Dholera SIR to become global AI hub: ભારતની AI ક્રાંતિમાં અગ્રેસર રહેવાના નિર્ધાર સાથે ગુજરાત સરકારે નવી દિલ્હીમાં યોજાયેલી 'ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026' દરમિયાન એક સીમાચિહ્નરૂપ સમજૂતી કરાર (MoU) કર્યો છે. રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને Larsen & Toubroની ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલ 'L&T વ્યોમા' વચ્ચે આ કરાર સંપન્ન થયો છે.
રૂ. 25,000 કરોડનું ભવ્ય રોકાણ
કરાર મુજબ ધોલેરા SIR ખાતે 250 મેગાવોટ ક્ષમતા ધરાવતા હાઇપરસ્કેલ ગ્રીન AI-રેડી ડેટા સેન્ટર સ્થાપિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં રૂ. 25,000 કરોડનું રોકાણ થવાનું છે અને 2028 સુધીમાં તે કાર્યરત થઈ જવાની સંભાવના દર્શાવવામાં આવી છે. આ પ્રોજેક્ટ રાજ્યની IT/ITeS નીતિ (2022-27)ને વધુ મજબૂત બનાવશે અને ગુજરાતને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે આગળ ધપાવશે.
AI અને ક્લાઉડ માટે સક્ષમ ઇકોસિસ્ટમ
ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીજન ખાતે પ્રસ્તાવિત આ કેમ્પસ માત્ર ડેટા સંગ્રહ સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ AI ટ્રેનિંગ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને અદ્યતન એનાલિટિક્સ માટે એક સમગ્ર ઇકોસિસ્ટમ ઉભું કરશે.
આનાથી:
- હજારો પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી તકો ઊભી થશે
- ગ્લોબલ ક્લાઉડ અને AI કંપનીઓ ગુજરાત તરફ આકર્ષિત થશે
- ગ્રીન અને સસ્ટેનેબલ ટેકનોલોજીને વેગ મળશે
સરકારની પ્રતિબદ્ધતા
ગુજરાત સરકારે વર્તમાન બજેટમાં AI અને ડિજિટલ ગવર્નન્સ માટે રૂ. 850 કરોડથી વધુની જોગવાઈ કરી છે. આ પગલું રાજ્યની ટેકનોલોજી આધારિત વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. MoU હેઠળ L&T વ્યોમા જમીન અને માળખાગત સુવિધાઓનું વિગતવાર મૂલ્યાંકન કરશે, જ્યારે રાજ્ય સરકાર પ્રોજેક્ટને ઝડપી અમલી બનાવવા માટે નીતિગત અને વહીવટી સહકાર આપશે. આ પ્રોજેક્ટ ગુજરાતને માત્ર ભારતનું નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર હબ તરીકે સ્થાપિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થઈ શકે છે.








