53 year old elephant airlifted: જુલાઈ મહિનામાં નાગાલેન્ડ અને આસામમાં આવેલા વિનાશક પૂરમાંથી બચાવાયેલી 53 વર્ષીય માદા હાથણી 'જોયમોતી'ને તાત્કાલિક અને વિશેષ પશુચિકિત્સા સારવાર માટે ગુજરાતના જામનગર સ્થિત વનતારા ખાતે એરલિફ્ટ કરવામાં આવી રહી છે. ગંભીર અને જીવલેણ ઈજાઓને ધ્યાનમાં રાખીને તેને હવાઈ માર્ગે ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, ભારતમાં સઘન હોસ્પિટલ સારવારના હેતુથી કોઈ હાથીને આ રીતે એરલિફ્ટ કરવામાં આવી રહ્યો હોય તેવી આ પ્રથમ ઘટના હોવાનું જણાવવામાં આવ્યું છે. વનતારાની સ્થાપના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણી દ્વારા કરવામાં આવી છે.
પૂરમાં તણાઈ જતાં જોયમોતીને ગંભીર ઈજાઓ પહોંચી
જુલાઈના બીજા સપ્તાહ દરમિયાન નાગાલેન્ડના પૂરગ્રસ્ત વિસ્તારમાં જોયમોતી પૂરના પાણીમાં તણાઈ ગઈ હતી. સ્થાનિક લોકો અને સરકારી એજન્સીઓની મદદથી હાથણીને બચાવી લેવામાં આવી હતી, પરંતુ આ દુર્ઘટનામાં તેના શરીરના અનેક ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોયમોતીના કપાળ, જમણા કાન, પૂંછડીની ઉપરના ભાગ, ડાબી જાંઘ અને પેટના ભાગે ગંભીર ઘા થયા હતા. તેના ગુપ્તાંગની આસપાસ આવેલા ઊંડા ઘામાં કીડા પડી ગયા હોવાનું પણ સામે આવ્યું હતું.
જમણી આંખ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત, ડાબા પગના ફ્રેક્ચરથી ચાલવામાં મુશ્કેલી
પૂરની ઘટનામાં જોયમોતીની જમણી આંખને પણ ગંભીર નુકસાન થયું છે. આંખ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થવાને કારણે તે અંધ બની ગઈ હોવાનું જણાવાયું છે અને તેમાંથી સતત પાણી વહી રહ્યું છે. આ ઉપરાંત, ભૂતકાળમાં લાકડાં ખેંચવાના કામ દરમિયાન તેના ડાબા પગમાં ફ્રેક્ચર થયું હતું. આ જૂની ઈજાના કારણે પણ તે લંગડાઈને ચાલે છે. જેના કારણે તેને હલનચલન કરવામાં, ખોરાક મેળવવામાં અને પાણી સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.
સ્થાનિક સ્તરે પ્રાથમિક સારવાર આપવામાં આવી
બચાવ કામગીરી બાદ જોયમોતીને સ્થાનિક સ્તરે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જેમાં તેના ઘાનું ડ્રેસિંગ, પેઇનકિલર દવાઓ અને મલ્ટીવિટામીન સપ્લીમેન્ટ્સ આપવામાં આવ્યા હતા. જોકે, તેની ઉંમર, ગંભીર ઈજાઓ, ઊંડા ઘા અને હલનચલનમાં થતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને હવે તેને વિશેષજ્ઞ પશુચિકિત્સકો અને અત્યાધુનિક સારવારની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી.
લાંબી મુસાફરીનો સમય અને તકલીફ ઘટાડવા એરલિફ્ટિંગનો નિર્ણય
જોયમોતીને વનતારા ખાતે ખસેડવાનો મુખ્ય હેતુ તેને તાત્કાલિક અને ઉચ્ચ સ્તરની વિશેષ તબીબી સારવાર પૂરી પાડવાનો છે. જમીન માર્ગે લાંબી મુસાફરી તેના સ્વાસ્થ્ય માટે વધુ મુશ્કેલી ઊભી કરી શકે તેમ હોવાથી હવાઈ માર્ગે ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એરલિફ્ટિંગ દ્વારા મુસાફરીનો સમય અને શારીરિક તાણ બંને ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વનતારા પહોંચ્યા બાદ નિષ્ણાત પશુચિકિત્સકો તેની સંપૂર્ણ તપાસ કરશે અને ઈજાઓ, આંખની સમસ્યા, પોષણ તથા અન્ય જરૂરી સારવાર માટે ખાસ યોજના તૈયાર કરવામાં આવશે.
ભારતમાં પ્રથમ વખત સઘન સારવાર માટે હાથીનું એરલિફ્ટિંગ
જોયમોતીનું એરલિફ્ટિંગ ભારતમાં એક અનોખી અને મહત્વપૂર્ણ પશુ બચાવ કામગીરી તરીકે જોવામાં આવી રહ્યું છે. ગંભીર ઈજાઓ ધરાવતા હાથીને હવાઈ માર્ગે ખસેડવા માટે પશુચિકિત્સા, પ્રાણી કલ્યાણ અને લોજિસ્ટિક્સ સંબંધિત અત્યંત ઝીણવટભરી તૈયારીઓ જરૂરી હોય છે. મુસાફરી પહેલાં હાથણીના સ્વાસ્થ્યનું મૂલ્યાંકન, વિમાનમાં સુરક્ષિત રીતે ચઢાવવાની વ્યવસ્થા, ફ્લાઇટ દરમિયાન સતત મોનિટરિંગ અને ગંતવ્ય સ્થાને પહોંચ્યા બાદ તાત્કાલિક સારવાર સહિત દરેક તબક્કે તેના આરામ અને સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
આસામમાં 3 વન્યજીવ પશુચિકિત્સા કેન્દ્રો સ્થાપવાનો વનતારાનો પ્રસ્તાવ
જોયમોતીનો આ કિસ્સો પૂર અને માનવ-વન્યજીવ સંઘર્ષથી પ્રભાવિત વિસ્તારોની નજીક વિશેષ વન્યજીવ તબીબી સુવિધાઓની જરૂરિયાતને પણ ઉજાગર કરે છે. આ દિશામાં સ્થાનિક સ્તરે ક્ષમતા વધારવા માટે વનતારા દ્વારા આસામમાં ત્રણ વન્યજીવ પશુચિકિત્સા કેન્દ્રો સ્થાપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ કેન્દ્રોમાં હાથીઓ માટેના એક વિશેષ સારવાર કેન્દ્રનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ કેન્દ્રો આસામ વન વિભાગ દ્વારા સ્વતંત્ર રીતે સંચાલિત કરવામાં આવશે. તેનો મુખ્ય હેતુ ભવિષ્યમાં આસામના વન્યજીવોને તેમના વિસ્તારમાં જ ઉચ્ચ ગુણવત્તાની સારવાર મળી રહે અને ગંભીર રીતે ઘાયલ પ્રાણીઓને લાંબી મુસાફરી કરવી ન પડે તે છે.
આ કાયમી સ્થળાંતર નહીં, માત્ર તાત્કાલિક મેડિકલ ટ્રાન્સફર
જોયમોતીને વનતારા લાવવામાં આવી રહી છે તે કોઈ કાયમી સ્થળાંતર નથી. આ માત્ર તેના જીવને બચાવવા અને જરૂરી સ્પેશિયલાઈઝ્ડ સારવાર આપવા માટે કરવામાં આવતું તાત્કાલિક મેડિકલ ટ્રાન્સફર છે. હાલ વનતારાની પ્રાથમિકતા જોયમોતીને શક્ય એટલી શ્રેષ્ઠ સારવાર આપવાની અને તેને ગંભીર ઈજાઓમાંથી બહાર લાવવાની છે, જેથી તે ભવિષ્યમાં વધુ સ્વસ્થ, સુરક્ષિત અને સન્માનજનક જીવન જીવી શકે.
વન્યજીવ સંરક્ષણ અને સારવારમાં વનતારાની કામગીરી
જામનગર સ્થિત વનતારા પ્રાણીઓના કલ્યાણ અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે કામ કરતી અગ્રણી સંસ્થા છે. તેના એક્સ-સિટુ કાર્યક્રમ હેઠળ બચાવાયેલા અને ઘાયલ પ્રાણીઓને કુદરતી નિવાસસ્થાનની બહાર આધુનિક તબીબી સારવાર, પ્રજાતિ-વિશિષ્ટ પોષણ, પુનર્વસન અને લાંબા ગાળાની સંભાળ આપવામાં આવે છે. આ ઉપરાંત, ઇન-સિટુ સંરક્ષણ હેઠળ સરકારી સત્તાવાળાઓ અને વિવિધ સંસ્થાઓ સાથે મળીને પ્રાણીઓના કુદરતી રહેઠાણોમાં સંરક્ષણ, મૂળ પ્રજાતિઓની પુનઃસ્થાપના, રહેઠાણોની જાળવણી અને માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવા માટે પણ પ્રયાસો કરવામાં આવે છે. જોયમોતીનું આ એરલિફ્ટિંગ ગંભીર રીતે ઘાયલ વન્યજીવોને સમયસર અને અત્યાધુનિક સારવાર પહોંચાડવા માટેની એક મહત્વપૂર્ણ બચાવ કામગીરી તરીકે જોવામાં આવી રહી છે.








