Changodar accident Ahmedabad: ચાંગોદર વિસ્તારમાં આજે સવારે એક એવી દુર્ઘટના બની છે કે જેને જોઈને આસપાસના લોકો દંગ રહી ગયા છે. ઔદ્યોગિક હબ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં અચાનક બનેલા અકસ્માતે એક નિર્દોષ બાઈક સવારનો જીવ લીધો છે. ઘટના એટલી અણધારી હતી કે સૌ કોઈને ફિલ્મના દ્રશ્યો યાદ આવી ગયા હતા.
શું છે સમગ્ર ઘટના?
પ્રાપ્ત માહિતી અનુસાર, યુનિસન ફાર્માની સ્ટાફ બસ રોજની જેમ ચાંગોદરના ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહી હતી. બસ ઓવરબ્રિજના વચ્ચેના ભાગે હતી ત્યારે અચાનક તેનું એક ટાયર છૂટીને નીચે તરફ ધસી આવ્યો. ટ્રાફિક હોવાથી નીચેના સર્વિસ રોડ પર વાહનોની અવરજવર યથાવત હતી. એ દરમિયાન જ આ ભારે ટાયર સીધું જ નીચે પડ્યું. ટાયર નીચે પડ્યું અને ત્યાંથી બાઈક પર જઈ રહેલા એક વ્યક્તિ પર તે આવી પડ્યું.
વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
બાઈક સવાર ભીખાભાઈ ત્રિકમભાઈ ઝાલા, જે ધોળકા તાલુકાના બદરખા ગામના નિવાસી હતા. તે સાયકલ સમાન ઝડપે સર્વિસ રોડ પરથી આગળ વધી રહ્યા હતા. તેમને ખબર પણ ન પડી કે ઉપરથી કાળ જાણે તેમના પર તૂટી પડ્યો. ટાયરના અચાનક આઘાતને કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી અને ઘટના સ્થળે જ તેમનું મોત થયું. ભીખાભાઈ હર્ષા નામની ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા અને દરરોજની જેમ કામ પર જવા નીકળ્યા હતા, પરંતુ આ દિવસ તેમના માટે જીવલેણ સાબિત થયો. આકસ્મિક ઘટનાએ પરિવારને શોકમગ્ન કરી દીધા છે.
પોલીસ તપાસ શરૂ
ચાંગોદર ટ્રાફિક પોલીસની ટીમ ઝડપી દોડી આવી હતી. પોલીસે વાહનવ્યવહારનું સંચાલન હાથે લઈને રસ્તાને ખુલ્લો કર્યો તેમજ મૃતકને તાત્કાલિક હોસ્પિટલ મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. બસમાંથી ટાયર કેવી રીતે અને શા માટે છૂટ્યું તેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.








