Ahmedabad Fraud News: અમદાવાદ શહેરમાં ઠગાઈ અને છેતરપિંડીના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગરીબ અને જરૂરિયાતમંદ દીકરીઓને દાન આપવાના પવિત્ર કામનો આશરો લઈ એક ચાલાક ગઠિયાએ જ્વેલર્સના વેપારી સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી છે. નારણપુરા વિસ્તારમાં રહેતા અને રાણીપ ખાતે પોતાની જ્વેલર્સની દુકાન ધરાવતા વેપારી જયેશ શાહ આ ઠગાઈનો ભોગ બન્યા છે. સમાજસેવાની મોટી મોટી વાતો કરીને વેપારીનો વિશ્વાસ જીતી લેનાર શખ્સે લાખો-કરોડો રૂપિયાના દાગીના પચાવી પાડતા આખરે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.
ઓક્ટોબર 2024થી શરૂ થયો ઠગાઈનો ખેલ
આ સમગ્ર મામલાની શરૂઆત ઓક્ટોબર 2024માં થઈ હતી. અમરાઈવાડી વિસ્તારમાં રહેતા જયેશ રાઠોડ નામના શખ્સે જ્વેલર્સ જયેશ શાહનો સંપર્ક કર્યો હતો. તેણે પોતાની ઓળખ એક વગદાર સામાજિક કાર્યકર તરીકે આપી હતી અને દાવો કર્યો હતો કે તે એક સામાજિક સંસ્થા ચલાવે છે. તેણે વેપારીને જાળમાં ફસાવવા કહ્યું કે તેમની સંસ્થા ગરીબ પરિવારની દીકરીઓના લગ્ન પ્રસંગે સોના-ચાંદીના દાગીના દાનમાં આપવાનું ભગીરથ કાર્ય કરે છે. શરૂઆતના તબક્કામાં જયેશ રાઠોડે નાના-મોટા દાગીના ખરીદીને તરત જ રોકડ નાણાં ચૂકવી આપ્યા હતા. આ પદ્ધતિથી તેણે વેપારીનો પૂરેપૂરો વિશ્વાસ જીતી લીધો હતો.
એક જ વર્ષમાં 2.86 કરોડના દાગીના લીધા
એકવાર વેપારીનો વિશ્વાસ સંપાદિત થઈ ગયા બાદ જયેશ રાઠોડે મોટો ખેલ પાડવાનું શરૂ કર્યું હતું. એક વર્ષના ટૂંકા ગાળામાં તેણે ટુકડે-ટુકડે કરીને કુલ 2.86 કરોડ રૂપિયાની કિંમતના સોના અને ચાંદીના દાગીનાની ખરીદી કરી હતી. જોકે, આ વખતે તેણે રોકડા નાણાં ચૂકવવામાં આનાકાની શરૂ કરી હતી. તેણે રૂ. 2.86 કરોડના દાગીના સામે માત્ર 1.07 કરોડ રૂપિયા જ ચૂકવ્યા હતા અને બાકીના 1.79 કરોડ રૂપિયા બાકી રાખ્યા હતા. વેપારી જ્યારે પણ પોતાના બાકી નાણાંની માગણી કરતા ત્યારે તે અવનવા બહાના બતાવીને સમય લંબાવતો રહ્યો હતો.
ઈ-મેલથી બિલ મોકલવા છતાં નાણાં ન ચૂકવ્યા
જ્વેલર્સે પોતાના હિસાબ મુજબ તમામ પાકા બિલ અને વાઉચર ઈ-મેલ મારફતે જયેશ રાઠોડને મોકલી આપ્યા હતા અને ઉઘરાણી ચાલુ રાખી હતી. પરંતુ લાંબો સમય વીતી જવા છતાં અને સતત સંપર્ક કરવા છતાં જયેશ રાઠોડ તરફથી કોઈ પણ બાકી રકમ ચૂકવવામાં આવી ન હતી. વેપારીને આખરે એ વાતનો અહેસાસ થઈ ગયો કે તેમની સાથે દાનના નામે બહુ મોટી છેતરપિંડી થઈ છે. આથી તેમણે મોડું કર્યા વગર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા (EOW - Economic Offences Wing)નો સંપર્ક કર્યો હતો અને આ અંગે વિધિવત ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા
ક્રાઇમ બ્રાન્ચની EOW શાખાએ વેપારી જયેશ શાહની ફરિયાદના આધારે અમરાઈવાડીના જયેશ રાઠોડ સામે આર્થિક છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ અત્યારે આ કેસમાં દાગીનાની ખરીદીના બિલ, બેંક ટ્રાન્ઝેક્શન અને ઈ-મેલના પુરાવાઓ એકત્રિત કરી રહી છે. આ ઉપરાંત, આરોપી જયેશ રાઠોડે અગાઉ અન્ય કોઈ વેપારીઓ સાથે પણ આ જ પ્રકારે સામાજિક સંસ્થાના નામે ઠગાઈ આચરી છે કે કેમ તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.








