ટે પોતાના આદેશમાં ગંભીર હકીકત રજૂ કરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે, એસ.કે. લાંગાની કાયદેસર આવક કુલ રૂ. 5,87,939 ની સામે તેમનો ખર્ચ અને રોકાણ રૂ. 17,59,74,682 છે. આ મિલકત તેમની કાયદેસરની આવકની સરખામણીમાં 203.40 ટકા જેટલી વધુ હોવાનું સ્પષ્ટપણે જણાયું હતું. એટલું જ નહીં, આરોપીએ પોતાની પત્ની અને પુત્રના ખાતામાં પણ મોટી રકમો ટ્રાન્સફર કરી હોવાનું તપાસમાં ખૂલ્યું છે.
ચાર્જશીટ દાખલ થવાથી ગુનાનું સ્વરૂપ હળવું થતું નથી
આ કેસમાં ભલે આરોપી વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ થઈ હોય, પરંતુ કોર્ટે નોંધ્યું કે, "માત્ર ચાર્જશીટ દાખલ થવાથી સંજોગો બદલાયા હોય કે ગુનામાં ઘટાડો થયો હોય તેવું કહી શકાય નહીં." આક્ષેપિત ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા, કોર્ટે માન્યું કે આવા ગંભીર પ્રકારના ગુનામાં આરોપીને જામીન મુક્ત કરવામાં આવે તો સમાજ ઉપર તેની અવળી અસર પડે અને સમાજમાં કાયદાનો કોઈ ડર રહેશે નહીં.
અન્ય ચાર ગુનાઓ પણ નોંધાયેલા છે
સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર અમિત એમ. નાયર દ્વારા જામીન અરજીનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. તેમણે કોર્ટમાં દલીલ કરી હતી કે અરજદાર સામે આ સિવાય અન્ય ચાર ગુનાઓ પણ નોંધાયેલા છે. આ હકીકત જોતાં, તેઓ ગુનાઈત માનસ ધરાવતા હોવાનું જણાય છે. સરકારી વકીલની દલીલ હતી કે, આરોપીએ રાજયસેવક તરીકેની ફરજ દરમિયાન હોદ્દાનો દૂરૂપયોગ કરી ગેરકાયદે રીતે નાણાં મેળવ્યા છે.
પૂર્વ IAS અધિકારીની ધરપકડ બાદ કોર્ટમાં જામીન અરજી
પૂર્વ આઈએએસ અધિકારી શંકરદાન લાંગા સામે અમદાવાદ શહેરના એસીબી પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અપ્રમાણસર મિલકતના આ ગંભીર આરોપો બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ જેલમાં મોકલી દેવાયા હતા. ચાર્જશીટ થયા બાદ તેમણે રેગ્યુલર જામીન માટે કોર્ટને અરજી કરી હતી.
કોર્ટે દસ્તાવેજી પુરાવાઓને આપ્યું મહત્ત્વ
સરકારપક્ષ તરફથી રજૂ કરાયેલી દલીલો, જેમાં અપ્રમાણસર સંપત્તિના દસ્તાવેજી પુરાવા અને અન્ય ગુનાઓની વિગતો હતી, તેને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. કોર્ટે નોંધ્યું કે, આરોપી સામે સીધો અને સ્પષ્ટ કેસ છે. આ તમામ દલીલોને ધ્યાનમાં રાખીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટના પાંચમા સેશન્સ જજ બી. આર. રાજપૂતે પૂર્વ આઈએએસ અને ગાંધીનગરના પૂર્વ કલેકટર એવા એસ.કે. લાંગાની જામીન અરજી ધરાર ફગાવી દીધી હતી.








