Online Investment Scam Ahmedabad: શહેરમાં વધતા જતા સાયબર ક્રાઇમના બનાવો વચ્ચે વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ફોરેક્સ ટ્રેડિંગના નામે ઊંચા નફાની લાલચ આપીને વેજલપુરના એક વેપારી સાથે રૂ. 93 લાખની છેતરપિંડી કરવામાં આવી છે. આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, વેજલપુર વિસ્તારમાં આવેલા વીનસ પાર્ક લેન્ડમાં રહેતા 47 વર્ષીય હરિશભાઈ ધુળાભાઈ મકવાણા સિક્યોરિટી એજન્સી ચલાવે છે. તેઓ ગત 12 નવેમ્બર 2025ના રોજ ફેસબુક પર 'કોમલ મહેતા' નામની એક મહિલાના સંપર્કમાં આવ્યા હતા. શરૂઆતમાં સામાન્ય વાતચીત બાદ બંને વચ્ચે નજીકતા વધતી ગઈ અને ત્યારબાદ વોટ્સએપ પર પણ નિયમિત ચેટિંગ શરૂ થયું હતું. આ દરમિયાન આરોપીએ પોતે બિલ્ડર હોવાનો દાવો કરીને હરિશભાઈને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવાથી ખૂબ જ સારો નફો મળતો હોવાનો વિશ્વાસ અપાવ્યો હતો. આ લાલચમાં આવી હરિશભાઈ ધીમે ધીમે તેના જાળમાં ફસાતા ગયા હતા. ત્યારબાદ આરોપીઓએ ટેલિગ્રામ પર 'Hantec Markets CS' નામની આઈડી મારફતે હરિશભાઈનો સંપર્ક કર્યો અને એક લિંક મોકલી 'Hantec' નામની નકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી.
કુલ રૂ. 93 લાખનું ફ્રોડ
એપ્લિકેશનમાં એકાઉન્ટ ખોલાવી હરિશભાઈને વિવિધ બેંક એકાઉન્ટમાં રોકાણ કરવા માટે કહેવામાં આવ્યું હતું. વિશ્વાસમાં આવી તેમણે 19 નવેમ્બર 2025થી લઈને 9 માર્ચ 2026 દરમિયાન અલગ-અલગ ખાતાઓમાં કુલ રૂ. 93 લાખ ટ્રાન્સફર કર્યા હતા. શરૂઆતમાં આરોપીઓએ વિશ્વાસ વધારવા માટે રૂ. 2.55 લાખની રકમ પરત આપી હતી, જેથી હરિશભાઈને લાગ્યું કે ટ્રેડિંગ ખરેખર નફાકારક છે. ત્યારબાદ જ્યારે હરિશભાઈએ વધુ રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને કોઈ પણ પ્રકારની રકમ પરત મળી ન હતી. આરોપીઓ દ્વારા સતત અલગ-અલગ બહાના બનાવવામાં આવ્યા હતા અને અંતે સંપર્ક તોડી નાખવામાં આવ્યો હતો. આ સમયે હરિશભાઈને સમજાયું કે તેઓ મોટી છેતરપિંડીનો ભોગ બન્યા છે.
પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
પીડિતે તરત જ સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કર્યો અને સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. ત્યારબાદ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીઓ સુધી પહોંચવા માટે ટેક્નિકલ અને બેંકિંગ વિગતોના આધારે તપાસ શરૂ કરી છે. આ ઘટના શહેરમાં વધતા સાયબર ક્રાઇમ સામે ચેતવણીરૂપ છે. પોલીસ દ્વારા નાગરિકોને અજાણ્યા લોકોના સંપર્કમાં આવી નાણાકીય લેવડદેવડ ન કરવા અને ઓનલાઈન રોકાણ કરતા પહેલા યોગ્ય ચકાસણી કરવાની અપીલ કરવામાં આવી છે.








