Chaitar Vasava bail plea rejected: નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિધાનસભા ક્ષેત્રના આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની શકુંતલા વસાવા સહિતના આરોપીઓ માટે કાનૂની મુશ્કેલીઓમાં વધારો થયો છે. વન વિભાગના અધિકારીઓને ઘરે બોલાવી ધમકાવવા, માર મારવા અને હવામાં રિવોલ્વરથી ફાયરિંગ કરી ખંડણી ઉઘરાવવાના બહુચર્ચિત કેસમાં નર્મદા સેશન્સ કોર્ટે ફટકારેલી 7 વર્ષની કેદની સજા સામે ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. જોકે, હાઇકોર્ટે તેમની જામીન અરજી અને નર્મદા કોર્ટના ચુકાદા પર સ્ટે આપવાની વિનંતીને આકરા વલણ સાથે ફગાવી દીધી છે.
હાઇકોર્ટનું કડક વલણ અને મહત્ત્વની ટિપ્પણી
ગુજરાત હાઇકોર્ટે અરજી પર સુનાવણી દરમિયાન અત્યંત ગંભીર અવલોકનો કર્યા હતા. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ધારાસભ્ય હોવાનો અર્થ એ નથી કે તેઓ પોતાની રીતે સમાંતર કોર્ટ કે પંચાયત ચલાવીને સરકારી અધિકારીઓને પોતાના ઘરે સમાન બળથી બોલાવે. જો સ્થાનિક નાગરિકોને વન વિભાગ સામે કોઈ ફરિયાદ હોય, તો કાયદાકીય માર્ગ અપનાવવો જોઈએ.આ ઉપરાંત, અદાલતે એ બાબતની પણ ગંભીર નોંધ લીધી હતી કે ધારાસભ્યને અગાઉ અન્ય ગુનાહિત કેસોમાં ચોક્કસ શરતો સાથે જામીન મળ્યા હતા, પરંતુ તે શરતોનું પાલન કરવાને બદલે તેઓ ફરીથી આવા ગંભીર ગુનાઓ અને સરકારી કર્મચારીઓની ફરજમાં રુકાવટના કિસ્સામાં સંડોવાયા છે.
શું હતો સમગ્ર કેસ અને ઘટનાક્રમ?
આ ઘટના નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં બની હતી. વન વિભાગની જમીન પર સ્થાનિક લોકો દ્વારા કરાયેલા કપાસના વાવેતર અને દબાણ હટાવવાની કામગીરી બાદ વિવાદ સર્જાયો હતો.
મીટિંગના નામે ઘરે બોલાવ્યા: જમીન મુદાનું સમાધાન કરવાના નામે ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને પોતાના નિર્માણધીન ઘરે બોલાવ્યા હતા.
હવામાં ફાયરિંગ અને ધમકી: આરોપ મુજબ વાતચીત દરમિયાન ધારાસભ્ય ઉશ્કેરાઈ ગયા હતા અને અધિકારીઓ પર હુમલો કરી ગાળો આપી હતી. આ દરમિયાન પોતાના ઘરેથી રિવોલ્વર મંગાવીને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું.
બળજબરીથી વળતર: વન અધિકારીઓને હાથ-પગ ભાંગી નાખવાની ધમકી આપીને તેમની પાસે બળજબરીથી ₹60,000નું વળતર માંગવામાં આવ્યું હતું. કર્મચારીઓએ ડરના માર્યા ATMમાંથી પૈસા ઉપાડીને ચૂકવણી કરવી પડી હતી.
કોર્ટે તમામ પુરાવા અને સાક્ષીઓને ધ્યાને રાખી સજા ફટકારી હતી
આ બનાવ બાદ વન અધિકારીની ફરિયાદના આધારે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે IPC ની કલમ 143, 147, 149, 186, 294, 353, 386 તેમજ આર્મ્સ એકટની કલમ 25 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. નર્મદાની કોર્ટે તમામ પુરાવા અને સાક્ષીઓને ધ્યાને રાખી ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની શકુંતલા વસાવા સહિત 9 આરોપીઓને દોષિત ઠેરવી 7 વર્ષની જેલની સજા ફટકારી હતી.
ચૈતર વસાવાની બચાવ પક્ષની રજૂઆત
બીજી તરફ, ધારાસભ્યના વકીલ દ્વારા કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે સ્થાનિક ગરીબ આદિવાસી ખેડૂતોના પાકને વન વિભાગે નુકસાન પહોંચાડ્યું હતું. આથી, જનપ્રતિનિધિ તરીકે તેઓ માત્ર મધ્યસ્થી કરીને ખેડૂતોને યોગ્ય વળતર અપાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સમગ્ર ફરિયાદ રાજકીય દ્વૈષબુદ્ધિથી પ્રેરિત હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. ચૈતર વસાવા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના એક મજબૂત અને પ્રભાવશાળી આદિવાસી નેતા માનવામાં આવે છે. હાઇકોર્ટ દ્વારા સજા પર સ્ટે આપવાનો ઇનકાર કરાતાં હવે તેમની ધારાસભ્ય પદની યોગ્યતા પર પણ કાનૂની સવાલો ઊભા થઈ શકે છે. લોકપ્રતિનિધિત્વ કાયદા (Representation of the People Act) મુજબ, જો કોઈ ધારાસભ્યને 2 વર્ષ કે તેથી વધુ સમયની જેલની સજા થાય અને તેની પર સ્ટે ન મળે, તો તેમનું વિધાનસભા સભ્યપદ રદ થવાનું જોખમ રહે છે. હાલમાં હાઇકોર્ટના આ નિર્ણય બાદ ચૈતર વસાવા પાસે સુપ્રીમ કોર્ટમાં જામીન અને સ્ટે માટે અપીલ કરવાનો છેલ્લો વિકલ્પ બચ્યો છે.








