AMC hospitals doctors three time biometric attendance: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત હોસ્પિટલોમાં ફરજ દરમિયાન ડૉક્ટરોની ગેરહાજરી અને ખાનગી પ્રેક્ટિસ અંગેની ફરિયાદો બાદ તંત્રએ હાજરી વ્યવસ્થામાં મોટો ફેરફાર કર્યો છે. અત્યાર સુધી ડૉક્ટરો દિવસમાં માત્ર બે વખત બાયોમેટ્રિક હાજરી નોંધાવતા હતા, પરંતુ નવી વ્યવસ્થા હેઠળ હવે દિવસમાં ત્રણ વખત બાયોમેટ્રિક પંચિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે.
નવો સમય અને નિયમ શું છે?
તંત્રના નવા નિયમ મુજબ હોસ્પિટલના ડૉક્ટરોએ નીચે મુજબના સમયે બાયોમેટ્રિક હાજરી નોંધાવવી પડશે:
સવારે 9:00 વાગ્યે
બપોરે 2:00 વાગ્યે
સાંજે 5:00 વાગ્યે
અગાઉ સવારે 9 અને સાંજે 5 વાગ્યે હાજરી પૂર્યા બાદ વચ્ચેના સમયગાળામાં ડૉક્ટરો હોસ્પિટલમાં હાજર રહે છે કે નહીં તેની સતત ચકાસણી થતી નહોતી. હવે બપોરે 2 વાગ્યે પણ પંચિંગ ફરજિયાત બનાવાતાં દિવસના મધ્યભાગમાં ડૉક્ટરોની હાજરીની સ્પષ્ટ નોંધ મળી શકશે.
કઈ હોસ્પિટલોમાં લાગુ પડશે વ્યવસ્થા?
AMC સંચાલિત SVP, એલ.જી., શારદાબેન અને નગરી સહિતની તમામ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોના સુપ્રિટેન્ડેન્ટને સર્ક્યુલર મોકલીને આ વ્યવસ્થા અમલમાં મૂકવાની સૂચના અપાઈ છે. જોકે, કોઈ ડૉક્ટર નિર્ધારિત સમયે ઓપરેશનમાં વ્યસ્ત હોય તો કામગીરી પૂર્ણ થયા બાદ હાજરી નોંધાવવાની છૂટ આપવામાં આવી છે.
સુપ્રિટેન્ડેન્ટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આપવો પડશે રિપોર્ટ
નવી વ્યવસ્થામાં માત્ર 3 વાર હાજરી પૂરવાની જોગવાઈ નથી. પરંતુ, તેની દેખરેખની જવાબદારી પણ નક્કી કરવામાં આવે છે.
દૈનિક રિપોર્ટ અને ઉચ્ચ અધિકારીઓની સમીક્ષા
હાજરીની દેખરેખ માટે જવાબદારી પણ નક્કી કરવામાં આવી છે:
દરેક હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે ડૉક્ટરોની દૈનિક બાયોમેટ્રિક હાજરીનો રિપોર્ટ તૈયાર કરીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને સોંપવાનો રહેશે.
આ રિપોર્ટની મ્યુનિસિપલ કમિશનર દ્વારા સમીક્ષા કરવામાં આવશે, જેથી નિયમિત રીતે ઉચ્ચ અધિકારીઓ સુધી હાજરીની વિગતો પહોંચી શકે.
ટૂંકમાં, હોસ્પિટલમાં ડૉક્ટર્સની હાજરીની માહિતી હવે નિયમિત રીતે ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચશે.
ડૉક્ટર્સને લઈને થઈ ફરિયાદ
નોંધનીય છે કે, કોર્પોરેશન સંચાલિત SVP, એલ.જી, શારદાબેન અને નગરી સહિતની હોસ્પિટલોમાં ડૉક્ટર્સની હાજરી અંગે અનેક ફરિયાદો ઊભી થઈ હતી. ફરિયાદો મુજબ, ડૉક્ટર્સ બાયોમેટ્રિક સિસ્ટમમાં હાજરી નોંધાવતા અને સાંજે ફરજ પૂર્ણ કરતી વખતે ફરી પંચિંગ કરતા હતા. આ બે સમયની હાજરી વચ્ચે ડૉક્ટર્સ હોસ્પિટલમાં હાજર છે કે નહીં તેની સતત ચકાસણી નહોતી થતી.ઘણાં લોકોની એવી ફરિયાદ હતી કે, હાજરી પૂરીને હોસ્પિટલની બહાર જતારહે છે અને ખાનગી પ્રેક્ટિસ કરે છે. આ ફરિયાદોના આધારે આ મુજબની નવી સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.








