Dhari Road Accident: અમરેલી જિલ્લામાં માર્ગ અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ગત તારીખ 2ના રોજ ધારી-બગસરા હાઈવે પર પ્રેમપરા ગામ નજીક એક અત્યંત ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે જતી અલ્ટો કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે હવામાં ત્રણ પલટી ખાધી હતી. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા સાપર ગામના યુવાનનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે કારમાં સવાર અન્ય બે મિત્રોનો ચમત્કારિક બચાવ થયો છે.
CCTVમાં કેદ થઈ અકસ્માતની ભયાનકતા
આ અકસ્માતના લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જે જોઈને કોઈ પણ વ્યક્તિ ધ્રૂજી ઉઠે તેમ છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે એક સફેદ રંગની અલ્ટો કાર સાપર તરફથી ધારી તરફ અતિશય વેગ સાથે આવી રહી છે. અચાનક ચાલક કાબૂ ગુમાવે છે અને કાર રોડની સાઈડમાં ઉતરી જઈને હવામાં ફંગોળાય છે. કાર જ્યારે પલટી ખાઈ રહી હતી, ત્યારે અંદર બેઠેલો યુવાન બારીમાંથી બહાર ફેંકાય છે અને કમનસીબે પલટી મારતી કારના ટાયર નીચે જ દબાઈ જાય છે.
સુરતથી વેકેશન કરવા આવેલા યુવાનનું નિધન
મૃતક યુવાનની ઓળખ જય કમલેશભાઈ સુદાણી (રહે. સાપર, તા. બગસરા) તરીકે થઈ છે. પ્રાથમિક અહેવાલો મુજબ, જય સુરતમાં ધોરણ 10 અથવા 12ની બોર્ડની પરીક્ષા આપીને એક મહિનો વતન સાપરમાં વેકેશન માણવા માટે આવ્યો હતો. તે પોતાના મિત્રો સાથે કાર ચલાવતા શીખી રહ્યો હતો તે દરમિયાન આ કાળમુખો અકસ્માત નડ્યો હોવાનું મનાય છે. અકસ્માત બાદ તેને લોહીલુહાણ હાલતમાં પ્રથમ સ્થાનિક હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેણે દમ તોડ્યો હતો. યુવાનના મોતથી સાપર ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
બે મિત્રોનો આબાદ બચાવ
આ ભયાનક અકસ્માતમાં કારની હાલત કફોડી થઈ ગઈ હતી, છતાં કારમાં સવાર અન્ય બે યુવાનોનો ચમત્કારિક બચાવ થયો હતો. સીસીટીવીમાં જોઈ શકાય છે કે કાર ઉભી રહી ગયા બાદ એક યુવાન ડ્રાઈવર સાઈડથી અને બીજો યુવાન પાછળનો દરવાજો ખોલીને હેમખેમ બહાર આવે છે. આ બંને યુવાનોને કોઈ મોટી ઈજા પહોંચી નથી.
ઓવરસ્પીડ અને અનુભવનો અભાવ કારણભૂત?
પ્રાથમિક દ્રષ્ટિએ આ અકસ્માતનું મુખ્ય કારણ કારની અતિશય ઝડપ માનવામાં આવી રહ્યું છે. ફૂટેજ જોતા જણાય છે કે વળાંક પર ઝડપ વધુ હોવાને કારણે ચાલક સ્ટીયરિંગ પર કાબૂ રાખી શક્યો ન હતો. વળી, યુવાન હજુ ડ્રાઈવિંગ શીખી રહ્યો હોવાની ચર્ચાઓ પણ અકસ્માત પાછળના કારણ તરીકે જોવામાં આવી રહી છે. જોકે, આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ભારે ચર્ચા જાગી છે. આ ઘટના ફરી એકવાર વાહનચાલકોને ગતિ મર્યાદા જાળવવા અને બિનઅનુભવી વ્યક્તિઓને મુખ્ય માર્ગો પર વાહન ન આપવા માટે લાલબત્તી સમાન સાબિત થઈ છે.








