Gujarat Navratri Shakti Parv 2026: ગુજરાતની ભૌગોલિક ઓળખ, ધાર્મિક આસ્થા અને સમૃદ્ધ વારસાનો સૌથી મોટો ઉત્સવ એટલે નવરાત્રી. આ પર્વ દરમિયાન મા અંબાના ભક્તો અને ખેલૈયાઓમાં અનોખો ઉત્સાહ જોવા મળે છે. ચાલુ વર્ષે રાજ્યમાં નવરાત્રી ઉત્સવને અતિ ભવ્ય, યાદગાર અને ભક્તિમય બનાવવા માટે ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ‘નવરાત્રી શક્તિપર્વ-2026’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રેરણાદાયી માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ ઘડાયેલા આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતની વર્ષો જૂની ધાર્મિક પરંપરા અને લોકસંસ્કૃતિને વિશ્વ સ્તરે પ્રોત્સાહન આપવાનો છે.
11થી 19 ઓક્ટોબર દરમિયાન 9 પવિત્ર ધામોમાં ઝળહળશે ઉત્સવ
‘નવરાત્રી શક્તિપર્વ-2026’ અંતર્ગત રાજ્યના અલગ-અલગ 9 સુપ્રસિદ્ધ માતાજીના મંદિર પરિસરોમાં 11 ઓક્ટોબરથી લઈને 19 ઓક્ટોબર સુધી દરરોજ સાંસ્કૃતિક તથા ધાર્મિક કાર્યક્રમો યોજાશે. દરેક સ્થળે એક ચોક્કસ દિવસે વિશેષ કાર્યક્રમનું આયોજન છે:
11 ઓક્ટોબર: અંબાજી શક્તિપીઠ, બનાસકાંઠા
12 ઓક્ટોબર: બહુચરાજી શક્તિપીઠ, મહેસાણા
13 ઓક્ટોબર: શ્રી ઉમિયા માતા મંદિર, ઊંઝા
14 ઓક્ટોબર: શ્રી આશાપુરા માતાજીનું મંદિર, માતાનો મઢ, કચ્છ
15 ઓક્ટોબર: શ્રી ચામુંડા માતા મંદિર, ચોટીલા, સુરેન્દ્રનગર
16 ઓક્ટોબર: શ્રી મહાકાળી મંદિર, પાવાગઢ, પંચમહાલ
17 ઓક્ટોબર: શ્રી ભદ્રકાળી મંદિર, અમદાવાદ
18 ઓક્ટોબર: શ્રી હરસિદ્ધ માતા મંદિર, દેવભૂમિ દ્વારકા
19 ઓક્ટોબર: શ્રી મોઢેશ્વરી માતા મંદિર, મોઢેરા, મહેસાણા
જાણીતા કલાકારો જમાવશે ગરબાનો રંગ
આ શક્તિપર્વનું મુખ્ય આકર્ષણ ગુજરાતના ખ્યાતનામ ગાયકો અને કલાકારોની સંગીતમય પ્રસ્તુતિ રહેશે. 12 ઓક્ટોબરે બહુચરાજીના આંગણે જાણીતા લોકગાયક અરવિંદ વેગડા પોતાના આગવા અંદાજમાં ગરબાની રમઝટ બોલાવશે. તેમજ 19 ઓક્ટોબરના રોજ મોઢેરા ખાતે શ્રી મોઢેશ્વરી માતાજીના સાનિધ્યમાં પ્રસિદ્ધ ગાયિકા હિમાલી વ્યાસ નાયક પોતાની મધુર વાણીથી ગરબા રસિકોને ઝૂમાવશે. આ ઉપરાંત બાકીના સાત દેવસ્થાનો પર પણ ગુજરાતના નામાંકિત ગાયકો દ્વારા પારંપરિક ગરબા, રાસ અને લોકસંગીત પીરસવામાં આવશે.
ધાર્મિક પ્રવાસન (ટૂરિઝમ) ક્ષેત્રે નવો ઉછાળો
ગુજરાત રાજ્યનું ‘આતિથ્યમ’ ટૂરિસ્ટ ફૂટફોલ ડેશબોર્ડ દર્શાવે છે કે રાજ્યમાં આવતા મોટાભાગના પ્રવાસીઓ માટે અંબાજી, પાવાગઢ અને બહુચરાજી ટોચના ધાર્મિક સ્થળો રહ્યા છે. રાજ્યના પ્રમુખ જિલ્લાઓ જેવા કે અમદાવાદ, બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં શક્તિપર્વનું આયોજન થવાથી માત્ર શ્રદ્ધાળુઓની આસ્થા જ નહીં સંતોષાશે, પરંતુ રાજ્યના ટૂરિઝમ સેક્ટરને પણ મોટો આર્થિક અને સામાજિક વેગ મળશે.
આસો નવરાત્રીમાં ભક્તિ અને લોકનૃત્યનું અદ્ભુત મિલન
ગરબા માત્ર એક નૃત્ય નથી, પરંતુ મા જગદંબાની ઉપાસનાનું મધુર માધ્યમ છે. નવરાત્રી શક્તિપર્વ જેવા આયોજનોથી આવનારી પેઢી સુધી આપણી સનાતન ધાર્મિક પરંપરાઓ અને લોકસંસ્કૃતિના મૂલ્યો પહોંચી રહ્યા છે. રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજ્યના તમામ નાગરિકો, શ્રદ્ધાળુઓ અને ખેલૈયાઓને આ તમામ 9 સ્થળોએ યોજાનારા આયોજનોમાં ઉત્સાહભેર ભાગ લેવા અને ભક્તિમય વાતાવરણનો આનંદ માણવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.








