Bhavnagar Ragging News: ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલી માધવ બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના સગીર વિદ્યાર્થી સાથે ગંભીર રેગિંગ અને શારીરિક-માનસિક ત્રાસ આપ્યાના આક્ષેપો સામે આવ્યા છે. પીડિત વિદ્યાર્થીના પિતાએ હોસ્ટેલમાં રહેતા ધોરણ-12ના ચાર વિદ્યાર્થીઓ અને બે રેક્ટર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. સમગ્ર મામલે પોલીસને લેખિત અરજી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ તપાસ બાદ જ થઈ શકશે.
ચપ્પલથી માર મારતા અને સિગારેટ પીવડાવ્યાનો આક્ષેપ
પીડિત વિદ્યાર્થીના પિતાના જણાવ્યા મુજબ, ધોરણ-12ના એક વિદ્યાર્થી દ્વારા તેમના પુત્રને વારંવાર ચપ્પલ અને ઢીકાપાટુથી માર મારવામાં આવતો હતો. અન્ય ત્રણ વિદ્યાર્થીઓ પણ તેની સાથે જોડાતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી પાસે હોસ્ટેલના વિવિધ કામો કરાવવામાં આવતા હોવા ઉપરાંત માથું દબાવવા અને માલિશ કરવા માટે પણ દબાણ કરવામાં આવતું હોવાનો પિતાએ દાવો કર્યો છે. વધુમાં, ધમકાવીને પરાણે સિગારેટ પીવડાવવામાં આવતી અને તેનો વીડિયો બનાવવામાં આવતો હોવાનો પણ ગંભીર આક્ષેપ છે.
CCTV કેમેરા ન હોય ત્યાં લઈ જઈને માર માર્યાનો દાવો
પિતાના જણાવ્યા મુજબ, વિદ્યાર્થી સિગારેટ પીવાનો ઇનકાર કરે ત્યારે તેને CCTV કેમેરા ન હોય તેવી જગ્યાએ લઈ જઈને માર મારવામાં આવતો હતો. ત્યારબાદ સિગારેટ પીતી વખતે હસવાનું કહી તેનો વીડિયો બનાવવામાં આવતો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવતી હોવાનો આક્ષેપ છે. સગીર વિદ્યાર્થીના પિતાએ હોસ્ટેલના CCTV ફૂટેજ તપાસ્યા હોવાનો દાવો કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, ફૂટેજમાં પુત્ર સાથે મારપીટ અને શારીરિક-માનસિક ત્રાસના દૃશ્યો જોવા મળ્યા હતા.
ત્રાસના કારણે બાળકમાં ભયનો માહોલ
વારંવારની મારપીટ અને ધમકીઓના કારણે પુત્ર સતત ભયમાં રહેતો હોવાનો પિતાએ દાવો કર્યો છે. બાથરૂમમાં જાય ત્યારે લાઇટ બંધ કરીને તેને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે. પિતાના જણાવ્યા મુજબ, સતત ત્રાસના કારણે બાળકની માનસિક સ્થિતિ પર ગંભીર અસર પડી હતી. થોડા દિવસ પહેલાં જ્યારે તે ઘરે આવ્યો ત્યારે તેના વર્તનમાં મોટો બદલાવ જોવા મળ્યો હતો. ત્યારબાદ તેને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતાં હોસ્ટેલમાં તેની સાથે થતી કથિત સતામણીની વિગતો સામે આવી હતી.
બે રેક્ટરની ભૂમિકા અંગે પણ આક્ષેપ
આ સમગ્ર મામલામાં હોસ્ટેલના બે રેક્ટર અંકુર અને જીગરની ભૂમિકા અંગે પણ પિતાએ આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, બંને રેક્ટર કેટલીક વખત આરોપી વિદ્યાર્થીઓ સાથે જોડાતા હતા અને તેમને સિગારેટ લાવી આપતા હોવાની માહિતી તેમના પુત્રએ આપી હતી. જોકે, રેક્ટરો તથા વિદ્યાર્થીઓ સામે કરવામાં આવેલા આક્ષેપો અંગે સત્તાવાર તપાસ પૂર્ણ થયા બાદ જ હકીકત સ્પષ્ટ થશે.
પોલીસમાં ત્રણ દિવસ પહેલાં લેખિત અરજી
પિતાના જણાવ્યા મુજબ, ઘટના સામે આવ્યા બાદ તેમણે સૌપ્રથમ હોસ્ટેલ સંચાલકને આરોપી વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. યોગ્ય કાર્યવાહી ન થતાં આશરે ત્રણ દિવસ પહેલાં નીલમબાગ પોલીસ મથકમાં લેખિત અરજી કરવામાં આવી હતી. પિતાનો દાવો છે કે અરજી કર્યા બાદ હજુ સુધી કાર્યવાહી આગળ વધી નથી. સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ જ કાયદેસરની કાર્યવાહી અંગે સ્થિતિ સ્પષ્ટ થશે.
સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની પણ પિતાને આશંકા
પીડિત વિદ્યાર્થીના પિતાએ વધુ એક ગંભીર આશંકા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ, સામે આવેલા વીડિયો અને અન્ય વિગતોના આધારે તેમને પુત્ર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું હોવાની શંકા છે. તેમણે પુત્રને આ અંગે પૂછ્યું હોવા છતાં તે ડરના કારણે સંપૂર્ણ વિગતો જણાવી શકતો ન હોવાનો દાવો કર્યો છે. આથી પિતાએ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ તેમજ સગીર વિદ્યાર્થીની તબીબી તપાસ કરાવવાની માંગ કરી છે.
સગીર વિદ્યાર્થીઓ હોવાથી ઓળખ જાહેર કરાઈ નથી
આ કેસમાં પીડિત અને આક્ષેપિત વિદ્યાર્થીઓ સગીર હોવાનું જણાવાયું છે. તેથી તેમની ઓળખ જાહેર કરવામાં આવી નથી. સમગ્ર મામલે સામે આવેલા આક્ષેપો ગંભીર હોવાથી પોલીસ તપાસ, CCTV ફૂટેજ, તબીબી તપાસ અને અન્ય પુરાવાના આધારે જ સાચી હકીકત સામે આવશે. રેગિંગના આક્ષેપોએ હોસ્ટેલમાં સગીર વિદ્યાર્થીઓની સુરક્ષા અને દેખરેખ વ્યવસ્થાને લઈને પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે.








