Dabhoi BJP MLA Shailesh Sotta Controversy: ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાના એક નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. છોટાઉદેપુરમાં રેતી અને માટીની ચોરીના મુદ્દે બોલતાં તેમણે કહ્યું હતું કે, ‘જ્યાં સુધી આપણા પરિવારના સભ્યો હશે ત્યાં સુધી તેમનો બચાવ કરવામાં આવશે. હું ડંકાની ચોટ પર સમજી વિચારીને આ બોલું છું.’ ધારાસભ્યના આ નિવેદનને પગલે ખનન ચોરીમાં સંડોવાયેલા લોકો સામેની કાર્યવાહી અને તેમના બચાવ અંગે સવાલો ઊભા થયા છે. આ નિવેદનની ગંભીર નોંધ પ્રદેશ કક્ષાએ પણ લેવામાં આવી હોવાનું જાણવા મળે છે.
‘પરિવારના સભ્યો હશે તો તેમનો બચાવ કરાશે’
ડભોઈ ખાતે યોજાયેલા ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ છોટાઉદેપુર વિસ્તારમાં રેતી અને માટીની ચોરીના મુદ્દે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ મામલે CIDમાં અરજી કરવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે. આ કેસ સંબંધિત રેકોર્ડ પોતાની પાસે હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયાન તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ‘જ્યાં સુધી આપણા પરિવારના સભ્યો હશે ત્યાં સુધી તેમનો બચાવ કરવામાં આવશે. હું ડંકાની ચોટ પર સમજી વિચારીને આ બોલું છું.’ ધારાસભ્યના આ નિવેદનથી રાજકીય ચર્ચા તેજ બની છે. એક તરફ રેતી અને માટીની ચોરી સામે કાર્યવાહી કરવાની વાત છે, તો બીજી તરફ તેમાં પરિવારના સભ્યો સંડોવાયેલા હોય તો તેમનો બચાવ કરવાની વાતે અનેક સવાલો ઊભા કર્યા છે.
ટિકિટવાંચ્છુ નેતાઓ પર પણ સાધ્યું નિશાન
સ્નેહમિલન કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ ભાજપમાં ટિકિટ મેળવવાની આશા રાખતા કેટલાક નેતાઓની કાર્યશૈલી પર પણ કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો એવી માન્યતા ધરાવે છે કે સંઘ અથવા વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોની પાછળ ફરવાથી તેમને ચૂંટણીની ટિકિટ મળી જશે. તેમણે હોર્ડિંગ લગાવવાથી અથવા 500 ગ્રામ મીઠાઈ મોકલવાથી લોકો ખરીદાઈ જાય અને ટિકિટ મળી જાય તેવી માનસિકતા સામે પણ સવાલ ઉઠાવ્યા હતા.
‘મને ટિકિટ આપી ત્યારે ભાજપના કાર્યકર્તાઓ પણ ઓળખતા ન હતા’
ધારાસભ્યએ વધુમાં જણાવ્યું હતું કે કેટલાક લોકો પરિવારનું લેબલ લઈને ફરે છે અને પરિવારમાં ભંગાણ પાડવાની વાત કરે છે, જે યોગ્ય નથી. તેમણે પોતાના રાજકીય અનુભવનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, ‘મને ટિકિટ આપી ત્યારે ભાજપના કાર્યકર્તાઓ ઓળખતા ન હતા, તેમ છતાં મને જીતાડ્યો છે.’ એક જ કાર્યક્રમમાં રેતી-માટી ચોરીના મુદ્દે પરિવારના સભ્યોના બચાવની વાત અને પક્ષમાં ટિકિટ મેળવવા માટેની રાજકીય કાર્યશૈલી પર કરવામાં આવેલી ટિપ્પણીઓને કારણે ધારાસભ્ય શૈલેષ સોટ્ટાનું નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. ખાસ કરીને ખનન ચોરીના મામલે કરવામાં આવેલી તેમની ટિપ્પણીને લઈને રાજકીય સ્તરે પણ ચર્ચા શરૂ થઈ છે.








