Dani Limda Police Station Fire: અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશનના પાછળના ભાગે બપોરના સમયે અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસ સ્ટેશનના પાછળના ભાગે મુદ્દામાલ તરીકે રાખવામાં આવેલા વાહનોમાં આગ ફેલાતાં 20થી વધુ વાહનોને નુકસાન થયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
પોલીસ સ્ટેશન પાછળ પાર્ક કરેલા વાહનો આગની ઝપેટમાં
મળતી માહિતી મુજબ, દાણીલીમડા પોલીસ સ્ટેશનના પાછળના ભાગે મુદ્દામાલ તરીકે જમા કરાયેલા અને અન્ય વાહનો રાખવામાં આવ્યાં હતાં. બપોરના સમયે અહીં અચાનક આગ લાગી હતી. આગ એક વાહનથી બીજા વાહનમાં ફેલાતાં અનેક વાહનો તેની ઝપેટમાં આવ્યાં હતાં. આગ લાગતાં પોલીસ સ્ટેશનના સ્ટાફ અને સ્થાનિક લોકોએ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી.
20થી વધુ વાહનોને નુકસાન, શોર્ટ સર્કિટની આશંકા
પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગને કારણે મુદ્દામાલ તરીકે રાખવામાં આવેલા અંદાજે 20થી 25 વાહનોને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આ વાહનોમાં પોલીસ સ્ટાફ અને અન્ય લોકોનાં વાહનો પણ હોવાની શક્યતા છે. જોકે, આગમાં કેટલાં વાહનો સંપૂર્ણપણે બળીને ખાખ થયાં છે અને કેટલાં વાહનોને આંશિક નુકસાન થયું છે, તે અંગેની તપાસ ચાલી રહી છે.
FSLની ટીમ આગનું કારણ તપાસશે
આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે FSLની ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે. સમગ્ર મામલે દાણીલીમડા પોલીસ દ્વારા જાણવાજોગ ફરિયાદ નોંધવાની અને વધુ તપાસ હાથ ધરવાની કાર્યવાહી કરવામાં આવશે. હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મોટી સંખ્યામાં વાહનોને નુકસાન થતાં પોલીસ સ્ટેશનના પાછળના ભાગે થયેલી આ આગની ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે.








