Chotila Rajkot Highway Car Accident: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા-રાજકોટ હાઈવે પર એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં માતા-પુત્રીનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે તેમની સાથે રહેલા એક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી છે. ચોટીલાથી આગળ આપા ગીગાના ઓટલા નજીક અમદાવાદ તરફથી પૂરઝડપે આવી રહેલી વૈભવી કારે રોડ ક્રોસ કરી રહેલી માતા-પુત્રીને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ કારચાલક વાહન ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો. પરિવાર પદવીદાન સમારોહમાં જતો હતો ત્યારે બનેલી આ દુર્ઘટનાથી પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
પૌત્રના પદવીદાન સમારોહમાં જતી વખતે કાળ આંબી ગયો
આ અકસ્માતમાં સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ચાંપલપુર ગામનાં વતની 70 વર્ષીય નયના દીક્ષિત અને તેમનાં 46 વર્ષીય પુત્રી અર્ચના જોશીનાં મોત થયાં છે. અર્ચનાના પુત્ર હર્ષિલ કુવાડવા સ્થિત આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ કરતા હતા અને BHMSની ડિગ્રી મેળવવા તેમનો પદવીદાન સમારોહ યોજાવાનો હતો. આ સમારોહમાં હાજરી આપવા માટે પરિવાર જઈ રહ્યો હતો. મુસાફરી દરમિયાન ચોટીલા નજીક આવેલા આપા ગીગાના ઓટલે તેઓ પ્રસાદ લઈને રોડ ક્રોસ કરી રહ્યાં હતાં. આ સમયે અમદાવાદ તરફથી પૂરઝડપે આવી રહેલી વૈભવી કારે બંનેને અડફેટે લીધાં હતાં. ટક્કર એટલી જોરદાર હતી કે નયનાબેન અને અર્ચનાબેનનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.
અકસ્માતની તીવ્રતા એટલી ભયાનક કે મહિલાનો પગ કપાઈ ગયો
અકસમાતની ગંભીરતા એટલી વધુ હતી કે બંને મહિલાઓને જીવલેણ ઈજાઓ પહોંચી હતી. આ દુર્ઘટનામાં એક મહિલાનો ડાબો પગ શરીરથી કપાઈને અલગ થઈ ગયો હતો. જ્યારે તેમની સાથે રહેલા નયનાબેનના પુત્ર વસંતભાઈને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
કારચાલક વાહન મૂકીને ફરાર, હાઈવે પર ટ્રાફિક જામ
અકસમાત સર્જ્યા બાદ કારચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે હાઈવે પર લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાતાં હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ પણ ઊભી થઈ હતી. પૌત્રના પદવીદાન સમારોહ જેવા ખુશીના પ્રસંગે જઈ રહેલા પરિવાર પર અચાનક દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. માતા-પુત્રીનાં એકસાથે થયેલાં મોતને પગલે ચાંપલપુર ગામ સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.








