Ahmedabad Street Light Tender Controversy: અમદાવાદ શહેરને ઝગમગતું રાખવા માટે આપવામાં આવતા સ્ટ્રીટ લાઇટના કોન્ટ્રાક્ટમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારી સામે આવી છે. વારંવાર પ્રક્રિયા કરવા છતાં અત્યાર સુધીમાં પાંચ-પાંચ વખત ટેન્ડર પ્રક્રિયા નિષ્ફળ રહી છે અને હવે કોર્પોરેશન દ્વારા છઠ્ઠા પ્રયાસની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આટલી મોટી પ્રક્રિયા અટકી પડવાના કારણે આખી બાબત હવે મોટા ગરબડ-ગોટાળા અને વિવાદના કેન્દ્રમાં આવી ગઈ છે. અગાઉ સિટાલૂમ કંપની પાસે આ કોન્ટ્રાક્ટ હતો, પરંતુ જાન્યુઆરી 2025માં મુદત પૂરી થયા બાદ કંપનીએ કામ લંબાવવાની ના પાડી દીધી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી કાયમી વ્યવસ્થા કરવાને બદલે કામચલાઉ સબ-કોન્ટ્રાક્ટરોથી કામ ચલાવવામાં આવી રહ્યું છે, જેના કારણે પ્રજા ભારે મુશ્કેલી ભોગવી રહી છે.
190 કરોડથી શરૂ થયેલો ખર્ચો વધીને 398કરોડને પાર પહોંચ્યો
આ સમગ્ર પ્રક્રિયામાં સૌથી આશ્ચર્યજનક બાબત ટેન્ડરના અંદાજિત ખર્ચમાં થયેલો મસમોટો ઉછાળો છે. શરૂઆતના ત્રણ ટેન્ડર વખતે આ કામગીરીનો અંદાજિત ખર્ચ 190.70 કરોડ રૂપિયા રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ ચોથા અને પાંચમા પ્રયાસ વખતે કામગીરીનો વ્યાપ અને નવી શરતો ઉમેરીને આ અંદાજ સીધો 663.37 કરોડ રૂપિયા સુધી પહોંચાડી દેવામાં આવ્યો હતો. જોકે, આટલો મોટો ખર્ચ વધારવા છતાં ટેન્ડર પાસ થઈ શક્યું નહોતું. હવે છઠ્ઠા પ્રયાસમાં SITC (સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને કમિશનિંગ) ની કામગીરી અલગ કરીને 398.41 કરોડ રૂપિયાનું નવું ટેન્ડર તૈયાર કરાયું છે. એટલે કે મૂળ અંદાજ કરતાં આજે પણ ટેન્ડરનો ખર્ચ 207.71 કરોડ રૂપિયા જેટલો વધારે છે, જે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા કરે છે.


ટેકનિકલ શરતો અને લાયકાતના ખેલમાં ટેન્ડરો અટકાવવામાં આવ્યા
ટેન્ડર પ્રક્રિયા નિષ્ફળ જવા પાછળ અમુક ચોક્કસ કંપનીઓને ફાયદો પહોંચાડવા અથવા ટેકનિકલ લાયકાતના ખેલ ખેલવામાં આવ્યા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. બીજા પ્રયાસમાં મુંબઈની ઈ-સ્માર્ટ એનર્જી અને કોયમ્બતુરની સ્નેલ એનર્જી વચ્ચે સ્પર્ધા હતી, જેમાં સ્નેલ એનર્જીને ગેરલાયક ઠેરવાઈ હતી. પરંતુ નવાઈની વાત એ છે કે ત્રીજા પ્રયાસમાં નિર્ણયો ઊલટા થઈ ગયા; જે કંપની અગાઉ લાયક હતી તેને ગેરલાયક કરી દેવાઈ અને ગેરલાયક કંપનીને યોગ્ય ગણી લેવામાં આવી. આ સિવાય ચોથા ટેન્ડરમાં યુરોપિયન કંપનીને ફાયદો થાય તેવી શરતો ગોઠવવાનો આક્ષેપ રિલાયન્સ જિયો અને મેમાઇટી ઇન્વેન્શન્સ જેવી ભારતીય કંપનીઓએ કર્યો હતો. વારંવાર શરતો બદલાવા છતાં ઉકેલ ન આવતાં આખરે પ્રક્રિયા રદ કરવી પડી હતી.

અધિકારીઓ સામે શો-કોઝ નોટિસ અને વિજિલન્સ તપાસ શરુ
આટલા મોટા પ્રોજેક્ટમાં સતત વિલંબ થતાં અને નાણાકીય અનિયમિતતાઓની વાતો બહાર આવતાં તંત્ર દોડતું થયું છે. આ મામલે જવાબદાર ચાર મોટા અધિકારીઓને શો-કોઝ નોટિસ અને ચાર્જશીટ આપવામાં આવી છે. જેમાં એડિશનલ સિટી એન્જિનિયર એમ. કે. નીનામા, ડેપ્યુટી સિટી એન્જિનિયર પંકજ પટેલ, કે. જે. દલોલિયા અને યુ. કે. મડિયાનો સમાવેશ થાય છે. આ તમામ અધિકારીઓ સામે હાલમાં વિજિલન્સ તપાસ ચાલી રહી છે, જોકે હજુ સુધી કોઈ આકરો આખરી નિર્ણય લેવાયો નથી. દરમિયાન એડિશનલ સિટી એન્જિનિયર એમ. કે. નીનામાની બદલી એસટીપી (STP) વિભાગમાં કરી દેવામાં આવી છે અને તેમણે જણાવ્યું છે કે SITC ની શરત દૂર કરાતાં આ વખતે ટેન્ડર રકમ 398 કરોડ રાખવામાં આવી છે.

શહેરમાં 1.21 લાખથી વધુ ફરિયાદો: મુખ્ય રોડ પર પણ અંધારપટથી અકસ્માતનો ભય
તંત્રની ટેન્ડરની લડાઈ અને અધિકારીઓની સાઠગાંઠ વચ્ચે અમદાવાદના સામાન્ય નાગરિકો અંધારામાં જીવવા મજબૂર બન્યા છે. કોર્પોરેશનના સરકારી ચોપડે 15 ઓક્ટોબર સુધીમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની 1.21 લાખથી પણ વધુ ફરિયાદો નોંધાઈ ચૂકી છે. જેમાં સૌથી વધુ 23,751 ફરિયાદો પશ્ચિમ ઝોનમાંથી અને 17,532 ફરિયાદો ઉત્તર ઝોનમાંથી આવી છે. શહેરના અંતરિયાળ વિસ્તારો ઉપરાંત હવે તો મુખ્ય હાઇવે અને મુખ્ય રસ્તાઓ પર પણ રાત્રે અંધારપટ છવાયેલો રહે છે. રસ્તાઓ પર લાઈટો બંધ હોવાના કારણે વાહનચાલકો અને પગપાળા જતાં લોકો માટે અકસ્માતનું મોટું જોખમ ઊભું થયું છે. શહેરીજનો હવે વહેલી તકે કાયમી અને યોગ્ય એજન્સીની ફાળવણી થાય તેવી માંગ કરી રહ્યા છે.








