મારું ગુજરાત

સુરેન્દ્રનગરના વતની કેપ્ટન સ્મિત મચ્છરે આકાશમાં ટાળી મોટી દુર્ઘટના, ગુજરાત આપશે સન્માન

1 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
સુરેન્દ્રનગરના વતની કેપ્ટન સ્મિત મચ્છરે આકાશમાં ટાળી મોટી દુર્ઘટના, ગુજરાત આપશે સન્માન

Captain Smit Machchhar: દુબઈથી ઈઝરાયેલ જઈ રહેલી ફ્લાયદુબઈની FZ1073 ફ્લાઈટમાં કોકપિટની અંદર સર્જાયેલી ગંભીર ઘટનાએ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. ફ્લાઇટના કેપ્ટન અને ગુજરાત મૂળના પાયલોટ સ્મિત મચ્છર પર કથિત રીતે કો-પાયલોટે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છતાં કેપ્ટન સ્મિતે કોકપિટનો દરવાજો ખોલવામાં મહત્વની ભૂમિકા ભજવી, જેના કારણે મુસાફરો અને ક્રૂના સભ્યો હુમલાખોરને કાબૂમાં લેવામાં મદદ કરી શક્યા. ત્યારબાદ ફ્લાઇટને સાઉદી અરેબિયાના તબુક ખાતે સુરક્ષિત રીતે ડાયવર્ટ કરવામાં આવી હતી. વિમાનમાં 174 મુસાફરો હતા અને તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જણાવાયું છે.

કોકપિટમાં હુમલો, છતાં સ્મિતે હિંમત ન હારી
ફ્લાઇટ દુબઈથી તેલ અવીવ તરફ જઈ રહી હતી ત્યારે કોકપિટમાં કેપ્ટન અને કો-પાયલોટ વચ્ચે ગંભીર ઝપાઝપી થઈ હતી. અહેવાલો અનુસાર, આ દરમિયાન કેપ્ટન સ્મિત મચ્છર પર ચાકૂથી હુમલો કરવામાં આવ્યો હતો. તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા અને લોહીલુહાણ સ્થિતિમાં પણ પરિસ્થિતિ સંભાળવાનો પ્રયાસ કરતા રહ્યા. આ દરમિયાન વિમાનની ઊંચાઈમાં પણ ઝડપથી ઘટાડો થયો હતો અને ઇમરજન્સી સિગ્નલ સક્રિય થયા હતા. મુસાફરો અને ક્રૂના સભ્યો કોકપિટ સુધી પહોંચ્યા બાદ હુમલાખોરને કાબૂમાં લેવામાં મદદ કરી હતી. અંતે ફ્લાઇટને તેના મૂળ ગંતવ્ય ઇઝરાયેલના બદલે સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી, જ્યાં તેનું સુરક્ષિત લેન્ડિંગ થયું હતું.

સાવરકુંડલા સાથે ખાસ સંબંધ
કેપ્ટન સ્મિત મચ્છરનું મૂળ વતન સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ સાથે જોડાયેલું હોવાનું જણાવાયું છે, જ્યારે તેમનું સાસરું અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં છે. વર્ષોથી તેમનો પરિવાર મુંબઈમાં સ્થાયી હોવાનું પરિવારજનો દ્વારા જણાવાયું છે. સાવરકુંડલા સાથેના આ પારિવારિક સંબંધને કારણે સમગ્ર વિસ્તાર માટે પણ આ ઘટના ખાસ ચર્ચાનો વિષય બની છે. સ્મિતના સગા સાળા હિરેન જોગીના જણાવ્યા પ્રમાણે, ઘટનાની જાણ થતાં પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. જોકે, ગંભીર પરિસ્થિતિમાં મુસાફરોની સુરક્ષા માટે સ્મિતે જે હિંમત બતાવી તેના પર સમગ્ર પરિવારને ગર્વ છે.

9,500થી વધુ કલાકનો ઉડ્ડયન અનુભવ
કેપ્ટન સ્મિત મચ્છર પાસે લાંબો ઉડ્ડયન અનુભવ હોવાનું સામે આવ્યું છે. તેઓ અગાઉ 11 વર્ષથી વધુ સમય સુધી સ્પાઈસજેટ સાથે પાયલોટ તરીકે કામ કરી ચૂક્યા છે. તેમના ઉડ્ડયન અનુભવ અંગેના અહેવાલો મુજબ તેમણે લગભગ 9,750 કલાકથી વધુ ફ્લાઈંગ અનુભવ મેળવ્યો છે. હાલ ફ્લાઇટની ઘટનામાં ઈજાગ્રસ્ત થયા બાદ સ્મિત મચ્છરની સાઉદી અરેબિયામાં સારવાર ચાલી રહી છે. અહેવાલો અનુસાર તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે.

ગુજરાત સરકાર કરશે ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’થી સન્માન
કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીને ગુજરાત સરકારે પણ સન્માન આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 1 ઓક્ટોબરે જાહેરાત કરી હતી કે સ્મિત મચ્છરને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવશે. મુખ્યમંત્રીએ તેમની બહાદુરી અને મુસાફરોના જીવ બચાવવાના પ્રયાસોને ગુજરાત તથા દેશ માટે ગૌરવ ગણાવ્યા છે. ગુજરાત સરકારની જાહેરાત મુજબ, ગંભીર રીતે ઘાયલ થયા છતાં સ્મિત મચ્છરે કથિત હુમલાખોરનો સામનો કર્યો અને મોટી દુર્ઘટના ટાળવામાં મહત્વની ભૂમિકા ભજવી. આ ઘટનામાં મુસાફરો તથા અન્ય ક્રૂ સભ્યોની ભૂમિકા પણ મહત્વપૂર્ણ રહી હતી.

આકાશમાં મુશ્કેલીની વચ્ચે અનુભવ અને નિર્ણયક્ષમતાની કસોટી
FZ1073માં બનેલી ઘટનાએ ફરી એકવાર બતાવ્યું છે કે ઉડાન દરમિયાન અચાનક સર્જાતી ગંભીર પરિસ્થિતિમાં પાયલોટની તાલીમ, અનુભવ અને ઝડપી નિર્ણયક્ષમતા કેટલી મહત્વપૂર્ણ બની શકે છે. હુમલાની સ્થિતિમાં ઈજાગ્રસ્ત થયા છતાં કોકપિટનો દરવાજો ખોલવામાં સ્મિતની ભૂમિકાએ મુસાફરો અને ક્રૂને અંદર પ્રવેશવાની તક આપી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. ત્યારબાદ હુમલાખોરને કાબૂમાં લેવામાં આવ્યો અને વિમાનને તબુક ખાતે સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું. હાલ આ સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે અને હુમલાના ચોક્કસ કારણ અંગે અંતિમ તારણ સામે આવ્યું નથી. જોકે, કેપ્ટન સ્મિત મચ્છરની કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું વિવિધ અહેવાલોમાં જણાવાયું છે. તેમની બહાદુરીને પગલે પરિવારથી લઈને ગુજરાત અને દેશભરમાં તેમની ચર્ચા થઈ રહી છે, જ્યારે ગુજરાત સરકારે તેમના સન્માનની જાહેરાત કરી છે.

Tags:
કેપ્ટન સ્મિત મચ્છરGujarat Vandanગુજરાત વંદનHeroic PilotGujarat Pride
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026