Imran Khedawala Vande Mataram Controversy: ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ 'વંદે માતરમ' ના અનાદરનો ગંભીર મુદ્દો સામે આવતા ગૃહમાં ભારે રાજકીય ગરમાવો આવી ગયો છે. સત્રની શરૂઆતમાં રાષ્ટ્રગીત 'વંદે માતરમ' ના ગાન દરમિયાન કૉંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા (Imran Khedawala) પોતાની સીટ પરથી ઊભા ન થઈને બેસી રહ્યા હતા. આ વર્તન સામે ભાજપના મંત્રી પ્રવીણ માળીએ સખત વાંધો ઉઠાવીને આ ઘટનાને સંસદીય પરંપરાઓ અને દેશનું સીધું અપમાન ગણાવ્યું છે.
મંત્રી પ્રવીણ માળીએ કોંગ્રેસ પાસે સ્ટેન્ડ સ્પષ્ટ કરવા માંગ કરી
ગુજરાત સરકારના મંત્રી પ્રવીણ માળીએ આ મુદ્દે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, "રાષ્ટ્રગીત ચાલુ હોય ત્યારે ઊભા ન થવું એ ભારત માતા અને આપણી લોકશાહી પ્રણાલીનું સીધું અપમાન છે. ઈમરાન ખેડાવાલાએ માત્ર વંદે માતરમનું જ નહીં પરંતુ સમગ્ર દેશનું અનાદર કર્યું છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ આ અંગે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવું જોઈએ કે આ ઈમરાન ખેડાવાલાનું વ્યક્તિગત કૃત્ય છે કે, કોંગ્રેસ પાર્ટી તેમના આ વર્તનનું સમર્થન કરે છે.
વિધાનસભા અધ્યક્ષને ફરિયાદ અને બંધારણીય કાર્યવાહીની માંગ
ભાજપના મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ આ મામલે વિધાનસભા અધ્યક્ષ (Speaker) ને રૂબરૂ મળીને ઈમરાન ખેડાવાલા સામે સત્તાવાર ફરિયાદ નોંધાવશે અને બંધારણીય પ્રક્રિયા મુજબ તેમની સામે આકરા પગલાં લેવાની માંગ કરશે.
'વંદે માતરમ' ને લઈને કૉંગ્રેસ અને ઇન્ડિયા એલાયન્સના વલણ પર સવાલો
ગૃહ મંત્રાલયની નવી માર્ગદર્શિકા મુજબ સરકારી કાર્યક્રમોમાં વંદે માતરમનું પૂર્ણ વર્ઝન (3 મિનિટ અને 10 સેકન્ડ) વગાડવું કે ગાવું અનિવાર્ય કરવામાં આવ્યું છે. કૉંગ્રેસ પક્ષે 1937ના પોતાના પ્રસ્તાવ મુજબ વંદે માતરમના પ્રથમ બે ફકરા ગાવાનું વલણ રાખ્યું છે. જોકે, 'ઇન્ડિયા' (INDIA) ગઠબંધનમાં સામેલ નેશનલ કોન્ફરન્સના નેતાઓ અને જમ્મુ-કાશ્મીરના મુખ્યામંત્રી ઓમર અબ્દુલ્લા તથા ફારૂક અબ્દુલ્લાએ શ્રીનગરમાં આયોજિત ફિલ્મ ફેસ્ટિવલમાં આખા 3 મિનિટ અને 10 સેકન્ડ સુધી વંદે માતરમના સન્માનમાં ઊભા રહીને અલગ દાખલો બેસાડ્યો હતો.
વંદે માતરમ અને સંસદીય શિષ્ટાચાર અંગે વિશેષ માહિતી
વંદે માતરમનો ઈતિહાસ: 'વંદે માતરમ' ની રચના 1875માં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા કરવામાં આવી હતી, જે પાછળથી તેમની પ્રખ્યાત નવલકથા 'આનંદમઠ' નો ભાગ બની હતી. 24 જાન્યુઆરી, 1950ના રોજ ભારતની બંધારણ સભાએ તેને ભારતનું 'રાષ્ટ્રીય ગીત' (National Song) તરીકે સ્વીકાર્યું હતું.
વિધાનસભાના શિષ્ટાચાર નિયમો: વિધાનસભા કે સંસદની કાર્યવાહી શરૂ થતાં પહેલાં અને પૂર્ણાહુતિ વખતે રાષ્ટ્રગીત/રાષ્ટ્રગાન વગાડવામાં આવે છે, જેમાં તમામ જનપ્રતિનિધિઓએ સન્માનપૂર્વક ટટ્ટાર ઊભા રહેવું અનિવાર્ય શિષ્ટાચાર માનવામાં આવે છે. આ નિયમનું ઉલ્લંઘન કરવા બદલ સભ્ય સામે શિસ્તભંગ અથવા ગૃહમાંથી સસ્પેન્શનની કાર્યવાહી થઈ શકે છે.








