Asaram In Surat Ashram: દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા અને તાજેતરમાં તબીબી કારણોસર ગુજરાત હાઈકોર્ટ દ્વારા શરતી જામીન મેળવનાર આસારામ લાંબા સમય બાદ સુરત પહોંચ્યા છે. વર્ષ 2013માં ધરપકડ થયા બાદ આશરે 13 વર્ષ પછી સુરતના જહાંગીરપુરા આશ્રમમાં આસારામનું આગમન થતા તેના અનુયાયીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાવનગરથી રો-રો ફેરી મારફતે સુરત પહોંચેલા આસારામના સ્વાગત માટે ભક્તોએ પલક પાંવડા બિછાવ્યા હતા.
નવા વર્ષની શરૂઆતે આશ્રમમાં દિવાળી જેવો માહોલ
1 જાન્યુઆરી, 2026ના રોજ વર્ષના પ્રથમ દિવસે જ સુરતના જહાંગીરપુરા આશ્રમમાં જાણે કોઈ ઉત્સવ હોય તેવો નજારો જોવા મળ્યો હતો. આસારામ ખાસ સુવિધાયુક્ત બસ દ્વારા જ્યારે આશ્રમના ગેટ પર પહોંચ્યા ત્યારે હજારોની સંખ્યામાં ઉમટેલા અંધ ભક્તોએ ઢોલ-નગારા અને પુષ્પવર્ષા સાથે તેનું સ્વાગત કર્યું હતું. ભક્તોએ હાથમાં દીવડા લઈને આસારામની આરતી ઉતારી હતી. આખા આશ્રમ પરિસરને રોશનીથી શણગારવામાં આવ્યો હતો અને પ્રવેશદ્વાર પર આકર્ષક રંગોળીઓ બનાવવામાં આવી હતી. આ દ્રશ્યો જોઈને કોઈ કહી ન શકે કે આ ભવ્ય સ્વાગત એક દુષ્કર્મના દોષીનું થઈ રહ્યું છે.
ત્રણ દિવસનું રોકાણ અને આયુર્વેદિક સારવાર
આશ્રમના સૂત્રોના જણાવ્યા અનુસાર, આસારામ સુરતના આશ્રમમાં આગામી ત્રણ દિવસ સુધી રોકાણ કરશે. આ રોકાણનો મુખ્ય હેતુ સ્વાસ્થ્ય સુધારણા છે. જામીન અરજીમાં પણ ખરાબ સ્વાસ્થ્યના કારણો રજૂ કરવામાં આવ્યા હોવાથી, અહીં તે નિષ્ણાત વૈદ્યો પાસેથી આયુર્વેદિક સારવાર મેળવશે. આ ઉપરાંત, તે આશ્રમમાં રહીને પોતાના જૂના સાધકો અને શિષ્યો સાથે મુલાકાત પણ કરશે. સુરક્ષિત રોકાણ માટે આશ્રમની અંદર પણ ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
અન્ય રાજ્યોમાંથી ઉમટ્યા અનુયાયીઓ, પોલીસ સતર્ક
આસારામના સુરત આગમનના સમાચાર મળતા જ માત્ર સ્થાનિક જ નહીં, પરંતુ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા પાડોશી રાજ્યોમાંથી પણ તેના અનુયાયીઓ બસો ભરીને સુરત દોડી આવ્યા છે. આશ્રમની બહાર અને અંદર ભીડને જોતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસે નહીં તે માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. સુરત પોલીસ દ્વારા આશ્રમની આસપાસ અને મુખ્ય માર્ગો પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
કાળા કરતૂતોનો ઈતિહાસ: 2013ની એ ઘટના
આસારામના પતનનો પાયો 2013માં નખાયો હતો, જ્યારે એક સગીર બાળકીએ તેના પર દુષ્કર્મનો ગંભીર આરોપ મૂક્યો હતો. પીડિતાના માતા-પિતાએ જણાવ્યું હતું કે તેમની પુત્રી છિંદવાડા ગુરુકુળમાં અભ્યાસ કરતી હતી. તેને 'ભૂતપ્રેતનો ઓછાયો' હોવાનું બહાનું કાઢીને આસારામે ઈલાજના નામે જોધપુરના આશ્રમની ઝૂંપડીમાં બોલાવી હતી અને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. 31 ઓગસ્ટ 2013ના રોજ ઈન્દોરથી આસારામની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારથી તે જેલના સળિયા પાછળ હતો.
જામીનની શરતોમાં ફેરફાર માટે કોર્ટમાં અરજી
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે આસારામને તબીબી આધારો પર 31 માર્ચ સુધીના વચગાળાના શરતી જામીન આપ્યા છે. જોધપુર જેલમાંથી છૂટ્યા બાદ 12 વર્ષે તે પ્રથમવાર અમદાવાદના મોટેરા આશ્રમમાં પણ ગયો હતો. હાલમાં આસારામે હાઈકોર્ટમાં એક નવી અરજી કરી છે, જેમાં તેણે જામીન દરમિયાન પોતાની આસપાસ રહેતા 3 પોલીસ કર્મચારીઓની હાજરીની શરત હટાવવા અથવા તેમાં ફેરફાર કરવાની માંગ કરી છે. આ મામલે હાઈકોર્ટે સત્તાવાળાઓને નોટિસ પાઠવી છે.








