Deodar taluka panchayat: બનાસકાંઠાના દિયોદર તાલુકા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીને લઈને ચાલી રહેલો રાજકીય ઘમાસાણ હવે વધુ ગરમાયું છે. 25 મેના રોજ ભાજપના આંતરિક વિવાદને કારણે માત્ર 20 મિનિટમાં સભા રદ થયા બાદ આજે 27 મેના રોજ ફરી ચૂંટણી યોજાવાની હતી, પરંતુ ચૂંટણી પ્રક્રિયા ફરી એકવાર અટકી ગઈ છે. બપોરે 3 વાગ્યે ચૂંટણી યોજાવાની હોવા છતાં ચૂંટણી અધિકારી ગેરહાજર રહ્યા હતા અને તેઓ તબિયત ખરાબ હોવાના કારણે પાલનપુરની હોસ્પિટલમાં દાખલ થયા હોવાની માહિતી સામે આવી છે. આખરે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી બીજી વખત પણ રદ કરવી પડી હતી અને હવે આગામી દિવસોમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે.
વહીવટી તંત્રની ભૂમિકા પર ઉઠ્યા સવાલો
ચૂંટણી અધિકારીની ગેરહાજરી બાદ સમગ્ર મામલે વહીવટી તંત્રની ભૂમિકા પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. શું અધિકારી ખરેખર બીમાર હતા કે પછી રાજકીય દબાણ હેઠળ ચૂંટણી ટાળવાનો પ્રયાસ થયો? વિરોધ પક્ષે આ સમગ્ર ઘટનાક્રમને વહીવટી નાટક ગણાવ્યો છે. સ્થાનિક સ્તરે એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે સત્તાધારી પક્ષની આંતરિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી પ્રક્રિયા ફરી મોકૂફ રાખવામાં આવી છે.
ગર્ભવતી મહિલા સભ્યની હાજરી ચર્ચામાં
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે જાડા તાલુકા પંચાયતના સભ્ય હેતલબેન ઠાકોર ખાસ ચર્ચામાં રહ્યા. ગર્ભવતી હોવા છતાં તેઓ ચૂંટણી પ્રક્રિયામાં હાજર રહ્યા હતા. પરિવારજનો અને સ્થાનિક લોકોએ જણાવ્યું કે લોકશાહી પ્રત્યેની જવાબદારી નિભાવવા માટે તેઓ અસ્વસ્થતા વચ્ચે પણ સભાખંડ સુધી પહોંચ્યા હતા. બીજી તરફ જવાબદાર અધિકારીઓ ગેરહાજર રહેતા લોકોમાં ભારે નારાજગી ફેલાઈ હતી.
ગેનીબેન ઠાકોરના સરકાર અને તંત્ર પર આક્ષેપ
આ મામલે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ સરકાર અને વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે કેટલાક અધિકારીઓ તટસ્થ રીતે કામ કરવાની જગ્યાએ સત્તાધારી પક્ષના દબાણ હેઠળ કામ કરી રહ્યા છે. ગેનીબેને દાવો કર્યો કે તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે 12 જ્યારે ભાજપ પાસે 10 સભ્યોનું સંખ્યાબળ છે, છતાં બહુમતી હોવા છતાં કોંગ્રેસને સત્તાથી દૂર રાખવા માટે ચૂંટણી પ્રક્રિયામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે.
સભાખંડમાં સભ્યો હાજર, અધિકારીઓ ગેરહાજર
ચૂંટણી માટે કોંગ્રેસ અને ભાજપના કુલ 22 સભ્યો સમયસર સભાખંડમાં હાજર રહ્યા હતા. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો હતો, પરંતુ ચૂંટણી અધિકારી હાજર ન રહેતા આખી પ્રક્રિયા અટકી ગઈ. ગત 25 મેના રોજ ભાજપના બે સભ્યો વચ્ચે થયેલા વિવાદને કારણે ચૂંટણી અટકી હતી, જ્યારે હવે અધિકારીની ગેરહાજરીને કારણે ફરી ચૂંટણી રદ થતા દિયોદરની રાજનીતિ વધુ ગરમાઈ ગઈ છે.
લોકશાહી પ્રક્રિયા પર પ્રશ્નચિહ્ન
વારંવાર ચૂંટણી મોકૂફ રાખવાના કારણે હવે લોકશાહી પ્રક્રિયાની પારદર્શિતા અને નિષ્પક્ષતા પર પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. સ્થાનિક લોકો અને રાજકીય કાર્યકરોમાં ચર્ચા ચાલી રહી છે કે શું દિયોદરમાં ખરેખર લોકતાંત્રિક ઢબે ચૂંટણી યોજાશે કે પછી વહીવટી તંત્ર અને રાજકીય દબાણ વચ્ચે આ પ્રક્રિયા વધુ લંબાશે.








