Fake Traffic Challan Cyber Fraud in Ahmedabad: અમદાવાદ શહેરમાં સાયબર ક્રાઇમની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે, અને સાયબર ચાંચિયાઓ હવે લોકોને ઠગવા માટે અવનવા કીમિયા અપનાવી રહ્યા છે. હાલમાં જ સ્માર્ટફોન યુઝર્સને નિશાન બનાવવા માટે સરકારી વિભાગોના નામે નકલી મેસેજ મોકલવાનો મોટો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા અને છત્રાલ ખાતે કેમિકલ ફેક્ટરી ધરાવતા નિસર્ગભાઈ ચવાડિયા આવા જ એક સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. વાહન વ્યવહાર વિભાગ તરફથી આવેલો ટ્રાફિક ઈ-મેમોનો નકલી મેસેજ ખોલવો તેમને ખૂબ જ મોંઘો પડ્યો હતો, જેના કારણે તેમણે મિનિટોમાં હજારો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો.
ફેક 'પરિવહન' લિંક અને મોબાઈલ હેક થવાની શરૂઆત
સમગ્ર ઘટનાની વિગત મુજબ, ગત 3 સપ્ટેમ્બરના રોજ નિસર્ગભાઈના મોબાઈલ પર વાહન વ્યવહાર વિભાગ (Parivahan) ના નામે એક ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો, જેમાં એવું દર્શાવાયું હતું કે તેમની ગાડીનો ટ્રાફિક મેમો બાકી છે. મેસેજમાં આપેલી લિંક પર તેમણે જેવું ક્લિક કર્યું, કે તરત જ 'NEXT_GenMPari vahan' નામની એક નકલી એપ્લિકેશન તેમના ફોનમાં ડાઉનલોડ થઈ ગઈ હતી. એપ ઇન્સ્ટોલ થતાંની સાથે જ સિસ્ટમે ગેલેરી, કોન્ટેક્ટ્સ અને SMS વાંચવાની તમામ પરમિશન માગી લીધી હતી. નિસર્ગભાઈએ અજાણતાં જ બધી પરમિશન આપી દીધી, પરંતુ એપમાં ગાડી સંબંધિત કોઈ વિગતો ન દેખાતાં તેમણે શંકા જતાં તુરંત એપ ડિલીટ કરી દીધી હતી.
એપ ડિલીટ કરી પણ કંટ્રોલ હેકરના હાથમાં પહોંચી ગયો
એપ ડિલીટ કરી દેવા છતાં સાયબર ઠગોનો ખેલ શરૂ થઈ ચૂક્યો હતો. પરમિશન મળી ગઈ હોવાના કારણે હેકર્સે નિસર્ગભાઈના ફોનનો સંપૂર્ણ એક્સેસ મેળવી લીધો હતો અને તેમની ગુપ્ત બેંકિંગ વિગતો પણ ચોરી લીધી હતી. તેના થોડા જ સમયમાં તેમના ફોન પર સતત બેંકિંગ OTP આવવાના શરૂ થઈ ગયા હતા, જે સાયબર ફ્રોડ તરફ ઈશારો કરી રહ્યા હતા. એપ્લિકેશન ફોનમાંથી નીકળી ગઈ હોવા છતાં, બેકએન્ડમાં સ્પાપવેર કે માલવેર સક્રિય રહીને બેંકિંગ ડેટા લીક કરી રહ્યો હતો.
6 સપ્ટેમ્બરે એકસાથે 10 ટ્રાન્ઝેક્શન અને રૂ. 2.36 લાખ ગાયબ
3 સપ્ટેમ્બરે વાયરસ ઘૂસ્યા બાદ 6 સપ્ટેમ્બરે સાયબર ચાંચિયાઓએ પોતાનો આખરી દાવ ખેલ્યો હતો. સાંજના સમયે નિસર્ગભાઈના મોબાઈલ પર બેંકમાંથી એક પછી એક નાણાં કપાયા હોવાના સળંગ 10 મેસેજ ધડાધડ આવ્યા હતા. તપાસ કરતા માલૂમ પડ્યું કે હેકર્સે તેમની ફેક્ટરીના બિઝનેસ કરંટ એકાઉન્ટમાંથી રૂ. 49,999 અને તેમના પર્સનલ સેવિંગ્સ એકાઉન્ટમાંથી રૂ. 1,86,998 ટ્રાન્સફર કરી લીધા હતા. આમ, કુલ રૂ. 2,36,997 નો સફાયો થઈ ગયો હતો. ખાતામાંથી એકસાથે અઢી લાખ જેટલી રકમ ઉપડી જતાં નિસર્ગભાઈના હોશ ઊડી ગયા હતા અને તેમણે તાત્કાલિક સાયબર પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી.
સાયબર ક્રાઇમથી બચવા માટે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
ટ્રાફિક ઈ-મેમોના નામે થતી આ ઠગાઈથી બચવા માટે લોકોએ અત્યંત સાવચેત રહેવું જરૂરી છે:
અજાણી લિંક પર ક્લિક ન કરવું: કોઈપણ મેસેજમાં આપેલી લિંક પરથી APK ફાઈલ કે એપ ડાઉનલોડ ક્યારેય કરશો નહીં.
અધિકૃત પોર્ટલનો જ ઉપયોગ કરો: ટ્રાફિક ઈ-ચલાણ ભરવા માટે હંમેશાં ભારત સરકારની અધિકૃત વેબસાઈટ echallan.parivahan.gov.in પર જઈને જ ચેક કરો.
અનવોન્ટેડ પરમિશન ન આપો: કોઈપણ થર્ડ-પાર્ટી એપને તમારા SMS, કોન્ટેક્ટ્સ કે ગેલેરીની પરમિશન આપતાં પહેલાં દસ વાર વિચારો.
હેલ્પલાઈન નંબર: જો તમારી સાથે આવો કોઈ ફ્રોડ થાય, તો તુરંત સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર કૉલ કરીને ફરિયાદ નોંધાવો.








