Bishnoi gang busted in Ankleshwar: ગુજરાતમાં દારૂબંધી અમલમાં હોવા છતાં અંકલેશ્વરમાં વિદેશી દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ થતા ખળભળાટ મચી ગયો છે. રાજસ્થાનની કુખ્યાત બિશ્નોય ગેંગે અંકલેશ્વરમાં પોતાનો પગપેસારો કરી દારૂનું સામ્રાજ્ય ઊભું કર્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે અંકલેશ્વરના જીતાલી ગામે આવેલ માધવ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં દારૂના ગોડાઉન પર દરોડો પાડી લગભગ એક કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમિયાન ગોડાઉનમાંથી અંદાજે રૂ. 94 લાખની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત દારૂની હેરાફેરી માટે વપરાતી એક જીપ સહિત કુલ મળીને એક કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
સમગ્ર નેટવર્કમાં અનેક લોકો સંડોવાયેલા છે
આ કાર્યવાહી દરમિયાન પોલીસએ રમેશ બિશ્નોઇ નામના એક આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે, રાજસ્થાનના કુખ્યાત બિશ્નોય ગેંગ દ્વારા ગુજરાતમાં મોટા પાયે પ્રતિબંધિત દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. અંકલેશ્વર જેવા ઔદ્યોગિક વિસ્તારને પસંદ કરી અહીં ગોડાઉન ભાડે રાખવામાં આવતું હતું, જ્યાં દારૂનો જથ્થો સંગ્રહ કરી પછી અલગ અલગ વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતો હતો. પોલીસ તપાસમાં વધુમાં સામે આવ્યું છે કે, આ સમગ્ર નેટવર્કમાં અનેક લોકો સંડોવાયેલા છે. ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે સુરેન્દ્ર બિશ્નોઇ, સુરેશ ઠાકોરરામ બિશ્નોઇ, ડેનીભાઈ, ગોપી, મહેતા, ચેતન અને રાજેશ સહિત કુલ આઠ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. તમામ આરોપીઓ દારૂની હેરાફેરી અને ગોડાઉન સંચાલનમાં મુખ્ય ભૂમિકા ભજવતા હોવાનું પોલીસનું કહેવું છે.
દારૂબંધી ધરાવતા રાજ્યમાં આવા મોટા નેટવર્ક
પોલીસે આઠેય વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે. ગુજરાત-રાજસ્થાન સરહદી વિસ્તારોમાં તેમજ સંભવિત ઠેકાણાઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે. આરોપીઓની ધરપકડ બાદ દારૂની સપ્લાય ચેઇન અને અન્ય સંડોવાયેલા વ્યક્તિઓ વિશે વધુ ખુલાસા થવાની શક્યતા છે. આ ઘટના ફરી એકવાર પ્રશ્ન ઉભો કરે છે કે, દારૂબંધી ધરાવતા રાજ્યમાં આવા મોટા નેટવર્ક કેવી રીતે કાર્યરત થાય છે. ઔદ્યોગિક વિસ્તારોમાં ગોડાઉન ભાડે રાખી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાને લઈને સ્થાનિક તંત્રની ભૂમિકા પણ તપાસના દાયરામાં આવી શકે છે. ભરૂચ ક્રાઈમ બ્રાન્ચની આ કાર્યવાહીથી દારૂના ધંધામાં સંડોવાયેલા તત્વોમાં ભય ફેલાયો છે. પોલીસનું કહેવું છે કે, આગામી દિવસોમાં પણ દારૂની હેરાફેરી સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને કોઈપણ સંડોવાયેલા વ્યક્તિને બક્ષવામાં નહીં આવે.








