Gujarat High Court Steps in for Narmada Tribal Farmers: ગુજરાતના નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં વર્ષોથી જંગલની જમીન પર ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા આદિવાસી ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. જંગલની જમીન પર ખેતી કરતા આદિવાસી ખેડૂતોને બેદખલ કરવાની ચાલતી પ્રક્રિયા સામે ખેડૂતોએ ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. વર્ષોથી પરંપરાગત રીતે જમીન ખેડતા આદિવાસીઓને અચાનક જમીન પરથી હટાવવાના પ્રયાસો શરૂ થતાં મોટો વિવાદ ઊભો થયો છે. આ મામલે ખેડૂતોએ કોર્ટ સમક્ષ પોતાની વેદના ઠાલવીને ન્યાયની ગુહાર લગાવી હતી, જેની ગંભીર નોંધ લઈને હાઈકોર્ટે મહત્ત્વનો આદેશ આપ્યો છે.
બેદખલીના આક્ષેપોથી મુશ્કેલીમાં મુકાયા આદિવાસીઓ
હાઈકોર્ટમાં અરજદારો તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે આદિવાસી ખેડૂતો વર્ષોથી જમીન સંબંધિત વિવિધ ટેકનિકલ, કાયદાકીય અને વહીવટી પ્રક્રિયાઓની ગૂંચવણોનો સામનો કરી રહ્યા છે. વન અધિકાર કાયદા હેઠળ ખેડૂતોએ પોતાના હક માટે અગાઉ અરજીઓ અને દાવો રજૂ કર્યો હતો. જોકે, આ દાવાઓનો યોગ્ય કે આખરી નિકાલ ન આવે ત્યાં સુધી ખેડૂતોને જમીન પર ખેતી કરતા અટકાવવામાં આવી રહ્યા છે. ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે તેમને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર જ ગેરકાયદેસર રીતે પોતાની જમીન પરથી બેદખલ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેના કારણે તેમની રોજીરોટી પર સંકટ ઊભું થયું છે.
"કાયદો હાથમાં લઈને આદિવાસીઓને હટાવી ન શકાય"
કેસની સુનાવણી દરમિયાન અરજદાર પક્ષના વકીલે ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે આદિવાસી ખેડૂતોને જમીન પરથી દૂર કરવા માટે વન વિભાગના અધિકારીઓ અને સ્થાનિક તંત્રનો દબાણપૂર્વક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, સ્થાનિક સ્તરે એક આદિવાસી સમુદાયને બીજા આદિવાસી સમુદાય સામે ઊભો કરીને આંતરિક વિવાદ ઊભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો પણ દાવો કરાયો હતો. અરજદારોએ કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે જંગલ જમીન સંબંધિત સમિતિના ચેરમેન અને ડેપ્યુટી કલેક્ટરે પણ સ્પષ્ટપણે માન્યું છે કે કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈને કે ધાક-ધમકી બતાવીને આદિવાસીઓને તેમની જમીન પરથી હટાવી શકાય નહીં.
હાઈકોર્ટે સરકારના બેવડા વલણ પર ઉઠાવ્યા ગંભીર સવાલો
સમગ્ર મામલાની ગંભીરતાથી સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની કામગીરી અને વલણ પર તીખા સવાલો કર્યા હતા. હાઈકોર્ટે ટકોર કરતા નોંધ્યું કે, એક તરફ સરકાર સુપ્રીમ કોર્ટ સમક્ષ એવી રજૂઆત કરે છે કે આદિવાસીઓને તેમની જમીન ખેડવા દેવામાં આવશે અને તેમને યોગ્ય ન્યાય મળશે. પરંતુ બીજી તરફ સ્થાનિક ધોરણે તેમને જમીન પર ખેતી કરતા રોકવામાં આવી રહ્યા છે અને બેદખલ કરવામાં આવી રહ્યા છે. સરકારના આ પ્રકારના વિરોધાભાસી અને બેવડા વલણ અંગે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને આ મામલે સ્થિતિ સ્પષ્ટ કરવા સરકારને ટકોર કરી હતી.
હાઈકોર્ટે બેદખલીની કાર્યવાહી પર લગાવી રોક
અરજદારો તથા તથ્યોની રજૂઆત સાંભળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટે આદિવાસી ખેડૂતોના હિતમાં મહત્વનો વચગાળાનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે જંગલ જમીન પરથી આદિવાસી ખેડૂતોને બેદખલ કરવાની ચાલતી તમામ કાર્યવાહી પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે અને સ્થળ પર 'યથાસ્થિતિ' (Status Quo) જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. આ સાથે કોર્ટે કડક શબ્દોમાં ટકોર કરી હતી કે વર્ષોથી હેરાન થતા આદિવાસી ખેડૂતોને વધુ મુશ્કેલીમાં મૂકવામાં ન આવે. આ મામલે રાજ્ય સરકારે પણ પોતાનો વિગતવાર જવાબ અને આદેશ કોર્ટ સમક્ષ રજૂ કરવાની તૈયારી દર્શાવી છે.
ઓક્ટોબર મહિનામાં યોજાશે આગામી સુનાવણી
સાગબારાના આદિવાસી ખેડૂતોના જમીન અધિકાર સાથે જોડાયેલો આ સંવેદનશીલ કેસ હાલ હાઈકોર્ટમાં વિચારાધીન છે. પ્રાપ્ત વિગતો મુજબ, આ કેસની આગામી મહત્વની સુનાવણી 5 ઓક્ટોબરના રોજ હાથ ધરવામાં આવશે. આ વિવાદ માત્ર જમીનના કબજા પૂરતો સીમિત નથી, પરંતુ તે આદિવાસીઓના પરંપરાગત વન અધિકારો, તેમની આજીવિકા અને કાયદાકીય રક્ષણ સાથે જોડાયેલો છે. આગામી સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર કોર્ટમાં શું જવાબ અને પુરાવા રજૂ કરે છે તથા હાઈકોર્ટ આદિવાસીઓના અધિકારો અંગે શું આખરી નિર્ણય લે છે તેના પર સમગ્ર રાજ્યની નજર ટકેલી છે.








