Dahod car crashes: અમદાવાદ-દાહોદ હાઈવે પર મોડી રાત્રે સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. લિંબખેડા નજીક ઢઢેલા ટર્નિંગ પાસે એક બેકાબૂ બનેલી SUV કાર ડિવાઈડર સાથે જોરદાર અથડાતા કારના આગળના ભાગના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. ઘટનાની જાણ થતા જ લીમખેડા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
નિયંત્રણ ગુમાવતા સર્જાયો અકસ્માત
મળતી માહિતી મુજબ, અકસ્માતગ્રસ્ત SUV મહારાષ્ટ્ર પાસિંગ (MH)ની હોવાનું જાણવા મળ્યું છે. ઢઢેલા ટર્નિંગ નજીક કારચાલકે અચાનક વાહન પરનું નિયંત્રણ ગુમાવતાં કાર સીધી જ ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડી ગયો હતો. એરબેગ ખુલ્યાં હોવા છતાં ઝાટકાની તીવ્રતાને કારણે કારમાં સવાર ત્રણેય મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઘટનાસ્થળે મોત
અકસ્માત થતાં જ આસપાસના લોકો અને હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા. કારની હાલત જોઈને જ અકસ્માતની ગંભીરતા સમજાઈ રહી હતી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી, પરંતુ ગંભીર ઈજાઓને કારણે ત્રણેય વ્યક્તિઓને બચાવી શકાયા નહોતા અને તેમનું સ્થળ પર જ મોત થયું હતું.
તપાસ શરૂ
પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ ઝડપ, ઊંઘ કે રસ્તાની સ્થિતિ તે અંગે તપાસ ચાલી રહી છે. મૃતકોની ઓળખ અને પરિવારજનોને જાણ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર હાઈવે પર વાહન ચલાવતી વખતે સાવચેતી અને નિયંત્રણ જાળવવાની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો છે.








