China HPHT Diamond Price Hike: ક્રિસમસના તહેવારોને કારણે વિદેશી બજારોમાં લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ વધી રહી છે, ત્યારે ચીનની મોટી ઉત્પાદક કંપનીઓએ સુરતના હીરા ઉદ્યોગને મોટો ઝટકો આપ્યો છે. ચીનની કંપનીઓએ લેબોરેટરીમાં તૈયાર થતા HPHT (હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચર) રફ ડાયમંડના ભાવમાં સીધો 10 ટકાનો વધારો કર્યો છે. દિવાળી વેકેશન પૂર્ણ થતાં જ કંપનીઓએ સત્તાવાર 'પ્રાઈસ એડજસ્ટમેન્ટ લેટર' જાહેર કરીને આ ભાવવધારાની જાણ કરી છે. તેના કારણે સુરત સહિત ગુજરાતના લેબગ્રોન ડાયમંડ ઉત્પાદકોની પડતર કિંમત વધશે અને આગામી દિવસોમાં પોલિશ્ડ હીરાના ભાવમાં પણ આશરે 10 ટકાનો વધારો થવાની શક્યતા છે. આ સ્થિતિથી રાજ્યના લાખો રત્નકલાકારોની રોજગારી સાથે જોડાયેલા હીરા ઉદ્યોગમાં ચિંતા વધી છે.
ઉત્પાદન ખર્ચ અને ચીની ચલણ મજબૂત થવાનું કારણ આપ્યું
વિશ્વમાં લેબગ્રોન ડાયમંડના રો-મટીરિયલનું સૌથી વધુ ઉત્પાદન ભારત અને ચીનમાં થાય છે. ભારતમાં મુખ્યત્વે CVD અને ચીનમાં HPHT ડાયમંડનું ઉત્પાદન થાય છે. ચીની કંપનીઓએ ગ્રાહકોને મોકલેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે કાચા માલસામાનની કિંમતો અને ઊર્જા વપરાશનો ખર્ચ વધ્યો છે. આ ઉપરાંત અમેરિકન ડોલર સામે ચીનનું ચલણ 'RMB' સતત મજબૂત થઈ રહ્યું હોવાથી કંપનીઓ પર ઓપરેશનલ ખર્ચનું દબાણ વધ્યું છે. આ ચાલુ વર્ષમાં ચોથી વખત કરવામાં આવેલો ભાવવધારો છે. તેના કારણે હવે ચીનથી આયાત થતી નવી HPHT રફ ડાયમંડની ખરીદી 10 ટકા મોંઘી પડશે.
દર મહિને 37 લાખ કેરેટ રફની આયાત, વેપારીઓ વેઈટિંગમાં
હીરા ઉદ્યોગપતિ અને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન અનુસાર, ભારતમાં ચીનથી દર મહિને અંદાજે 37 લાખ કેરેટ HPHT રફ ડાયમંડની આયાત થાય છે. ગયા વર્ષે પણ રફ ડાયમંડના ભાવમાં 40થી 70 ટકા જેટલો વધારો થયો હતો. જોકે, તે સમયે બજારમાં સતત ડિમાન્ડ હતી અને પોલિશ્ડ હીરાના સારા ભાવ મળી રહ્યા હતા. તેથી ભાવવધારાની કોઈ મોટી સમસ્યા સર્જાઈ નહોતી. બીજી તરફ, હીરા વેપારી નિલેશ ભીકડીયાના મુજબ, ક્રિસમસના તહેવારો દરમિયાન ચીનની જાડી અને પતલી રફમાંથી તૈયાર થતા હીરાનું વેચાણ ઝડપથી થઈ રહ્યું છે. તેના કારણે સુરતના વેપારીઓ રફ ડાયમંડ મેળવવા માટે વેઈટિંગમાં પણ છે.
માર્કેટ ડાઉન જશે તો ગ્રામ્ય વિસ્તારના કારખાનાઓને ફટકો
ભાવવધારાની અસર અંગે ચિંતા વ્યક્ત કરતાં રત્નકલાકારો અનુસાર, દિવાળી પછીનું માર્કેટ ગયા વર્ષ જેવું જળવાઈ રહે અને પોલિશ્ડ હીરાના સારા ભાવ મળે તો 10 ટકાનો ભાવવધારો ઉદ્યોગ માટે અસહ્ય નહીં બને. પરંતુ જો આગામી દિવસોમાં માર્કેટમાં મંદી આવે અને પોલિશ્ડ હીરાના ભાવ ઘટે તો રફની વધેલી પડતર કિંમતની સીધી અસર મેન્યુફેક્ચરર્સ પર પડશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં મેન્યુફેક્ચરિંગ કરતા નાના કારખાનેદારોને આ ભાવવધારાથી મોટું નુકસાન થઈ શકે છે.
ગુજરાતનાં 10થી 15 હજાર કારખાનાં અને 20 લાખ રત્નકલાકારો જોડાયેલા
ગુજરાતમાં હીરા ઉદ્યોગનું મોટું નેટવર્ક છે. રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં અંદાજે 10થી 15 હજાર નાના-મોટા કારખાનાં નેચરલ અને લેબગ્રોન ડાયમંડના મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલાં છે. આ સમગ્ર ઉદ્યોગમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અંદાજે 15થી 20 લાખ રત્નકલાકારોની રોજગારી સંકળાયેલી છે. આવી સ્થિતિમાં રફ ડાયમંડના ભાવમાં થતી વધઘટની અસર માત્ર વેપારીઓ કે ઉત્પાદકો પૂરતી મર્યાદિત રહેતી નથી, પરંતુ લાખો રત્નકલાકારોની રોજગારી પર પણ પડી શકે છે. ચીનના આ ભાવવધારા બાદ હવે સુરતના હીરા ઉદ્યોગની નજર આગામી દિવસોમાં પોલિશ્ડ ડાયમંડની ડિમાન્ડ અને બજારના ભાવ પર રહેશે.








