Cow urine research in agriculture: વિસનગરની એમ.એન. કોલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપતા શક્તિ પ્રવીણભાઈ રામાનંદી દ્વારા કરવામાં આવેલા Ph.D સ્તરના વૈજ્ઞાનિક સંશોધનમાં દેશી ગાયના ગૌમૂત્ર અને જીવામૃતની ઘઉંના પાક પર થતી હકારાત્મક અસરો સ્પષ્ટ રીતે સાબિત થઈ છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતની ઓળખ ગણાતી કાંકરેજ ગાયના ગૌમૂત્ર પર કેન્દ્રિત આ સંશોધન પ્રદેશ માટે વિશેષ મહત્વ ધરાવે છે. અત્યાર સુધી ગીર ગાયના ગૌમૂત્ર પર અનેક અભ્યાસો થયાં છે, પરંતુ કાંકરેજ ગાયના ગૌમૂત્ર પર આવું વ્યાપક અને તુલનાત્મક સંશોધન દુર્લભ છે.
2018થી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત
પ્રાધ્યાપક શક્તિ પ્રવીણભાઈ રામાનંદી મૂળ પાટણ જિલ્લાના સાંતલપુર ગામના રહેવાસી છે અને વર્ષ 2018થી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે. MSc,NET, GSET, GPSC અને B.Ed જેવી લાયકાત ધરાવતા શક્તિભાઈએ તેમનું Ph.D સંશોધન હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી, પાટણમાં પ્રાધ્યાપક ચિરાગ આચાર્યના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કર્યું છે. સંશોધન દરમિયાન યુનિવર્સિટી તથા એમ.એન. કોલેજના અનેક અધ્યાપકોનો સહયોગ પણ મળ્યો હતો.
સંશોધનનો મુખ્ય ઉદ્દેશ
આ સંશોધનમાં કાંકરેજ, ગીર અને HF ગાયના ગૌમૂત્રના નમૂનાઓનું વિગતવાર રસાયણિક પૃથક્કરણ કરવામાં આવ્યું હતું. સાથે બજારમાં ઉપલબ્ધ ગૌમૂત્ર અર્કના નમૂનાઓ પણ તપાસવામાં આવ્યા. તેનો મુખ્ય ઉદ્દેશ વિવિધ જાતની ગાયના ગૌમૂત્રમાં રહેલા તત્વોમાં થતા તફાવત અને તેની ખેતી પર થતી અસરને સમજવાનો હતો. અભ્યાસ દરમિયાન સિઝનલ વેરીએશન અને બ્રિડ વેરીએશન જેવા બે મુખ્ય પેરામીટરો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું.
ગૌમૂત્રના નમૂનાઓનું વિશ્લેષણ
ગૌમૂત્રના નમૂનાઓમાં આલ્કલાઇન અને એસિડ ફોસ્ફેટેઝ, એમાઈલેજ એક્ટિવિટી, લેક્ટિક ડીહાઈડ્રોજનેઝ, પ્રોટીન, વિટામિન C, ટોટલ ફિનોલ અને ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી જેવા ઘટકોનું વિશ્લેષણ કરવામાં આવ્યું. પરિણામે ત્રણેય જાતની ગાયના ગૌમૂત્રમાં આ તત્વો હાજર હોવા છતાં તેમની માત્રામાં નોંધપાત્ર તફાવત જોવા મળ્યો. નાઈટ્રોજનના પ્રમાણની દ્રષ્ટિએ કાંકરેજ અને ગીર ગાયના ગૌમૂત્ર વધુ સમૃદ્ધ હોવાનું સામે આવ્યું, જ્યારે HF ગાયના ગૌમૂત્રમાં તે પ્રમાણ ઓછું હતું. pH મૂલ્યમાં ગીર અને કાંકરેજ ગાયનું ગૌમૂત્ર આલ્કલાઇન હતું, જ્યારે HF ગાયનું ગૌમૂત્ર એસિડિક સ્વભાવ ધરાવતું હોવાનું નોંધાયું. તેમ છતાં ત્રણેયમાં એન્ટી-માઈક્રોબિયલ ગુણધર્મ જોવા મળ્યા.
બે વર્ષ સુધી ઘઉંના પાક પર પ્રયોગો
સંશોધનનો બીજો મહત્વનો ભાગ જીવામૃત અને તેની ઘઉં ખેતી પર થતી અસર સાથે જોડાયેલો હતો. દેશી ગાયના ગૌમૂત્ર અને છાણમાંથી બનેલા જીવામૃતના ઉપયોગથી બે વર્ષ સુધી ઘઉંના પાક પર પ્રયોગો કરવામાં આવ્યા, જે વિસનગર તાલુકાના દેણપ ગામે ખેડૂત રમેશભાઈ સુથારના ખેતરમાં કરવામાં આવ્યા હતા. જીવામૃત અપાયેલા પ્લોટમાં છોડની ઊંચાઈ, ફૂટની સંખ્યા, ઉંબીઓ અને દાણાની ગુણવત્તા સહિત તમામ પેરામીટરોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો.
સંશોધન રાજ્ય સરકાર અને રાજ્યપાલ દ્વારા પ્રોત્સાહિત
જમીનની ગુણવત્તાના અભ્યાસમાં લાંબા સમયથી પ્રાકૃતિક ખેતી કરતી જમીનમાં બેક્ટેરિયલ અને માઈક્રોબિયલ એક્ટિવિટી વધુ હોવાનું સાબિત થયું, જ્યારે રાસાયણિક ખેતી કરતી જમીનમાં તે ઘટી ગઈ હતી. આ સંશોધન રાજ્ય સરકાર અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા પ્રોત્સાહિત ગૌ આધારિત કૃષિને વૈજ્ઞાનિક આધાર પૂરો પાડતું હોવાનું માનવામાં આવી રહ્યું છે અને તે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરણા આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.








