Census 2027 Questions: દેશમાં વસ્તી ગણતરી-2027ને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. આગામી 25 જાન્યુઆરી, 2027થી વસ્તી ગણતરીનો બીજો તબક્કો શરૂ થશે, જે 28 ફેબ્રુઆરી, 2027 સુધી ચાલશે. આ તબક્કામાં કર્મચારીઓ ઘરે-ઘરે જઈને નાગરિકો પાસેથી વિવિધ વિગતો એકત્રિત કરશે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આ કામગીરી માટે કર્મચારીઓને ખાસ તાલીમ પણ આપવામાં આવી છે, જેમાં કુલ 40 પ્રશ્નો આધારિત પ્રશ્નોત્તરી, ડેટા સુરક્ષા અને હાઉસ લિસ્ટિંગની પ્રક્રિયા સમજાવવામાં આવી હતી.
સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓને બે દિવસીય તાલીમ અપાઈ
વસ્તી ગણતરીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યો છે. હવે બીજા તબક્કાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ડોર-ટુ-ડોર કામગીરી શરૂ થાય તે પહેલાં ગાંધીનગરથી આવેલા માસ્ટર ટ્રેનર્સ દ્વારા સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ માટે 25 અને 26 નવેમ્બરના રોજ બે દિવસીય તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તાલીમ દરમિયાન કર્મચારીઓને વસ્તી ગણતરીની સમગ્ર પ્રક્રિયા, નાગરિકોને પૂછવાના પ્રશ્નો, માહિતીનું સંકલન, હાઉસ લિસ્ટિંગ અને ડેટાની સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ ચાર્જ અધિકારીઓને કામગીરીમાં ચોકસાઈ જાળવવા અને એકત્રિત કરવામાં આવતી માહિતીની ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપવા સૂચના આપવામાં આવી હતી.
આ વખતે ડિજિટલ પદ્ધતિથી થશે વસ્તી ગણતરી
વસ્તી ગણતરી-2027માં ડિજિટલ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે. આ વખતે માહિતી એકત્રિત કરવાની અને તેનું સંચાલન કરવાની પ્રક્રિયામાં પણ મહત્ત્વપૂર્ણ ફેરફાર જોવા મળશે. તાલીમ દરમિયાન કર્મચારીઓને 40 પ્રશ્નો આધારિત પ્રશ્નોત્તરી અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી. બીજા તબક્કામાં કર્મચારીઓ ઘરે-ઘરે જઈને પરિવારના સભ્યોની વ્યક્તિગત, સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સ્થિતિ સહિતની વિવિધ વિગતો એકત્રિત કરશે. આ ઉપરાંત સ્થળાંતર, રોજગાર, ભાષા, બેંક ખાતા અને ઓળખના દસ્તાવેજો સંબંધિત માહિતી પણ પૂછવામાં આવશે.
વસ્તી ગણતરી દરમિયાન લોકોને પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો
બીજા તબક્કા દરમિયાન નાગરિકો પાસેથી નીચે મુજબની વિગતો મેળવવામાં આવશે:
વ્યક્તિનું નામ.
પરિવારના વડા સાથેનો સંબંધ.
લિંગ.
જન્મ તારીખ અને ઉંમર.
વર્તમાન વૈવાહિક સ્થિતિ.
લગ્ન સમયની ઉંમર.
પતિ અથવા પત્નીનું નામ.
જાહેર કરેલી રાષ્ટ્રીયતા.
ધર્મ.
અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિ.
પિતાની વિગત.
માતાની વિગત.
દિવ્યાંગતા અથવા નિઃશક્તતા.
માતૃભાષા અને અન્ય ભાષાઓનું જ્ઞાન.
સાક્ષરતા અને ડિજિટલ સાક્ષરતાની સ્થિતિ.
શૈક્ષણિક સંસ્થામાં શિક્ષણ મેળવવાની સ્થિતિ.
મેળવેલ શિક્ષણનું ઉચ્ચતમ સ્તર અને વિદ્યાશાખા અથવા વિષય.
ગયા વર્ષે કોઈ પણ સમયે કામકાજ કર્યું છે કે કેમ?
આર્થિક પ્રવૃત્તિની શ્રેણી.
વ્યવસાય.
ઉદ્યોગ, વેપાર અથવા સેવાનું સ્વરૂપ.
કર્મચારી અથવા કર્મીનો વર્ગ.
બિન-આર્થિક પ્રવૃત્તિની વિગતો (અલ્પકાલિક, અર્ધ-અલ્પકાલિક અને બિન-કર્મી માટે).
કામની શોધમાં છે કે કામ માટે ઉપલબ્ધ છે (અલ્પકાલિક, અર્ધ-અલ્પકાલિક અને બિન-કર્મી માટે).
કાર્યસ્થળ સુધીની મુસાફરી.
જન્મસ્થળ.
અગાઉનું નિવાસસ્થાન.
સ્થળાંતર અથવા સ્થળ પરિવર્તનનું કારણ.
સ્થળ પરિવર્તન પછી આ ગામ કે શહેરમાં નિવાસનો સમયગાળો.
કાયમી નિવાસસ્થાનનું સરનામું.
હાલમાં જીવિત બાળકોની સંખ્યા (માત્ર હાલમાં પરિણીત, વિધવા, છૂટાછેડા લીધેલ અને અલગ થયેલી મહિલાઓ માટે).
અત્યાર સુધીમાં જીવિત જન્મેલાં બાળકોની સંખ્યા (માત્ર હાલમાં પરિણીત, વિધવા, છૂટાછેડા લીધેલ અને અલગ થયેલી મહિલાઓ માટે).
છેલ્લા એક વર્ષ દરમિયાન જીવિત જન્મેલાં બાળકોની સંખ્યા (માત્ર હાલમાં પરિણીત મહિલાઓ માટે).
કોવિડ-19 રસીકરણનું સ્થળ.
બેંક ખાતાઓની કુલ સંખ્યા.
મોબાઇલ નંબર (જો ઉપલબ્ધ હોય તો).
આધાર નંબર.
મતદાર આઈડી નંબર (જો ઉપલબ્ધ હોય તો).
પાસપોર્ટ નંબર (જો ભારતીય પાસપોર્ટ ધારક હોય તો).
ડ્રાઇવિંગ લાઇસન્સની ઉપલબ્ધતા.
વ્યક્તિગત અને આર્થિક માહિતી પણ એકત્રિત કરાશે
આ પ્રશ્નાવલીમાં વ્યક્તિની ઓળખ, પરિવાર, શિક્ષણ અને રોજગાર સંબંધિત વિગતો ઉપરાંત સ્થળાંતર અને નાગરિક સુવિધાઓ સાથે જોડાયેલી માહિતીનો પણ સમાવેશ થાય છે. ખાસ કરીને આધાર નંબર, મતદાર આઈડી, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મોબાઇલ નંબર અને બેંક ખાતાની સંખ્યા જેવા પ્રશ્નો પણ પૂછવામાં આવશે. આ રીતે 25 જાન્યુઆરીથી શરૂ થનારા બીજા તબક્કામાં ઘરે-ઘરે જઈને 40 પ્રશ્નોના આધારે માહિતી એકત્રિત કરવામાં આવશે. સુરત સહિતના વિસ્તારોમાં કામગીરી સરળતાથી અને ચોકસાઈપૂર્વક થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તાલીમ અને આયોજનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.








