Bhavnagar spray bottle blast: ભાવનગર શહેરના કુંભારવાડા મિલની ચાલી વિસ્તારમાં આવેલી એક ઝૂંપડીમાં ભંગારમાં આવેલી સ્પ્રેની બોટલો તોડતી વખતે અચાનક બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં એક જ પરિવારના ત્રણ બાળકો સહિત આશરે 8 લોકો આગની ઝપેટમાં આવી દાઝી ગયા હતા. ઘટના બાદ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
કઈ રીતે બની ઘટના?
મળતી વિગતો મુજબ, મિલની ચાલી વિસ્તારમાં ઝૂંપડીમાં રહેતો અને ભંગારનો વ્યવસાય કરતો પરિવાર ભંગારની વસ્તુઓ તોડવાની કામગીરી કરી રહ્યો હતો. આ દરમિયાન સ્પ્રેની બોટલમાં અચાનક બ્લાસ્ટ થયો અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં ત્રણથી વધુ બાળકો, મહિલા સહિત પરિવારના સભ્યો દાઝી ગયા હતા.
બાળકો સળગતી હાલતમાં બહાર આવ્યા
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાનુસાર, આ લોકો ભંગારની ફેરી કરે છે. ભંગારમાં પેલી સ્પ્રેની બોટલો આવે છે, તે બધા થેલો ભરીને લાવ્યા હતા. તે બાટલીઓની અંદર લોખંડના બૂચ આવે, એ લોખંડના બૂચ કાઢવા માટે તે હથોડી વડે ફોડતો હતો અને ટીન-ટીન અલગ કરતો હતો. આ દરમિયાન અચાનક અંદર તણખો થતાં ભડકા થયા અને બધી બાટલીઓમાં આગ લાગી ગઈ તથા બધું ઉડવા માંડ્યું. આખા વાસમાં બધાને એમ થયું કે, કોઈએ બોમ્બ નાખ્યો છે એટલે બધા દોડી-દોડીને છોકરાઓ લઈને ભાગવા માંડ્યા. પેલા બિચારા છોકરાઓ સળગતી હાલતમાં ભાગતા-ભાગતા બહાર આવતા હતા. આસપાસના લોકોએ પાણી નાંખીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો પરંતુ, આગ ઓલવી શકાઇ નહીં.
સારવાર માટે સર ટી. હોસ્પિટલ ખસેડાયા
બ્લાસ્ટ અને આગની ઘટના બાદ સ્થાનિકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 108 ની ટીમ દ્વારા તમામ દાઝેલા લોકોને સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.








