Wildlife Trafficking Racket: વન્યજીવોની ગેરકાયદેસર તસ્કરી સામે ગુજરાતના ગાંધીધામ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) અને બિહાર પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને મોટી સફળતા મેળવી છે. બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લામાં ભારત-નેપાળ સરહદ નજીક હાથ ધરાયેલા ઓપરેશનમાં 19.39 કિલો હાથીદાંતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે તસ્કરીમાં સંડોવાયેલા ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ચોક્કસ બાતમીના આધારે હાથ ધરાયેલી આ કાર્યવાહીને વન્યજીવ તસ્કરીના નેટવર્ક સામે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.
ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી
ગાંધીધામ DRIને હાથીદાંતની ગેરકાયદેસર હેરાફેરી અંગે ચોક્કસ બાતમી મળી હતી. આ માહિતીને આધારે DRIના અધિકારીઓએ બિહાર સ્ટેટ પોલીસ સાથે સંકલન કરીને પશ્ચિમ ચંપારણ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. આ દરમિયાન બે ટુ-વ્હીલર પર શંકાસ્પદ હિલચાલ કરતા ચાર શખ્સો નજરે પડ્યા હતા. સંયુક્ત ટીમે તેમને અટકાવી તપાસ કરતાં તેમની પાસે રહેલી બેગમાંથી 19.39 કિલો હાથીદાંત મળી આવ્યું હતું.
ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ ચારેય ઝડપાયા
કાર્યવાહી દરમિયાન ચારેય આરોપીઓએ સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જોકે સંયુક્ત ટીમે તેમને ઝડપી લીધા હતા. ત્યારબાદ હાથીદાંતનો જથ્થો જપ્ત કરીને ચારેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વન્યજીવ તસ્કરીના નેટવર્ક સામે મોટો ફટકો
ભારત-નેપાળ સરહદ નજીક આવેલા સંવેદનશીલ વિસ્તારમાં થયેલી આ કાર્યવાહી વન્યજીવોની ગેરકાયદેસર તસ્કરી સામે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ગુજરાતના ગાંધીધામ DRI અને બિહાર પોલીસ વચ્ચેના આંતરરાજ્ય સંકલનથી આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું છે. હાલમાં ઝડપાયેલા ચારેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે. 19.39 કિલો હાથીદાંતનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેને ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતની વિગતો તપાસમાં સામે આવી શકે છે.








