Bachu Khabad: દાહોદના દેવગઢ બારિયામાં નગરપાલિકાના ફાયર બ્રિગેડના ઈમરજન્સી વાહનનો કથિત રીતે અંગત સફાઈના કામમાં ઉપયોગ થયો હોવાનો વીડિયો વાયરલ થતાં રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. વાયરલ વીડિયોમાં ફાયર બ્રિગેડના વાહન દ્વારા ભાજપના પૂર્વ રાજ્યમંત્રી અને દેવગઢ બારિયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડના ધાનપુર તાલુકાના પીપેરો ગામે આવેલા નિવાસસ્થાનની સફાઈ કરવામાં આવતી હોવાનું જોવા મળે છે.
દિવાળી પહેલાં બંગલો ધોવા પહોંચ્યું ફાયર બ્રિગેડ
આક્ષેપ મુજબ દેવગઢ બારિયા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ પીપેરો ગામે પહોંચી હતી. દેવગઢ બારિયાથી આશરે 25 કિલોમીટર દૂર આવેલા નિવાસસ્થાને હાઈ-પ્રેશર પાણીના ફુવારાથી બહારની સફાઈ કરવામાં આવી હતી. સામાન્ય રીતે ફાયર બ્રિગેડની સેવા આગ, અકસ્માત અથવા કુદરતી આપત્તિ જેવી ઈમરજન્સી પરિસ્થિતિમાં લોકોની મદદ માટે હોય છે. ત્યારે આ જ સરકારી ઈમરજન્સી વાહનનો ખાનગી મકાનની સફાઈ માટે ઉપયોગ થયો હોવાના વીડિયોથી અનેક સવાલો ઊભા થયા છે.
વીડિયો વાયરલ થતાં સવાલો ઉઠ્યા
વાયરલ વીડિયોમાં ફાયર બ્રિગેડનું વાહન, પાણી અને પાલિકાના કર્મચારીઓનો ઉપયોગ કરીને મકાનની સફાઈ કરવામાં આવી રહી હોવાનું દેખાય છે. આ કામગીરી નિયમિત સરકારી ફરજનો ભાગ હતી કે ખાનગી ઉપયોગ માટે કરવામાં આવી હતી તે મુદ્દે પણ ચર્ચા શરૂ થઈ છે. આ મામલે ફાયર બ્રિગેડના ડીઝલ, પાણી, વાહન અને કર્મચારીઓના સમયનો ખર્ચ કોણે ભોગવ્યો તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.
ફાયર ઓફિસરે શું કહ્યું?
ફાયર ઓફિસર મયુર ચૌહાણે જણાવ્યું હતું કે નગરપાલિકા પ્રમુખ ધર્મેશ કલાલ અને ચીફ ઓફિસર વૈશાલીબેન નિનામાની સૂચના બાદ ફાયર ફાઈટર મોકલવામાં આવ્યું હતું. તેમણે એ પણ જણાવ્યું કે ઘર ધોવા માટે ફાયર બ્રિગેડના ઉપયોગ અંગે કોઈ નિયમ નથી. જોકે, કામગીરી બાદ પ્રતિ કિલોમીટર ₹45ના દરે કુલ ₹2,700 સરકારી ચાર્જ જમા લેવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
બચુ ખાબડનો રાજકીય વિવાદ સાથેનો સંબંધ
દેવગઢ બારિયા તાલુકાના કરોડો રૂપિયાના કૌભાંડના કેસમાં બચુભાઈ ખાબડના બંને પુત્રોના નામ આરોપીઓ તરીકે સામે આવ્યા બાદ નવા મંત્રીમંડળની રચનામાં તેમને રાજ્યમંત્રી તરીકે સ્થાન મળ્યું નહોતું. હવે તેમના નિવાસસ્થાનની સફાઈ માટે ફાયર બ્રિગેડના ઉપયોગનો વીડિયો સામે આવતા ફરી એકવાર દેવગઢ બારિયાની રાજકીય અને વહીવટી કામગીરીને લઈને ચર્ચા શરૂ થઈ છે. જોકે, ફાયર બ્રિગેડના ઉપયોગ અંગે અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા ₹2,700 ચાર્જના દાવા અને આ કામગીરી માટે મળેલી સૂચનાઓની સંપૂર્ણ વિગતો પણ તપાસનો વિષય બની છે.








