Delhi Mumbai Expressway Accident: ભરૂચના દેરોલ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ધોરાજીથી સુરત લગ્ન પ્રસંગમાં જઈ રહેલી લક્ઝરી બસ ટેન્કર સાથે અથડાતાં બે મુસાફરોના કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે 30થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
બાળકો સહિત 30થી 35 મુસાફરો ઈજાગ્રસ્ત
ભરૂચના દેરોલ નજીક વહેલી સવારે આશરે 5:30 વાગ્યાની આસપાસ આ અકસ્માતની ઘટના બની હતી. 108ની EMT અસ્મા મલેકે આપેલી માહિતી મુજબ, લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માતનો કોલ મળ્યા બાદ ઘટનાસ્થળે ઈજાગ્રસ્તોની સંખ્યા વધુ હોવાનું જાણવા મળ્યું હતું. આથી આસપાસના વિસ્તારોમાંથી 7થી 8 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. અકસ્માતમાં 6થી 7 વર્ષનાં નાનાં બાળકો સહિત અંદાજે 30થી 35 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. તમામને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ધોરાજીથી સુરત લગ્નમાં જઈ રહ્યા હતા મુસાફરો
મળતી માહિતી મુજબ, લક્ઝરી બસમાં સવાર મુસાફરો ધોરાજી તરફથી સુરત ખાતે લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન ભરૂચના દેરોલ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર બસ અને ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્મત બાદ બસમાં સવાર મુસાફરોમાં ભારે ગભરાટ અને ભયનો માહોલ સર્જાયો હતો. કેટલાક મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ હતી, જ્યારે કેટલાકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ દુર્ઘટનામાં બે મુસાફરોના મોત થતાં લગ્ન પ્રસંગમાં જઈ રહેલા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે.
108ની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી
અકસ્મતની જાણ થતાં જ 108ની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોની સંખ્યા વધુ હોવાથી 7થી 8 એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી. ત્યારબાદ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર બનેલી આ દુર્ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે








