Cyber fraud in Ahmedabad: અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં સાયબર ઠગાઈની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)માં નિવૃત્ત 59 વર્ષીય પ્રદીપભાઈ નાયકને બેન્ક અધિકારી તરીકે ઓળખ આપી ક્રેડિટ કાર્ડ પ્રક્રિયા બહાને ₹2.38 લાખની છેતરપિંડી કરવામાં આવી છે. ભોગ બનનારએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
કેવી રીતે રચાયો ઠગાઈનો જાળ?
પ્રદીપભાઈએ થોડા સમય પહેલાં HSBCના ક્રેડિટ કાર્ડ માટે ઓનલાઈન અરજી કરી હતી. ડિસેમ્બર 2025 દરમિયાન અલગ-અલગ નંબર પરથી આવેલા કોલમાં ઠગોએ પોતાને બેન્ક અધિકારી ગણાવી PAN કાર્ડ અને પે-સ્લિપ ઇમેઇલ દ્વારા મંગાવી હતી. 5 ડિસેમ્બરે ક્રેડિટ કાર્ડની લિમિટ નક્કી કરવાના બહાને એક લિંક મોકલી વીડિયો કોલ કરવામાં આવ્યો. કોલ દરમિયાન ઠગે પ્રદીપભાઈને તેમનું જૂનું AU સ્મોલ ફાઇનાન્સ બેંકનું કાર્ડ કેમેરા સામે બતાવવા કહ્યું. કાર્ડ બતાવતાં જ જરૂરી વિગતો ઠગના હાથ લાગી ગઈ.
OTP આવ્યા અને રૂપિયા કપાઈ ગયા
વીડિયો કોલ બાદ પ્રદીપભાઈના મોબાઈલ પર OTP આવવા લાગ્યા. થોડા જ સમયમાં ₹1,10,217 અને ₹1,27,980ના બે ટ્રાન્ઝેક્શન થઈ ગયા. આમ કુલ ₹2,38,197 રકમ કપાઈ જતા તેઓ સ્તબ્ધ થઈ ગયા. ઘટનાની જાણ થતાં જ તેમણે પોલીસનો સંપર્ક કર્યો.
પોલીસની તપાસ ગતિમાન
સેટેલાઇટ પોલીસે અજાણ્યા ઠગ વિરુદ્ધ ગુનો નોંધી મોબાઈલ નંબર અને રકમ ટ્રાન્સફર થયેલા બેંક ખાતાના આધારે તપાસ શરૂ કરી છે. સાયબર સેલની મદદથી ટ્રાન્ઝેક્શન ટ્રેલ અને કોલ ડિટેઈલ્સ તપાસવામાં આવી રહી છે.
નિષ્ણાતોની ચેતવણી
- વીડિયો કોલ પર ક્યારેય કાર્ડ વિગતો ન બતાવવી
- OTP અથવા CVV કોઈ સાથે શેર ન કરવો
- અજાણી લિંક પર ક્લિક ન કરવું
- શંકાસ્પદ કોલ આવે તો સીધો બેન્કના સત્તાવાર નંબર પર સંપર્ક કરવો
સાયબર ઠગાઈના બનાવોમાં સતત વધારો થતો હોવાથી નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી રહી છે.








