Bhupendra Patel Dahod Visit: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દાહોદ જિલ્લાના ત્રણ દિવસીય પ્રવાસના બીજા દિવસે તેમની સાદગીભરી શૈલી જોવા મળી હતી. રતનમહાલ પ્રોજેક્ટની મુલાકાત પૂર્ણ કરીને ગરબાડા જતી વખતે તેમણે પીપર ગોટા ગામમાં અચાનક કાર રોકાવી હતી અને કાચા રસ્તે ચાલીને આદિવાસી ખેડૂત બકુલભાઈ વાખળાના ઘરે પહોંચ્યા હતા. આ ઉપરાંત ધાનપુર તાલુકાના ભુવેરો ગામમાં પ્રાચીન બાબાદેવના સ્થાનકે દર્શન કરીને ગ્રામજનો સાથે જમીન પર બેસી સંવાદ કર્યો હતો.
આદિવાસી ખેડૂતના ઘરે ઓચિંતી મુલાકાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રતનમહાલ પ્રોજેક્ટની મુલાકાત પૂર્ણ કરીને ગરબાડા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં આવતા પીપર ગોટા ગામે તેમણે અચાનક કાર રોકાવી હતી. ત્યારબાદ ગામના કાચા રસ્તા પરથી ચાલીને તેઓ આદિવાસી ખેડૂત બકુલભાઈ વાખળાના ઘરે પહોંચ્યા હતા. ખેડૂત પરિવાર સાથેની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ મકાઈની ખેતી, ખેતીમાંથી થતી આવક અને પરિવારની આજીવિકા અંગે જાણકારી મેળવી હતી. આ ઉપરાંત પરિવારનાં બાળકો સાથે પણ વાત્સલ્યભર્યો સંવાદ કર્યો હતો અને તેમના અભ્યાસ તથા શાળા વિશે વિગતો જાણી હતી.
મુખ્યમંત્રીની મુલાકાતથી પરિવારમાં ખુશીનો માહોલ
પીપર ગોટા જેવા નાના આદિવાસી ગામમાં મુખ્યમંત્રીની ઓચિંતી મુલાકાતથી સ્થાનિક પરિવારમાં આનંદની લાગણી જોવા મળી હતી. મુખ્યમંત્રીની સરળ અને સહજ શૈલીને કારણે ગ્રામજનોને પોતાના પરિવારના કોઈ વડીલ હાલચાલ પૂછવા આવ્યા હોય તેવી લાગણી થઈ હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સામાન્ય આદિવાસી પરિવાર સાથે સીધો સંવાદ સાધ્યો હતો.
ભુવેરો ગામે બાબાદેવના સ્થાનકે કર્યા દર્શન
દાહોદ પ્રવાસના બીજા દિવસે મુખ્યમંત્રી ધાનપુર તાલુકાના રતનમહાલના ગાઢ જંગલની વચ્ચે આવેલા ભુવેરો ગામના પ્રાચીન બાબાદેવના સ્થાનકે પહોંચ્યા હતા. અહીં તેમણે શ્રદ્ધાપૂર્વક દર્શન કરીને આદિવાસી સમાજની ધાર્મિક આસ્થા અને પરંપરા સાથે જોડાણ અનુભવ્યું હતું. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ગ્રામજનો સાથે જમીન પર સાદગીપૂર્વક બેઠા હતા અને તેમની સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે ગ્રામજનોની વાતો સાંભળવાની સાથે સ્થાનિક પ્રશ્નો અંગે પણ જાણકારી મેળવી હતી.
સખી મંડળની બહેનોનાં સ્ટોલની મુલાકાત લીધી
ભુવેરો ગામમાં મુખ્યમંત્રીએ સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ ઉત્પાદનોના સ્ટોલની પણ મુલાકાત લીધી હતી. અહીં પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો, ખજૂરીનાં પાનમાંથી બનાવેલી છાબડી, હર્બલ સાબુ તેમજ તીર-કમાન જેવી હસ્તકલાની વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી હતી.
પ્રથમ દિવસે પણ આદિવાસી પરિવારો સાથે વિતાવ્યો હતો સમય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવાસના પ્રથમ દિવસે પણ આદિવાસી પરિવારો સાથે આત્મીય મુલાકાત કરી હતી. ગરબાડા તાલુકાના સરાબલી (ગાંગરડી) ગામે એક સામાન્ય આદિવાસી પરિવારના ઘરે જમીન પર બેસીને પરંપરાગત ભોજન લીધું હતું. આ દરમિયાન તેમણે પરિવારના વડીલો અને બહેનો સાથે વાતચીત કરીને પારિવારિક સ્થિતિ, બાળકોના અભ્યાસ અને પરિવારની આજીવિકા વિશે જાણકારી મેળવી હતી. આ ઉપરાંત ધાનપુર તાલુકાના ભિંડોલ ગામમાં રાત્રિ રોકાણ દરમિયાન આદિવાસી તડવી પરિવારના ઘરે પરંપરાગત ભોજનનો સ્વાદ માણ્યો હતો. પરિવારજનો સાથે જમીન પર બેસીને પડિયા-પતરાળીમાં ભોજન લીધું હતું. તેમણે આદિવાસી ભજન મંડળીના ભજન-કીર્તન પણ સાંભળ્યાં હતાં. ભિંડોલ ગામમાં ગ્રામજનો સાથે ખાટલા બેઠક યોજીને તેમની રજૂઆતો સાંભળી હતી અને ગ્રામીણ જનજીવન અંગે જાણકારી મેળવી હતી. આમ, દાહોદ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિવાસી પરિવારો સાથે સીધો સંવાદ સાધીને તેમની વચ્ચે સમય વિતાવ્યો હતો.








