Diljit Dosanjh concert Ahmedabad metro timing changed: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે 21 નવેમ્બર, 2026ના રોજ જાણીતા ગાયક દિલજીત દોસાંજનો લાઈવ મ્યુઝિક કોન્સર્ટ યોજાનાર છે. આ કોન્સર્ટમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકોની સુવિધા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા અમદાવાદ અને ગાંધીનગર બંને કોરિડોરમાં મેટ્રો ટ્રેન સેવાઓનો સમય રાત્રે 11:30 સુધી લંબાવવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે.
લંબાવેલા સમય દરમિયાન કયા સ્ટેશનો પરથી મળશે પ્રવેશ?
આજે લંબાવેલા સમય દરમિયાન અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમથી એપીએમસી તથા થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ અને ગાંધીનગરમાં મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેન સેવાઓ ઉપલબ્ધ રહેશે. જોકે, લંબાવેલા સમય દરમિયાન મુસાફરોને પ્રવેશ માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી જ મળશે. આ બંને સ્ટેશનો પરથી મુસાફરો અમદાવાદ અને ગાંધીનગર કોરિડોરના કોઈપણ ચાલુ સ્ટેશન સુધી મુસાફરી કરી શકશે.
મેટ્રો ટ્રેન સેવાઓનો સમયપત્રક
50 રૂપિયાની 'સ્પેશિયલ પેપર ટિકિટ' અને મહત્વના નિયમો
કોન્સર્ટ બાદ પરત ફરતા મુસાફરોની સરળતા માટે GMRC દ્વારા ખાસ સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડવામાં આવી છે, જેની મુખ્ય વિગતો નીચે મુજબ છે:
ફ્લેટ ભાડું: સ્પેશિયલ પેપર ટિકિટનો દર પ્રતિ વ્યક્તિ રૂ. 50 (ફ્લેટ) રાખવામાં આવ્યો છે. આ ટિકિટ દ્વારા મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી અમદાવાદ તથા ગાંધીનગર બંને કોરિડોરના કોઈપણ ચાલુ સ્ટેશન સુધી મુસાફરી કરી શકાશે.
રાત્રે 11:00 વાગ્યા સુધી નિયમિત ટિકિટ: કોન્ટેક્ટલેસ સ્માર્ટ ટોકન, સ્માર્ટ કાર્ડ (GMRC ટ્રાવેલ કાર્ડ અને NCMC કાર્ડ), QR ડિજિટલ ટિકિટ અને QR પેપર ટિકિટ દ્વારા નિયમિત ભાડા મુજબ પ્રવેશની સુવિધા રાત્રે 11:00 વાગ્યા સુધી જ ઉપલબ્ધ રહેશે.
અગાઉથી લીધેલી ટિકિટ અમાન્ય: કિયોસ્ક, ટોકન વેન્ડિંગ મશીન, ટિકિટ કાઉન્ટર કે મોબાઈલ એપ દ્વારા પરત મુસાફરી માટે અગાઉથી ખરીદેલી કોઈપણ ટિકિટ (QR/ટોકન) રાત્રે 11:00 વાગ્યા પછી માન્ય રહેશે નહીં.
11 વાગ્યા પછી માત્ર પેપર ટિકિટ: રાત્રે 11:00 વાગ્યા પછી મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી પ્રવેશ મેળવવા માટે માત્ર સ્પેશિયલ પેપર ટિકિટ જ માન્ય ગણાશે.
પૂછપરછ માટે ક્યાં કરવો સંપર્ક?
નોંધનીય છે કે, કોઈપણ પૂછપરછ માટે મુસાફરો GMRC ના 24x7 કસ્ટમર કેર નંબર +91-79-22960123 અથવા ઈમેલ care@gujaratmetrorail.com પર સંપર્ક કરી શકે છે.








