Abhload Food Poisoning Scare: દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આવેલા અભલોડ ગામે એક લગ્નપ્રસંગમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ગામના ભરતભાઈ રાઠોડના ઘરે આયોજિત લગ્ન પ્રસંગમાં અંદાજે 1000 જેટલા મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જમણવારમાં શાક-પુરી, ચણા પનીર, કેરીનો રસ અને પાપડ જેવી વાનગીઓ પીરસવામાં આવી હતી. જોકે, રાત્રે 11 વાગ્યાની આસપાસ જમણવાર બાદ અચાનક મહેમાનોને ઉલ્ટી અને ઝાડાની ફરિયાદ શરૂ થઈ હતી.
200થી વધુ લોકોની હાલત બગડી
પ્રાથમિક અહેવાલો મુજબ, રાત્રિના સમયે એકાએક એક પછી એક એમ 200થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર વર્તાતા ગામમાં ભાગદોડ મચી ગઈ હતી. 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો દ્વારા દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ઘટનામાં કુલ 400થી વધુ લોકો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે, જેમાંથી કેટલાકની હાલત અત્યંત ગંભીર જણાતા તેમને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઝાયડસ હોસ્પિટલ ખાતે ડોક્ટરોની ટીમ તૈનાત
પરિસ્થિતિની ગંભીરતાને જોતા દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે તાત્કાલિક ડોક્ટરોની વિશેષ ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં 50થી વધુ ગંભીર દર્દીઓને ઝાયડસમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે 150થી વધુ લોકો આસપાસની ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. આ ઉપરાંત, જે લોકોને સામાન્ય અસર હતી તેવા લગભગ 200 જેટલા લોકોને ગામમાં જ મેડિકલ ટીમો દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. હોસ્પિટલ પરિસરમાં અસરગ્રસ્તોના સગા-સંબંધીઓના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
કેરીનો રસ અને પનીર શંકાના દાયરામાં
આરોગ્ય વિભાગની પ્રાથમિક તપાસમાં એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જમણવારમાં પીરસવામાં આવેલો કેરીનો રસ અથવા પનીરનું શાક બગડેલું હોઈ શકે છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખાદ્ય પદાર્થો જલ્દી બગડી જતા હોય છે, જે ફૂડ પોઇઝનિંગનું મુખ્ય કારણ બની શકે છે. સદનસીબે, આ મોટી દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, જે વહીવટીતંત્ર માટે રાહતની વાત છે.
ફૂડ વિભાગ એક્શનમાં: નમૂના લઈ તપાસ શરૂ
ઘટનાની જાણ થતાં જ જિલ્લા આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ અભલોડ ગામે પહોંચી ગઈ હતી. અધિકારીઓએ લગ્નમાં બનેલી રસોઈના નમૂનાઓ એકત્ર કર્યા છે અને તેને લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા છે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે તપાસના અહેવાલ આવ્યા બાદ જે પણ રસોઈયા કે કેટરર્સ જવાબદાર જણાશે તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાએ ફરી એકવાર લગ્નપ્રસંગોમાં રસોઈની ગુણવત્તા અને સ્વચ્છતા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. હાલમાં તમામ દર્દીઓની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.








