Ahmedabad Airport Drug Bust: ગુજરાતના અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી નશાકારક પદાર્થોની તસ્કરીનો એક મોટો પર્દાફાશ થયો છે. ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ની ટીમે એક સફળ ઓપરેશન પાર પાડીને અંદાજે રૂ. 5 કરોડની કિંમતનું ઉચ્ચ ગુણવત્તાવાળું કોકેઇન જપ્ત કર્યું છે. વિદેશથી આવી રહેલા એક મુસાફર પાસેથી મળેલા આ ડ્રગ્સના જથ્થાએ એરપોર્ટ સુરક્ષા એજન્સીઓને પણ ચોંકાવી દીધી છે.
ટ્રોલી બેગના હેન્ડલમાં આ રીતે છુપાવ્યો હતો માલ
DRI અધિકારીઓને ચોક્કસ ગુપ્ત માહિતી (ઇનપુટ) મળી હતી કે વિદેશથી આવતી ફ્લાઇટમાં એક મુસાફર નશાકારક પદાર્થ લઈને આવી રહ્યો છે. તપાસ દરમિયાન શંકાસ્પદ મુસાફરની ટ્રોલી બેગની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. તસ્કરે ડ્રગ્સ સંતાડવા માટે ખૂબ જ શાતિર મગજ દોડાવ્યું હતું; તેણે ટ્રોલી બેગના ટેલિસ્કોપિક હેન્ડલ (ખેંચવાના હેન્ડલ)ની અંદરની ખાલી જગ્યામાં કોકેઇન પેક કરીને છુપાવી રાખ્યું હતું.
981 ગ્રામ કોકેઇન સાથે યુગાન્ડાના નાગરિકની ધરપકડ
અધિકારીઓએ જ્યારે હેન્ડલ ખોલીને તપાસ કરી ત્યારે તેમાંથી કુલ 981 ગ્રામ કોકેઇન મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત અંદાજે રૂ. 5 કરોડ આંકવામાં આવી રહી છે. આ નશાકારક પદાર્થ સાથે મુસાફરી કરી રહેલા યુગાન્ડાના નાગરિકની DRI દ્વારા તાત્કાલિક ધોરણે અટકાયત કરવામાં આવી છે અને NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ફ્લાઇટ QR534 દ્વારા ભારતમાં પ્રવેશો હતો તસ્કર
પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી મુસાફર ફ્લાઇટ નંબર QR534 દ્વારા અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યો હતો. એરપોર્ટ પર ઉતરતાની સાથે જ પૂર્વ બાતમીના આધારે સક્રિય થયેલી DRIની ટીમે તેને ઘેરી લીધો હતો. હાલમાં એજન્સીઓ એ દિશામાં સઘન તપાસ કરી રહી છે કે આટલો કિંમતી ડ્રગ્સનો જથ્થો ભારતમાં કોને સપ્લાય કરવાનો હતો અને આ નેટવર્ક પાછળ કયા મોટા આકાઓ સંકળાયેલા છે.
ગુજરાતમાં ડ્રગ્સ નેટવર્ક તોડવા એજન્સીઓ સતર્ક
અમદાવાદ એરપોર્ટ પરથી અગાઉ પણ સોનું અથવા ગાંજો ઝડપાયાના કિસ્સાઓ સામે આવ્યા છે, પરંતુ રૂ. 5 કરોડનું મોંઘુદાટ કોકેઇન પકડાવું એ બાબત દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય તસ્કરો હવે નવા રસ્તાઓ શોધી રહ્યા છે. થોડા દિવસો પહેલાં જ કસ્ટમ્સ વિભાગે પણ બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી 8.9 કિલો ગાંજો ઝડપી પાડ્યો હતો. એજન્સીઓના સતત સર્ચ ઓપરેશન અને કડક તપાસના કારણે તસ્કરોના મનસુબા પર પાણી ફરી વળ્યું છે.








